હાથકડી અને બેડી પહેરાવીને દિલ્હી ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા અને પછી તેમની જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા
શનિવારે સાંજે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લાવ્યા પછી રવિવારે સવારે તેમને જે-તે જિલ્લાની પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.
અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘૂસેલા હરિયાણાના ૫૪ યુવાનોને અમેરિકાએ ભારત પાછા મોકલ્યા છે. બધાને ન્યુ દિલ્હી ઍરપોર્ટ પર હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા. શનિવારે સાંજે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લાવ્યા પછી રવિવારે સવારે તેમને જે-તે જિલ્લાની પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. ડિપૉર્ટ થઈને આવેલા એક યુવાને કહ્યું હતું કે હજી ત્રીજી નવેમ્બરે વધુ એક પ્લેન આવશે. ડિપૉર્ટ થયેલા લોકોમાં સૌથી વધુ કર્નાલના યુવાનો છે. ૧૬ કર્નાલ, ૧૪ કૈથલ, પાંચ અંબાલા, કુરુક્ષેત્ર અને યમુનાગરના ૪-૪ અને જિંદના ત્રણ યુવાનો હતા.
વિદેશ જઈને રહેવાનાં અને સારી કમાણી કરીને વધુ સારી જિંદગી જીવવાનાં સપનાં જોતા યુવાનો ગેરકાનૂની રીતે અમેરિકા જવા માટે ઘર-જમીન વેચીને ૫૦-૬૦ લાખ રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. હરિયાણાના આ યુવાનો પણ આવા ગેરકાનૂની ડન્કી રૂટથી જ પ્રવેશ્યા હતા. આ યુવાનોની ઉંમર ૨૫થી ૪૦ વર્ષની વચ્ચે હતી.


