હુમલાખોર રીઢો અપરાધી છે એવું કહીને આ હુમલાને હેટ ક્રાઇમ ગણવાની પોલીસની ચોખ્ખી ના
હરપાલ સિંહ
અમેરિકાના લૉસ ઍન્જલસમાં સોમવારે ૭૦ વર્ષના સિખ હરપાલ સિંહ પર ગૉલ્ફ સ્ટિકથી હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના ચહેરાનાં હાડકાં તૂટી ગયાં હતાં અને મગજની નસો ફાટી ગઈ હતી. ગુરુદ્વારા નજીક ચાલતી વખતે આશરે ૫૦ વર્ષના હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો. હરપાલ સિંહના ભાઈએ જણાવ્યું હતું કે હરપાલ સિંહ પર ત્રણ સર્જરી કરવામાં આવી છે અને હુમલા પછી તેઓ બેભાન જ છે.
ટાઇમ્સ સ્ક્વેરમાં તાજેતરમાં બનેલી ગોળીબારની ઘટના બાદ આ હુમલાની ઘટના બહાર આવતાં લૉસ ઍન્જલસના સિખ સમુદાયે એની નિંદા કરી છે અને આ વિસ્તારમાં પોલીસસુરક્ષા વધારવાની પણ માગણી કરી છે.
ADVERTISEMENT
હુમલા પછી બનાવવામાં આવેલા વિડિયોમાં હરપાલ સિંહ લોહીથી લથપથ ફુટપાથ પર બેસેલા દેખાય છે અને તેમના પગ પાસે ગૉલ્ફ સ્ટિક જોવા મળે છે. પોલીસે ૪૪ વર્ષના હુમલાખોરની ધરપકડ કરી હતી અને જણાવ્યું હતું કે રિચર્ડ નામનો આ હુમલાખોર રીઢો અપરાધી છે અને તેની સામે અનેક કેસ દાખલ છે. હરપાલ સિંહ પર તેણે કોઈ ઝઘડાને લીધે હુમલો કર્યો હતો એવું કહીને પોલીસે આ ઘટનાને હેટ ક્રાઇમની ઘટના તરીકે ગણવાની ના પાડી હતી.

