ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર એવા સ્તરનો બૉમ્બમારો કરવામાં આવશે જે તેમણે પહેલાં ક્યારેય જોયો ન હોય
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થાય તો તેમણે અમેરિકી અધિકારીઓને ઈરાન સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે ઈરાન પર એવા સ્તરે બૉમ્બમારો કરવામાં આવશે જે તેમણે પહેલાં ક્યારેય જોયો નથી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પર નિશાન સાધવા ૧૦૦૦ મિસાઇલો લૉક અને લોડેડ છે.
ન્યુ યૉર્ક પોસ્ટ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે હું લાંબા સમયથી ઈરાનના હિટ લિસ્ટમાં ટોચ પર રહ્યો છું. ટ્રમ્પની આ કમેન્ટ્સ એવા અહેવાલોના થોડા દિવસો બાદ આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયલે અમેરિકા સાથે ગુપ્ત માહિતી શૅર કરી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિની હત્યા માટે એક નવી યોજના બનાવી છે. જોકે ટ્રમ્પે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે ઇઝરાયલે તાજેતરમાં તેમને નવા ઈરાની હત્યાના કાવતરાની ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
ટ્રમ્પ તેમની હત્યા કરવામાં આવ્યા બાદ ખરેખર ઈરાનનો નાશ કરવાનો આદેશ આપી શકે છે?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવે કે તેમની હત્યા કરવામાં આવે તો ઈરાન પર અમેરિકા હુમલો કરશે. તેમણે દાવો કર્યો હતો કે ૧૦૦૦ મિસાઇલો લૉક અને લોડેડ છે. જોકે આ બાબત એક સવાલ ઊભો કરે છે કે શું કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ તેમના મૃત્યુ પછીની લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી શકે છે?
અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ ફક્ત પદ પર હોય ત્યારે જ
કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપે છે. જો કોઈ રાષ્ટ્રપતિ મૃત્યુ પામે છે, રાજીનામું આપે છે અથવા પદ છોડી દે છે તો રાષ્ટ્રપતિના ઉત્તરાધિકાર અધિનિયમ અને પચીસમા સુધારા હેઠળ તમામ કાર્યકારી સત્તાઓ તાત્કાલિક આગામી રાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે. આનો અર્થ એ છે કે કોઈ પણ રાષ્ટ્રપતિ મૃત્યુ પછી સશસ્ત્ર દળોને કાયદેસર રીતે કમાન્ડ કરી શકતો નથી.
