કેટલાય ભારતીયોએ નેપાલની હોનારતમાં જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો મિસિંગ છે ત્યારે યાદ કરીએ ત્રણેક દાયકા પહેલાંની એક હૃદયદ્રાવક ઘટના
ડૉ. જે. એમ શાહ, ડૉ. હીરાલાલ વોરા, ડૉ. મુકેશ શાહ, ડૉ. ગોપાલ ઠક્કર અને ડૉ. જ્યોતિ ઠક્કર
૧૯૯૮ની ૧૮ આૅગસ્ટે ભારત-તિબેટની સરહદે આવેલા માલપા ગામ પર હિમાલયનો એક પહાડ ધસી આવ્યો અને આખું ગામ એની નીચે દબાઈ ગયું. યાત્રા માટે નીકળેલા લોકોનો આ ગામમાં બેઝ-કૅમ્પ હતો અને રાત્રે બધા ભરઊંઘમાં હતા ત્યારે આવી પડેલી કુદરતી આફતમાં ૬૦ શ્રદ્ધાળુઓ સહિત ૨૨૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ કરુણાંતિકાનો ભોગ બનેલા મુલુંડના પાંચ કચ્છી ડૉક્ટરોમાંથી બેના પરિવાર સાથે મિડ-ડેએ વાત કરી
નેપાલ-તિબેટ સરહદે બુધવારે કૈલાસ-માનસરોવરના માર્ગ પર ગ્લેશિયર ફાટવાને કારણે આવેલા જળપ્રલયનો ભોગ બનેલા અનેક શ્રદ્ધાળુઓની હજી ભાળ નથી મળી રહી. પાણી, પથ્થરો અને કાદવના થર વચ્ચે તેઓ ક્યાંક ગુમ થઈ ગયા છે. નેપાલની હોનારતનાં આ દૃશ્યોએ મુલુંડના પાંચ કચ્છી પરિવારોના હૃદયમાં ધરબાયેલા ૨૮ વર્ષ જૂના જખમને ફરી તાજા કરી દીધા છે.
કુદરતનો આવો જ એક પ્રકોપ ૧૯૯૮ની ૧૮ ઑગસ્ટે રાતે એ વખતના ઉત્તર પ્રદેશમાં અને અત્યારના ઉત્તરાખંડમાં ભારત-તિબેટ સરહદે આવેલા પિથોરાગઢના માલપા ગામમાં તૂટી પડ્યો હતો. કૈલાસયાત્રાના ઇતિહાસની આ પણ એક મોટી હોનારત હતી. માત્ર ૯૦ સેકન્ડના એ પ્રલયમાં આખું ગામ અને કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલા ૬૦ શ્રદ્ધાળુઓ સહિત ૨૨૧ લોકોનાં મોત થયાં હતાં. શ્રદ્ધાળુઓના આ ગ્રુપમાં મુલુંડના પાંચ કચ્છી ડૉક્ટરો પણ સામેલ હતા. આ ડૉક્ટરોના પરિવારોએ ‘મિડ-ડે’ સાથે તેમની વેદના શૅર કરી હતી.
ADVERTISEMENT
રેસ્ક્યુ ઑપરેશન પૉસિબલ નહોતું
૨૮ વર્ષ અગાઉ કૈલાસ-માનસરોવરની યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓનું એક આખું ગ્રુપ પહાડ ધસી આવતાં સદાય માટે ગાઢ નિદ્રામાં પોઢી ગયું હતું. કૈલાસયાત્રાના ઇતિહાસની આ પણ એક મોટી હોનારત હતી. ૧૯૯૮ની ૧૮ ઑગસ્ટે વહેલી સવારે ૩ વાગ્યે આખું માલપા ગામ પહાડ નીચે દબાઈ ગયું હતું, જેમાં ૬૦ શ્રદ્ધાળુઓ સહિત ૨૨૧ લોકોનાં મોત થયાં હતાં. શ્રદ્ધાળુઓના આ ગ્રુપમાં મુલુંડના પાંચ કચ્છી ડૉક્ટરો પણ સામેલ હતા. એ ગોઝારા દિવસને યાદ કરતાં મુલુંડનાં ડેન્ટલ સર્જ્યન ડૉ. દર્શન વોરા કહે છે, ‘મારા પપ્પા ડૉ. હીરાલાલ વોરા, તેમના મિત્રો ડૉ. જે. એમ શાહ, ડૉ. મુકેશ શાહ, ડૉ. જ્યોતિ ઠક્કર અને ડૉ. ગોપાલ ઠક્કર કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયાં હતાં. માલપા ગામમાં તેમનો નાઇટ-સ્ટે હતો. તેઓ બેઝ-કૅમ્પમાં આરામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક મોટો પહાડ ધસી આવતાં આખેઆખું ગામ દબાઈ ગયું. એમાં શ્રદ્ધાળુઓ, પોર્ટર અને ગ્રામજનો સહિત બધા જ કાટમાળ નીચે જીવતા દટાઈ ગયા હતા. ઓડિશી નૃત્યાંગના પ્રોતિમા બેદી (અભિનેતા કબીર બેદીનાં પત્ની) પણ તેમના ગ્રુપમાં સામેલ હતાં. એ કાળી રાતને યાદ કરતાં આજે પણ ધ્રૂજી જવાય છે. એ જમાનામાં નહોતા મોબાઇલ ફોન કે નહોતી સૅટેલાઇટની આવી આધુનિક સુવિધા. અમને પણ હોનારતના સમાચાર મોડા મળ્યા. હોનારત થઈ એ સમયે હિમાલયમાં સતત વરસાદ ચાલુ હતો અને આખો પહાડ તૂટીને નીચે આવી ગયો હોવાથી રેસ્ક્યુ ઑપરેશન કરવું અશક્ય હતું. સરકારે ૩ દિવસ સુધી રાહ જોઈ. અંતે લાચારી દર્શાવી કે હવે ત્યાં કંઈ થઈ શકે એમ નથી. અમારા નજીકના એક સ્વજન પિતાની ભાળ મેળવવા માટે દુર્ઘટના-સ્થળ સુધી પહોંચ્યા, પરંતુ ત્યાં પહાડ સિવાય કંઈ જ બચ્યું નહોતું. અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે કાટમાળમાંથી બૉડી બહાર કાઢવી અશક્ય છે એટલે બધાને મૃત કન્સિડર કરી લો, આ હોનારતમાંથી કોઈ જીવતું બચી શક્યું નથી. અંતિમ સંસ્કાર કરવા માટે પિતાનો દેહ પણ ન મળ્યો. એ સમયે મારી ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી અને મારો નાનો ભાઈ નમન (આજે તે પણ ડૉક્ટર છે) ૧૯ વર્ષનો હતો. પિતા અચાનક ગાયબ થઈ જાય એ આઘાત જુવાન થઈ રહેલાં બે બાળકો માટે કેટલો મોટો હોય એ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. જોકે સમય દરેક જખમને રૂઝવી દે છે. અમે પરિસ્થિતિને સંભાળતાં શીખી ગયાં અને જીવનમાં આગળ વધી ગયાં છીએ, પરંતુ જ્યારે પણ હિમાલયમાં આવી કોઈ હોનારત કે લોકોના લાપતા થવાના સમાચાર ટીવી પર જોઈએ ત્યારે માલપાની એ કાળી રાત અને પિતાનો એ અધૂરો પ્રવાસ યાદ આવી જાય છે.’
પેરન્ટ્સને ગુમાવ્યા
મારાં પેરન્ટ્સ ગોપાલ ઠક્કર અને જ્યોતિ ઠક્કર જનરલ ફિઝિશ્યન હતાં, આ આઘાત એટલો મોટો હતો કે અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું, માતા-પિતા બન્નેને એકસાથે ગુમાવી દીધાં, તેમની યાદ માનસપટ પરથી ક્યારેય ભૂંસાઈ નથી એમ જણાવતાં હોમિયોપૅથિક પ્રૅક્ટિશનર ડૉ. દીપન ઠક્કર કહે છે, ‘હું ૧૮ વર્ષનો ટીનેજર હતો. મારી મોટી બહેન અલ્પાનાં એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. આ ઘટના બની એ દિવસે મારી મમ્મીનો જન્મદિવસ પણ હતો. આર્થિક તકલીફ નહોતી પણ મૉરલ સપોર્ટની ખૂબ જરૂર પડી. કાકા-દાદાએ પાંચ વર્ષ સુધી અમને માનસિક રીતે સાચવ્યા હતા. હોનારતના બે દિવસ બાદ ઇન્ડિયન તિબેટિયન બૉર્ડર પોલીસનો ફોન આવ્યો કે તમારાં માતા-પિતા મિસિંગ છે. તેમના જીવંત હોવાની આશા સાથે ડૉ. મુકેશભાઈના દીકરા ડૉ. વિમલ બરેલી સુધી ગયા પણ લશ્કરે આગળ જવા ન દીધા. માલપા ગામ તો નકશા પરથી જ ભૂંસાઈ ગયું હતું. આ ઘટના કાલી નદીના જલપ્રલયને લીધે બની હોવાનું જણાવ્યું હતું. નદીના પ્રવાહમાં ૯ સૈનિકો પણ તણાઈ ગયા હતા. આ હોનારતમાં જીવ ગુમાવનારા ડૉ. મુકેશ શાહ અને જે. એમ. શાહ કાકાના ભાઈઓ હતા. મને માતા-પિતાનો ચહેરો છેલ્લી વાર જોવા પણ ન મળ્યો એ યાદ કરીને આજેય રડવું આવી જાય છે. ૨૮ વર્ષ વીતી ગયાં. અમે જિંદગી સાથે ટેવાઈ ગયા છીએ, પણ જ્યારે નેપાલ જેવી હોનારતના સમાચાર સાંભળીએ છીએ ત્યારે સુન્ન થઈ જાય છે. લિસ્ટમાં માત્ર મૃત્યુના આંકડા અને નામ બદલાય છે, અમારો એ કાયમી આઘાત નથી બદલાતો. આજે નેપાલમાં બચાવકાર્ય જોઈને યાદ આવે છે કે એ વખતે ભારતીય ઍર ફોર્સે અને આર્મીએ ખૂબ મદદ કરી હતી. આ ટ્રૅજેડીમાંથી બધા પરિવારો બહાર નીકળીને જીવનમાં આગળ વધી ગયા છે. પાંચેય ડૉક્ટરોનાં સંતાનો પણ જુદા-જુદા ફીલ્ડના નિષ્ણાત ડૉક્ટરો છે.’
