પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ, ત્યાં છે ભારતવિરોધી આતંકવાદી સંગઠનોનાં નેટવર્ક
૨૬/૧૧નો મુંબઈમાં થયેલ આતંકી હુમલો
અમેરિકામાં કૉન્ગ્રેસ રિસર્ચ સર્વિસ (CRS)ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં ઘણાં આતંકવાદી સંગઠનો સક્રિય છે જેઓ જમ્મુ અને કાશ્મીર તથા ભારતકેન્દ્રિત છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે લશ્કર-એ-તય્યબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં ભારતવિરોધી આતંકવાદી સંગઠનો પાકિસ્તાનની ધરતી પર એમના નેટવર્કનું સંચાલન કરી રહ્યાં છે. આ સંગઠનો ભારતવિરોધી કામ કરે છે અને એમનાં નેટવર્ક કોઈ પણ અવરોધ વિના ચાલી રહ્યાં છે.
૨૫ માર્ચે પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટમાં ૧૫ આતંકવાદી સંગઠનોની વાત કરવામાં આવી છે, જેમાંથી કેટલાંક સંગઠનોને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યાં છે. આ સંગઠનોમાં લશ્કર-એ-તય્યબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM), હરકત-ઉલ-જેહાદ ઇસ્લામી (HUJI), હરકત ઉલ-મુજાહિદ્દીન (HUM) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM)નો સમાવેશ છે.
ADVERTISEMENT
લશ્કર-એ-તય્યબા (LeT) : ૧૯૮૦ના દશકમાં બનેલા આ સંગઠનને ૨૦૦૧માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યું હતું. હાલમાં આ સંગઠન પાકિસ્તાનના પંજાબ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આવેલું છે. હાલમાં જેલમાં બંધ હાફિઝ સઈદનું નેતૃત્વ ધરાવતા આ સંગઠને એનું નામ બદલીને જમાત-ઉદ-દાવા કરી દીધું છે. એની પાસે ઘણા આતંકવાદીઓ છે જેમણે ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કર્યો હતો.
જૈશ-એ-મોહમ્મદ (JeM) : વર્ષ ૨૦૦૦માં મસૂદ અઝહરે આ સંગઠન સ્થાપ્યું હતું અને અમેરિકાએ ૨૦૦૧માં એને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ૨૦૦૧માં ભારતની સંસદ પર થયેલા હુમલામાં આ સંગઠન સામેલ હતું. એની પાસે ૫૦૦ આતંકવાદીઓ છે જેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત છે. એનો ઉદ્દેશ ભારતના કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવી દેવાનો છે. આ સંગઠને અમેરિકા સામે પણ યુદ્ધની જાહેરાત કરી છે.
હિઝબુલ મુજાહિદ્દીન (HM) : ૧૯૮૯માં બનેલા આ સંગઠનને અમેરિકાએ ૨૦૧૭માં આતંકવાદી જાહેર કર્યું હતું. આ કાશ્મીરકેન્દ્રિત સંગઠન છે. એની પાસે ૧૫૦૦ આતંકવાદીઓ છે. તેઓ ભારતના કાશ્મીરને આઝાદ કરાવવા માગે છે. આ સંગઠન અલ-કાયદા અને બીજાં સંગઠનો સાથે મળીને કામ કરે છે.
