છાવા અને ધુરંધરની સફળતા પાછળ એક ખાસ ફૉર્મ્યુલા હોવાની દલીલ કરતા લોકોને વિકી કૌશલનો સ્પષ્ટ જવાબ
વિકી કૌશલની ફાઇલ તસવીર
૨૦૨૫માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ‘છાવા’ અને ‘ધુરંધર’નો સમાવેશ થાય છે. તાજેતરમાં અભિનેતા વિકી કૌશલે આ બન્ને ફિલ્મોની સફળતા વિશે વાત કરી હતી. કેટલાક લોકો માને છે કે આ ફિલ્મોની સફળતા પાછળ દેશભક્તિની કોઈ ખાસ ફૉર્મ્યુલા જવાબદાર છે અને દેશભક્તિ હવે બૉક્સ-ઑફિસ પર મોટી કમાણીની ફૉર્મ્યુલા બની રહી છે. જોકે આ મામલે વિકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું લોકોની આ માન્યતાથી સંપૂર્ણપણે અસહમત છું.
વિકીએ ‘છાવા’ અને ‘ધુરંધર’ વિશે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, ‘મને લાગે છે કે દેશભક્તિ કોઈ ફૉર્મ્યુલા નથી બની શકતી અને એને ફૉર્મ્યુલા કહેવી આ ભાવનાનું અપમાન છે. દેશભક્તિ આપણી હકીકત છે જેને અમે અમારી ફિલ્મો, સાહિત્ય અને રમતો દ્વારા દર્શાવતા રહીશું. આ એ રીત છે જેના માધ્યમથી અમે કહી શકીએ છીએ કે અમને અમારા દેશની વિવિધતા, વારસા અને સત્ય પર ગર્વ છે.’


