Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સુપરમાર્કેટ અને બ્લડ-બૅન્કની સિસ્ટમ પર સાઇબર હુમલા પછી પ્લેનોને ધમકી

સુપરમાર્કેટ અને બ્લડ-બૅન્કની સિસ્ટમ પર સાઇબર હુમલા પછી પ્લેનોને ધમકી

Published : 06 November, 2026 03:39 PM | IST | Europe
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરોપમાં ૧૨ પ્લેનને એકસાથે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સનસનાટી : અનેક પ્લેનનું ઇમર્જન્સી લૅન્ડિંગ

ગઈ કાલે આયરલૅન્ડના ડબ‌લિનથી ઇટલીના રોમ જતા ઍર ‌લિંગસના આ પ્લેનનું બૉમ્બની ધમકી પછી ‌મિ‌લિટરી ઍરક્રાફ્ટના જાપ્તા વચ્ચે ફ્રાન્સના એક ઍરબેઝ પર ઇમર્જન્સી લૅ‌ન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ગઈ કાલે આયરલૅન્ડના ડબ‌લિનથી ઇટલીના રોમ જતા ઍર ‌લિંગસના આ પ્લેનનું બૉમ્બની ધમકી પછી ‌મિ‌લિટરી ઍરક્રાફ્ટના જાપ્તા વચ્ચે ફ્રાન્સના એક ઍરબેઝ પર ઇમર્જન્સી લૅ‌ન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.


યુરોપમાં ગઈ કાલે એકસાથે ૧૨ પ્લેનને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સનસનાટી મચી ગઈ હતી અને ઘણાં પ્લેનોનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફિનલૅન્ડ, ઇટલી, ફ્રાન્સ, ચેક રિપબ્લિક અને બલ્ગેરિયાની ઍરલાઇન્સો જેવી કે ફિનઍર, રાયનઍર અને ઍર લિંગસનાં પ્લેનોને ધમકી મળી હતી. સુરક્ષા-એજન્સીઓએ બલ્ગેરિયાનાં સોફિયા અને પ્લોવડિવ અને ચેક રિપબ્લિકના પ્રાગ સહિત અન્ય ઘણી જગ્યાએ ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવી પડી હતી અથવા ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું હતું. શરૂઆતની તપાસમાં પ્લેનોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યાં નથી અને બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. હજી સુધી કોઈ સંગઠને આ ધમકીઓની જવાબદારી સ્વીકારી નથી.

રફાલ ફાઇટર જેટની સુરક્ષા અપાઈ
આયરલૅન્ડની રાજધાની ડબ્લિનથી ૧૫૧ મુસાફરો અને ૬ ક્રૂ-સભ્યોને લઈને રોમ જઈ રહેલી ઍર લિંગસની ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફ્રેન્ચ ઍર ફોર્સે આ વિમાનને રફાલ ફાઇટર જેટની સુરક્ષા આપી હતી અને પૅરિસથી ૧૦૦ કિલોમીટર નૉર્મેન્ડીના એવરેક્સમાં મિલિટરી ઍરબેઝ પર એનું સલામત ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ઇટલીમાં ફ્લાઇટને ફાઇટર જેટ્સે એસ્કોર્ટ કરી



ફિનલૅન્ડના હેલસિન્કીથી રોમ જતી ફિનઍરની ફ્લાઇટને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફાઇટર જેટ્સે આ ફ્લાઇટને એસ્કોર્ટ કરી હતી. ઇટાલિયન ફાઇટર જેટની સુરક્ષા હેઠળ પ્લેનને રોમ લઈ જવામાં આવ્યું હતું.


બે દિવસમાં બે વાર ધમકી મળી
સોમવારે બ્રિટનનાં ૭ પ્લેનને આવી ધમકી મળી હતી. પછી મંગળવારે પણ ૧૦ પ્લેનમાં બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકીઓ મળી હતી. આના પગલે યુરોપનાં ઘણાં ઍરપોર્ટ પર સુરક્ષા-વ્યવસ્થા અને સિક્યૉરિટી ચેક-ઇન વધારે કડક બનાવી દેવામાં આવ્યાં છે. 

પ્રાગ જતાં ૪ પ્લેનને ધમકી
ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ તરફ જઈ રહેલાં ૪ પ્લેનને બૉમ્બ ધમકી મળી હતી. મિલાનથી બુખારેસ્ટ જતી વિઝ ઍરની ફ્લાઇટમાંથી આશરે ૨૦૦ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. રોમાનિયન અધિકારીઓએ બૉમ્બ-સ્ક્વૉડ સાથે પ્લેનનું નિરીક્ષણ કર્યું હતું.


બેલ્જિયમ અને બલ્ગેરિયા 
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના જુવેન્ટેમ ઍરપોર્ટ પર પૉલિશ LOT ઍરલાઇન્સના પ્લેને ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું, પણ એમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બલ્ગેરિયામાં ૩ પ્લેનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું, જેમાં બે સોફિયામાં અને એક પ્લોવડિવમાં હતું.

આટલી ધમકી મળવી એ અસામાન્ય ઘટના
પૅસેન્જર પ્લેનોમાં બૉમ્બ મૂકવાની આટલી બધી ધમકીઓ મળવી એ સામાન્ય નથી. આ અસામાન્ય બાબત હોવાનું સુરક્ષા-નિષ્ણાતો માને છે. વિવિધ ઍરલાઇન્સને ધમકી આપવામાં આવી છે જે સૂચવે છે કે આ ઘટનાઓ માત્ર સંયોગ નથી, પરંતુ એક જ પક્ષ દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે. ધમકી મળ્યા પછી ઍરલાઇનના ક્રૂ-સભ્યો અને ગ્રાઉન્ડ સ્ટાફ અનેક સ્તરે એની ગંભીરતાનું મૂલ્યાંકન કરે છે. એ પછી જ વિમાનને ડાઇવર્ટ કરવાનો અથવા ઇમર્જન્સી લૅન્ડિંગનો નિર્ણય લેવામાં આવે છે. કેટલીક ધમકી ઍરલાઇન્સને ઈ-મેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. જોકે તમામ ધમકીઓ મોકલવાની પદ્ધતિ અને સ્રોત હજી સ્પષ્ટ નથી.

આની પાછળ કોણ હોઈ શકે? 
યુરોપમાં હાઇબ્રિડ વૉરનો ખતરો વધ્યો
યુરોપિયન દેશોને ડર છે કે રશિયા અને ઈરાન જેવા દેશો સીધા યુદ્ધનો આશરો લીધા વિના સાઇબર-હુમલા, તોડફોડ અને જાસૂસી દ્વારા અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આને હાઇબ્રિડ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. હજી સુધી કોઈ દેશ કે સંગઠને આ ધમકીઓની જવાબદારી સ્વીકારી નથી. યુરોપમાં પ્લેનોને બૉમ્બથી ઉડાવવાની ધમકીઓ ઉપરાંત તાજેતરના દિવસોમાં સુપરમાર્કેટ અને બ્લડ-બૅન્ક સિસ્ટમ પર પણ સાઇબર-હુમલા થયા છે. હૅકર્સે ઘણા દેશોમાં સુપરમાર્કેટમાં રેફ્રિજરેટર અને ફ્રીઝર સિસ્ટમને નિશાન બનાવી હતી. એને લીધે વધતા તાપમાનને કારણે મોટા પ્રમાણમાં ખાધાખોરાકીનો સામાન બગડી ગયો હતો. ફ્રાન્સમાં બ્લડ-બૅન્ક સિસ્ટમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ બ્લડ-સ્ટૉકને કોઈ નુકસાન થયું નહોતું.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 03:39 PM IST | Europe | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK