ચીને સમુદ્રના પાણીની નીચેનો એનો પહેલો સોનાનો ભંડાર શોધી કાઢ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ચીને સમુદ્રના પાણીની નીચેનો એનો પહેલો સોનાનો ભંડાર શોધી કાઢ્યો છે. હાલમાં એને એશિયાનો સૌથી મોટો પાણીની અંદરનો સોનાનો ભંડાર માનવામાં આવે છે. ચીન ઘણાં વર્ષોથી કીમતી ધાતુઓ શોધવા માટે કામ કરી રહ્યું છે અને આવો સોનાનો ભંડાર શોધવો એ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. શેનડોંગ પ્રાંતના યાંતાઈમાં લાઇઝોઉના કિનારે આ વિશાળ સોનાનો ભંડાર મળી આવ્યો હતો. આ શોધ સાથે લાઇઝોઉનો કુલ સોનાનો ભંડાર ૩૯૦૦ ટનથી વધુ થઈ ગયો છે, જે દેશના કુલ ભંડારના આશરે ૨૬ ટકા છે.
આ શોધ સાથે ચીન સોનાના ભંડાર અને ઉત્પાદન બન્નેમાં ટોચ પર પહોંચી ગયું છે. યાંતાઈ પ્રાંતીય સરકારે આ અઠવાડિયે વર્તમાન પંચવર્ષીય યોજના અને એની ભાવિ યોજનાઓ દરમિયાન એની સિદ્ધિઓ પર એક પરિષદમાં આ જાહેરાત કરી હતી. જોકે અધિકારીઓએ હજી સુધી પાણીની અંદરના સોનાના ભંડારનું ચોક્કસ કદ જાહેર કર્યું નથી, પરંતુ છેલ્લા એક મહિનામાં ચીનની આ બીજી મોટી સોનાની શોધ છે.
ADVERTISEMENT
નવેમ્બરની શરૂઆતમાં લિયાઓનિંગ પ્રાંતમાં ૧૪૪૪ ટનથી વધુના સુપર-લાર્જ, લો-ગ્રેડ સોનાના ભંડારની જાહેરાત કરવામાં આવી હતી જેને ૧૯૪૯માં સામ્યવાદી ચીનની સ્થાપના પછીનો સૌથી મોટો સોનાનો ભંડાર ગણાવવામાં આવ્યો હતો.
સોનાનો નંબર વન ઉત્પાદક દેશ
ચીન વિશ્વનો સોનાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાઇના ગોલ્ડ અસોસિએશન અનુસાર ગયા વર્ષે દેશે ૩૭૭ ટનથી વધુ સોનાનું ઉત્પાદન કર્યું હતું. ઉત્પાદનમાં અગ્રણી હોવા છતાં ચીન હજી પણ સોનાના ભંડારના સંદર્ભમાં સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને રશિયાથી પાછળ છે. નવી શોધો આ અંતરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ચીનની આક્રમક વ્યૂહરચના પણ આ શોધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ચીનના વૈજ્ઞાનિકો હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, વિશ્વના સૌથી શક્તિશાળી ભૂમિ-ભેદક રડાર અને અત્યાધુનિક ખનિજ સંશોધન ઉપગ્રહોનો ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે ચીને આ પ્રયાસમાં ૧૧૬ અબજ યુઆનનું રોકાણ કર્યું હતું, જ્યારે ૨૦૨૧થી કુલ ખર્ચ આશરે ૪૫૦ અબજ યુઆન સુધી પહોંચી ગયો છે.


