સત્તાવાર રીતે ગયા ગુરુવારે શરૂ થયેલી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની કવાયતમાં તાઇવાનની ફરતે આવેલા છ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

તાઇવાન ટાપુની નજીક કવાયત કરતાં ચીનનાં ફાઇટર વિમાનો
ચીનની મિલિટરી કવાયત દર્શાવે છે કે તાઇવાનને કાબૂમાં રાખવા આક્રમણ કરવાની જરૂર નથી. એને બહારની દુનિયાથી વિખૂટું પાડીને પણ એનું ગળું દબાવી શકાય છે, એમ ચીની અને અમેરિકી વિશ્લેષકો કહેતા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે.
સત્તાવાર રીતે ગયા ગુરુવારે શરૂ થયેલી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની કવાયતમાં તાઇવાનની ફરતે આવેલા છ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કવાયત દરમ્યાન લશ્કર દ્વારા લાઇવ ફાયર ડ્રિલ્સ અને મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હોવાથી નાગરિક જહાજ અને ઍરક્રાફ્ટના સંબંધિત વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું સીએનએનના અહેવાલમાં જણાવાયું હતું.
પીએલએ નૅશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રોફેસર મેંગ શિયાંગક્વિંગે કહ્યું હતું કે ચીન કેવી રીતે તાઇવાનનાં બંદરોને વિશ્વથી કાપી શકે છે, એનાં સૌથી મહત્ત્વપૂર્ણ લશ્કરી સ્થાપનો પર હુમલો કરી શકે છે અને તાઇવાનની મદદ માટે આવતાં વિદેશી દળોની પહોંચને તોડી શકે છે એ બતાવવા માટે છ વિસ્તારો પસંદ કરવામાં આવ્યા હતા.