સ્વિટ્ઝરલૅન્ડનાં પ્રેસિડન્ટે ગુસ્સો અપાવ્યો તો ટૅરિફ ૩૦ ટકાથી વધારીને ૩૯ ટકા કરી દીધી ડોનલ્ડ ટ્રમ્પે, પછી ૧૫ ટકા સુધી લાવવા સંમત થયા
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં બોલતાં કહ્યું હતું કે તેમણે શરૂઆતમાં સ્વિટ્ઝરલૅન્ડ પર ૩૦ ટકા ટૅરિફ લાદવાની યોજના બનાવી હતી, પરંતુ તત્કાલીન પ્રેસિડન્ટ કરેન કેલર-સટરે તેમને ખોટી રીતે ગુસ્સો અપાવ્યો તેથી આ દર વધારીને ૩૯ ટકા કર્યો હતો. જોકે હવે આ ટૅરિફ ૧૫ ટકા સુધી નીચે લાવવામાં આવશે.
કરેન કેલર-સટરના ફોનનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘તે વારંવાર બોલી રહી હતી કે તમે સ્વિટ્ઝરલૅન્ડ જેવા નાના દેશ પર આટલી બધી ટૅરિફ લગાવી શકો નહીં. મને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો હતો એટલે ૩૦ ટકાને બદલે ૩૯ ટકા ટૅરિફ લાદવામાં આવી હતી.’
ADVERTISEMENT
દાવોસમાં બોલતાં ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે ‘રોલેક્સ સહિત સ્વિસ કંપનીઓના દબાણના પગલે સ્વિટ્ઝરલૅન્ડથી થતી આયાત પરના ૩૯ ટકા ટૅરિફદરને ઘટાડીને ૧૫ ટકા કરવા સંમત થયો છું, પરંતુ દર ફરીથી વધી શકે છે. મેં ટૅરિફમાં ઘટાડો કર્યો છે કારણ કે હું લોકોને નુકસાન પહોંચાડવા માગતો નથી અને અમે ટૅરિફને નીચલા સ્તર પર લાવ્યા છીએ એનો અર્થ એ નથી કે એ વધશે નહીં.’
ટ્રમ્પે લગભગ દરેક દેશ પર ઊંચી ટૅરિફ લાદવાના પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે સ્વિટ્ઝરલૅન્ડ સહિત ઘણા દેશોએ ઓછા અથવા શૂન્ય ટૅરિફદરોનો લાભ લીધો હતો.
કરેન કેલર-સટરનો એક વર્ષનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થયો હતો. તેઓ વારંવાર કહેતાં હતાં કે સ્વિટ્ઝરલૅન્ડ એક નાનો દેશ છે અને ટ્રમ્પે આટલી ઊંચી ટૅરિફ લાદવી જોઈએ નહીં.


