બંગલાદેશમાં હિન્દુવિરોધી માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે ત્યાં લઘુમતી પ્રજાના હિત માટે સ્થપાયેલા પહેલવહેલા રાજકીય પક્ષ બંગલાદેશ માઇનોરિટી જનતા પાર્ટીના પ્રેસિડન્ટ સુક્રિતીકુમાર મોંડલે ઢાકાથી મિડ-ડેને વિડિયો-કૉલ પર કહ્યું...
મિડ-ડેનાં રુચિતા શાહ સાથે ઢાકામાં આવેલી તેમની ઑફિસમાંથી વિડિયો-કૉલ પર વાત કરતા સુક્રિતીકુમાર મોંડલ
બાપદાદાના જમાનાથી બંગલાદેશમાં વસતા હિન્દુઓ પાસે કોઈ પણ પ્રકારના અધિકાર નથી. આજે પણ હિન્દુઓ પાસે પ્રૉપર્ટી વધારે છે અને એ જ કદાચ તેમની દુશ્મન બની છે. હિન્દુઓનું વધુ સુશિક્ષિત હોવું, વધુ બહેતર જીવન જીવવું, વધુ સમૃદ્ધ હોવું તેમને નડી રહ્યું છે : આ શબ્દો છે BMJPના પ્રેસિડન્ટ સુક્રિતીકુમાર મોંડલના
છેલ્લા કેટલાક અરસાથી બંગલાદેશમાં હિન્દુઓના સંહારના, હિન્દુઓનાં દેવસ્થાનો પર થઈ રહેલા અટૅકના અને અઢળક પ્રકારની પજવણીના સમાચાર આવી રહ્યા છે. હિન્દુઓ પર થઈ રહેલા ક્રૂરતાભર્યા અત્યાચારોએ ભારતના હિન્દુઓમાં પણ આક્રોશ જગાવ્યો છે ત્યારે માઇનોરિટીના હિત માટે સ્થપાયેલા બંગલાદેશના પહેલવહેલા રાજકીય પક્ષ બંગલાદેશ માઇનોરિટી જનતા પાર્ટી (BMJP)ના પ્રેસિડન્ટ સુક્રિતીકુમાર મોંડલ સાથેની વાતચીતમાં મિડ-ડેએ ગ્રાઉન્ડ રિયલિટી જાણી જેમાં મળેલી વિગતોમાં હિન્દુઓની બંગલાદેશમાં અત્યારની સ્થિતિ અને અહીં શરૂ થયેલા આખા આ ઘટનાક્રમ પાછળની ચોંકાવનારી વિગતો પ્રસ્તુત છે...
ADVERTISEMENT
બંગલાદેશ બન્યો જ ન હોત અને પાકિસ્તાનના અત્યાચારનો ભોગ બનનારા એક સમયના ઈસ્ટ પાકિસ્તાનના લોકોને સ્વતંત્રતા મળી જ ન હોત જો ભારતે એને સાથ ન આપ્યો હોત. ૧૯૭૧ના નિર્ણયાત્મક યુદ્ધ થકી બંગલાદેશનું સર્જન થયું એ દેશમાં અત્યારે ધર્મને નામે હિન્દુઓની કત્લેઆમ થઈ રહી છે. હિન્દુ મૅજોરિટીનો દેશ ગણાતા હિન્દુસ્તાન થકી બનેલા બંગલાદેશમાં અત્યારે હિન્દુઓનું અસ્તિત્વ ખતરામાં છે. છેલ્લા ૬ મહિનામાં હિન્દુઓ પર બર્બરતાપૂર્ણ થયેલા અત્યાચારોના લગભગ ૭૧ જેટલા બનાવો નોંધાયા છે. એની વચ્ચે એક બીજા સમાચાર આવ્યા કે બંગલાદેશમાં પહેલી વાર માઇનોરિટીઓ માટે અને માઇનોરિટી થકી રાજકીય પક્ષનું નિર્માણ થયું છે અને રાજકીય બળવા પછી પહેલી વાર બંગલાદેશમાં ઇલેક્શન યોજાવાનું છે ત્યારે આ હિન્દુઓ થકી બનેલા રાજકીય પક્ષના ઉમેદવારો પણ ઇલેક્શનમાં ઊભા રહેવાના છે. આ બંગલાદેશ માઇનોરિટી જનતા પાર્ટી (BMJP)ના પ્રેસિડન્ટ સુક્રિતીકુમાર મોંડલ સાથે વિડિયો-કૉલ પર થયેલી વાતમાં તેમણે ‘મિડ-ડે’ સાથે શૅર કરેલું બંગલાદેશની પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર અને કેટલીક ચોંકાવનારી વિગતો જાણી લો.
યસ, બધું જ સાચું છે
બંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ વાત સાચી છે કે મરીમસાલા નાખીને એનો પ્રચાર થઈ રહ્યો છે? આ પ્રશ્નના જવાબમાં સુક્રિતીકુમાર કહે છે, ‘યસ, અત્યારે બંગલાદેશમાં સિવિલ વૉર જેવી પરિસ્થિતિ છે. અહીં ક્યારે શું થઈ જાય એ કહેવું ખરેખર મુશ્કેલ છે અને હા, અહીં માનવઅધિકારોનું બહુ જ ખરાબ રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે. એવું નથી કે માત્ર હિન્દુઓ જ રહેંસાઈ રહ્યા છે, મુસ્લિમો પણ હિંસાનો શિકાર બની રહ્યા છે. જો હિન્દુઓની વાત કરવી હોય તો એવું નથી કે આ બધું છેલ્લા થોડાક મહિનામાં શરૂ થયું છે. પહેલાં પણ અહીં હિન્દુઓ માટે પડકારો હતા જ. આના પહેલાંની સરકારે મુસ્લિમોના મનમાં હિન્દુઓ માટે નફરત, તિરસ્કાર ભરવાનું કામ કર્યું અને પૉલિટિકલ એજન્ડાના અંતર્ગત જ આપસમાં લડાવીને પરસ્પર વૈમનસ્ય ઊભું કરવાનાં બીજ રોપી દીધાં હતાં. આજે એ જ બીજ વટવૃક્ષ બનીને વધુ લોકો સુધી ફેલાઈ ગયાં છે. યસ, અહીં અત્યારે કોઈ કાયદા-કાનૂન કે પ્રોટેક્શન નથી. અચાનક અત્યારે તમારી સાથે વાત કરતાં-કરતાં જ કોઈ બંદૂકધારી આવીને કે કોઈ ચાકુ લઈને ઘરમાં ઘૂસી જાય અને અમે જો પોતાને પ્રોટેક્ટ ન કરી શકીએ તો જીવ આપી દેવો પડે. સ્કૂલમાં ભણતાં હિન્દુ બાળકો સાથે થઈ રહેલું ઓરમાયું વર્તન પણ ક્યાંક આ પહેલાંની સરકારે લોકમાનસમાં વાવેલાં નફરતનાં બીજનું પરિણામ છે. હિન્દુઓ દુષ્કર સ્થિતિમાં છે અને કેટલાંક ઠેકાણે સિલેક્ટિવલી તેમને ટાર્ગેટ પણ કરવામાં આવી રહ્યા છે.’
હિન્દુઓના અધિકારોનું શું?
૧૯૪૭માં ભારતની આઝાદી પછી ઈસ્ટ પાકિસ્તાનમાં લગભગ ચાલીસ ટકા વસ્તી હિન્દુઓની હતી અને તેમની પાસે લગભગ ૮૦-૮૫ ટકા જમીન હતી. સુક્રિતી મોંડલ કહે છે, ‘એ પછી યસ, હિન્દુઓની સંખ્યા અહીં ઘટતી જ ગઈ છે. સરકાર અત્યારે ૮ ટકા હિન્દુઓ છે એવું કહે છે પરંતુ અમારા સર્વે મુજબ લગભગ ૧૨ ટકા હિન્દુઓ આજે પણ બંગલાદેશમાં રહે છે. બાપદાદાના જમાનાથી અહીં વસતા હિન્દુઓ પાસે જોકે કોઈ પણ પ્રકારના અધિકાર નથી. આજે પણ હિન્દુઓ પાસે પ્રૉપર્ટી વધારે છે અને એ જ કદાચ તેમની દુશ્મન બની છે. હિન્દુઓનું વધુ સુશિક્ષિત હોવું, વધુ બહેતર જીવન જીવવું, વધુ સમૃદ્ધ હોવું તેમને નડી રહ્યું છે. જોકે ફરી એક વાર કહીશ કે આ અત્યારે આવેલો બદલાવ નથી. જ્યારે શેખ હસીનાની સરકાર હતી ત્યારે રાજકારણના ભાગરૂપે ઘણી બધી રીતે હિન્દુઓની પજવણી થઈ છે જેને ભારત સરકાર સતત સપોર્ટ આપતી રહી. આજે પણ ભારત સરકારના શેખ હસીનાને અપાઈ રહેલા સપોર્ટ બદલ કેટલાક બંગલાદેશી સમુદાયમાં જાગેલો આક્રોશ પણ હિન્દુઓએ ભોગવવો પડી રહ્યો છે. તમને નવાઈ લાગશે પણ બંગલાદેશ માઇનોરિટી જનતા પાર્ટીની સ્થાપના અમે છેક ૨૦૧૭માં કરી હતી. એ સમયે પણ આ જ વાત હતી કે અમારી જન્મભૂમિ, માતૃભૂમિ બંગલાદેશ હોવા છતાં અમારી પાસે વોટ આપવાનો કે સરકાર ચલાવવાનો અધિકાર નથી એવું શું કામ હોવું જોઈએ? આ સ્થિતિમાં બદલાવ લાવવા રાજકીય પક્ષ બનાવ્યો, પરંતુ શેખ હસીનાની સરકારમાં અમારા પક્ષને મંજૂરી જ ન મળી. છેક હમણાં આ વર્ષે એપ્રિલ મહિનામાં અમારા પક્ષને મંજૂરી મળી છે જ્યારે શેખ હસીના દેશમાંથી ભાગી ગયાં છે. તમને કહું કે મારું ઘર સંસદભવનની સામે જ છે અને ૨૦૨૪ની પાંચ ઑગસ્ટે બળવાખોર ગ્રુપે સંસદ પર હુમલો કર્યો, મકાનો બાળ્યાં ત્યારે એનો હું આઇ-વિટનેસ હતો. અહીં ૨૦૧૨થી જ અંદરખાને ઘર્ષણો મોટા પાયે શરૂ થઈ ગયાં હતાં. આ વખતે અહીં ખૂબ જ વૉલેટાઇલ સ્થિતિ હોવા છતાં રાજકીય પક્ષ સાથે પોતાના ઉમેદવારોને ઇલેક્શનના મેદાનમાં ઉતારીને જંગે ચડવાનો નિર્ણય અમે લીધો છે.’
અહીં ઉલ્લેખનીય છે કે બંગલાદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારા ઇલેક્શનમાં જતિયા પરિષદ એટલે કે ત્યાંની સંસદની ૩૦૦ સીટમાંથી આ પહેલો માઇનોરિટી રાજકીય પક્ષ ૯૦ સીટ માટે પોતાના ઉમેદવાર ઊભા રાખશે જેમાંથી લગભગ ૫૦ ટકા ઉમેદવારો જીતી જાય એવી પૂરી સંભાવના સુક્રિતી મોંડલ સેવી રહ્યા છે. ગઈ કાલે જ પાર્ટીના ૯૦ ઉમેદવારોની નોંધણી થઈ છે. તેમ જ આ પાર્ટીએ બંગલાદેશને ધર્મનિરપેક્ષ બનાવવાના, એને વિકસિત કરવાના, એજ્યુકેશન રીફૉર્મ અને કરપ્શન દૂર કરવાના એજન્ડા સાથે પાંચ પૉઇન્ટનો પ્રોગ્રામ જાહેર કર્યો છે.

સુક્રિતીકુમાર મોંડલ (વચ્ચે લાલ કુર્તામાં) ગઈ કાલે ઢાકામાં તેમની પાર્ટીની ઑફિસમાં સાથીદારો સાથે
ભારતની ભૂમિકા
દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા અને ૧૯૯૯થી બંગલાદેશમાં પોતાનો બિઝનેસ ધરાવતા ટેલિકૉમ એક્સપર્ટ અને BMJPના સ્થાપક સુક્રિતીકુમાર મોંડલ બહુ જ સ્પષ્ટતાપૂર્વક એક વાત સ્વીકારે છે કે જો બંગલાદેશમાં હિન્દુઓને રક્ષણ આપવું હશે તો હિન્દુઓએ રાજકીય પક્ષો માટે નિર્ણાયક ભૂમિકામાં આવવું પડશે. તેઓ કહે છે, ‘આજે પણ બંગલાદેશમાં લગભગ અઢી કરોડ હિન્દુઓ છે અને તેઓ જો વોટ આપીને માઇનોરિટી પક્ષના ઉમેદવારને જિતાડે અને સાથે શેખ હસીનાના અવામી લીગ સિવાયના પક્ષોથી કોઈ એક પક્ષ સાથે જો આપણો માઇનોરિટી પક્ષ જોડાય તો બંગલાદેશમાં હિન્દુઓનું મહત્ત્વ વધશે. અત્યાર સુધી ભારત સરકાર શેખ હસીના અને તેમની અવામી લીગને સપોર્ટ કરતી આવી છે, પરંતુ હું બહુ જ ખુલ્લેઆમ કહું છું કે આ પક્ષે પણ હિન્દુઓને નુકસાન પહોંચાડવામાં કંઈ બાકી નથી રાખ્યું. હિન્દુઓના અધિકારોની રક્ષા હિન્દુઓ પોતે જ કરે એ સમય આવી ગયો છે અને એમાં મોદી સરકાર બંગલાદેશની એકમાત્ર માઇનોરિટી પાર્ટીને પોતાનું સમર્થન આપે તો એનાથી બંગલાદેશમાં રહેતા હિન્દુઓને બહુ જ મોટી રાહત મળી શકે એમ છે. બંગલાદેશમાં હિન્દુ ઉમેદવારો જીતે અને તેમને ભારત જેવા શક્તિશાળી પાડોશી દેશનું સમર્થન હોય તો એનાથી બંગલાદેશના બહુમતીના અન્ય રાજકીય પક્ષોમાં હિન્દુઓનાં હિતોનું રક્ષણ કરવાનું દબાણ વધી શકે છે. અત્યારે ખરેખર બંગલાદેશમાં રહેતા હિન્દુ માઇનોરિટીને સ્વરક્ષા માટે પણ ભારત સરકારના સમર્થનની જરૂર છે. એમ થવાથી પરિસ્થિતિ ઘણી બહેતર બની શકે એવી અમને ખાતરી છે.’
અમારા પૂર્વજો પણ અંગ્રેજો સામે ભારતની આઝાદી માટે લડ્યા હતા, પરંતુ અમને ક્યાં મળી આઝાદી?
ઇતિહાસનાં કેટલાંક પૃષ્ઠો ખોલીને સુક્રિતી મોંડલ બહુ જ દુઃખ સાથે ઉમેરે છે, ‘લોકો એ વાત ભૂલી ગયા છે કે બંગલાદેશ ઈસ્ટ પાકિસ્તાન પહેલાં ભારતનો જ હિસ્સો હતું જે ઈસ્ટ બેન્ગૉલ તરીકે ઓળખાતું હતું. અમારા પૂર્વજો ઈસ્ટ બૅન્ગૉલમાં રહીને અંગ્રેજો વિરુદ્ધની સ્વાતંત્ર્ય ચળવળ ભારતીય તરીકે લડ્યા છે. ચાહે એ સૂરિયા સેન હોય કે પ્રીતિલતા હોય, એ બધાં જ ભારતની આઝાદી માટે લડ્યાં. અમારી કમનસીબી કે ૧૪ ઑગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું અને ૧૫ ઑગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે ઈસ્ટ બૅન્ગૉલના હિન્દુઓ પાકિસ્તાનમાં સામેલ થઈ ગયા. એ પછી ૧૯૭૧માં ફરી જ્યારે યુદ્ધ થયું ત્યારે ઈસ્ટ પાકિસ્તાન બંગલાદેશ બન્યું. જોકે આ બધામાં પણ અમારું હિત કોણે વિચાર્યું? અહીં માંડ બચી ગયેલા હિન્દુઓને શું મળ્યું? ફરી સત્તા બદલાઈ, રાજકર્તા બદલાયા પણ અહીં વસતા હિન્દુઓ માટે કંઈ જ ન બદલાયું. છેલ્લાં ૭૮ વર્ષથી ભારત આઝાદ થઈ ગયો પણ ભારતની આઝાદી માટે લડેલા ઈસ્ટ બૅન્ગૉલના લોકો આજે પણ ગુલામની જેમ જ જીવે છે કારણ કે તેમને કોઈ અધિકારો આજે પણ નથી. આજે પોતાના પૂર્વજોની મૂળ ભૂમિ પર રહેવા માગતા હિન્દુઓ સામે અસ્તિત્વનો ખતરો ઊભો થયો છે. તેઓ ભારતીય હોવા છતા બંગલાદેશી હિન્દુઓ બની ગયા અને છતાંય મનમરજીથી સ્વતંત્રતાના શ્વાસ નથી લઈ શક્યા. આજે ભારત જ્યારે સશક્ત દેશ છે ત્યારે બંગલાદેશી હિન્દુઓની ભારત સરકાર પાસેથી પોતાની સ્વતંત્રતા માટે અને અધિકારોની રક્ષા માટે રાજકીય સક્રિયતામાં સમર્થન માટેની અપેક્ષા ક્યાં ખોટી છે એ મને કહોને?’


