ઇરાકમાં ચાલી રહેલી આ હિલચાલનો ચોમેરથી વિરોધ
પ્રતીકાત્મક તસવીર
ઇરાકમાં છોકરીઓની લગ્ન કરવાની હાલની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૯ વર્ષની કરવાના સંસદમાં રજૂ કરાયેલા પ્રસ્તાવની ચોમેર ટીકા થઈ રહી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો ઇરાકમાં ૧૫ વર્ષનો છોકરો ૯ વર્ષની છોકરી સાથે કાયદેસર રીતે લગ્ન કરી શકશે. આ બિલની સામે ઇરાકમાં મહિલાઓ અને માનવ-અધિકાર સંગઠનો વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં છે.
આ વિવાદાસ્પદ બિલ ઇરાકના ન્યાય મંત્રાલયે રજૂ કર્યું છે જે દેશના પર્સનલ સ્ટેટસ લૉમાં સુધારો કરવા માગે છે. જુલાઈ મહિનામાં આ બિલ રજૂ થયું ત્યારે એનો વિરોધ થતાં એને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, પણ સંસદમાં શિયા સમુદાયના સપોર્ટને કારણે ચોથી ઑગસ્ટે એ ફરીથી રજૂ કરવામાં આવ્યું છે. બિલના સમર્થકોનો દાવો છે કે એનો હેતુ ઇસ્લામિક કાયદાને પ્રમાણિત કરવાનો અને યુવાન છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવાનો છે.
ADVERTISEMENT
યુનિસેફનો એક રિપોર્ટ જણાવે છે કે ઇરાકમાં ૨૮ ટકા છોકરીઓનાં લગ્ન તેઓ ૧૮ વર્ષની થાય એ પહેલાં જ કરાવી દેવામાં આવે છે. માનવ-અધિકાર સંગઠનો જણાવી રહ્યાં છે કે આ બિલ મંજૂર થશે તો ઇરાકનો વિકાસ નહીં થાય, પણ એ પાછળ ધકેલાઈ જશે. જો આ બિલ મંજૂર થશે તો ઇરાકમાં છોકરીઓના શિક્ષણ પર ખતરો ઊભો થશે અને તેમની આઝાદી છીનવાઈ જશે. તેમના મતે વારસાહક, તલાક અને ચાઇલ્ડ-કસ્ટડી જેવા અધિકારો પર આ બિલ તરાપ મારશે.