Donald Trump vs Harvard University: ટ્રમ્પ સરકારે હાર્વર્ડ પર યહૂદી-વિરોધને પ્રોત્સાહન આપવાનો અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સહયોગ કરવાનો આરોપ લગાવ્યો
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકા (United States Of America)ના રાષ્ટ્રપતિ અને તેમના વહીવટીતંત્ર જાણે હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University) પાછળ હાથ ધોઈને ફરી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સરકારે ફરી એકવાર હાર્વર્ડ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે હાર્વર્ડ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં. ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે, હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો તેમણે ૭૨ કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડવી જોઈએ.
યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે ૫૦૦થી ૮૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, ભારતમાંથી ૭૮૮ વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં નોંધાયેલા છે. હાર્વર્ડની સ્થાપના ૧૬૩૬માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આઠ યુએસ રાષ્ટ્રપતિઓ અને ૨૦૦થી વધુ જીવંત અબજોપતિઓ, તેમજ આશરે ૫.૪૩ ટ્રિલિયન યુએસ ડોલરની નેટવર્થ ધરાવતા ૧૮૮ અબજોપતિ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
૧૩ મેના રોજ, વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક, હાર્વર્ડને સરકારી ભંડોળમાં નવો કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે એક દિવસ પહેલા જ, આ ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીના પ્રમુખે કહ્યું હતું કે, ઘણા મુદ્દાઓ પર ટ્રમ્પ વહીવટીતંત્ર અને યુનિવર્સિટી "કૉમન ગ્રાઉન્ડ" શેર કરે છે, એટલે કે, બંને સમાન વિચારધારા ધરાવે છે.
હાર્વર્ડ યુનિવર્સિટી પાછળ ફક્ત ટ્રમ્પ સરકાર જ નથી. વ્હાઇટ હાઉસ (White House) પણ ઘણા મોરચે અમેરિકન યુનિવર્સિટી (American Univeraity)ઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, આ યુનિવર્સિટીઓ યહૂદી વિરોધી ચળવળનું કેન્દ્ર બની ગઈ છે અને હમાસને ટેકો આપી રહી છે. વહીવટીતંત્ર તેને રાજકીય ચળવળ કહીને યુનિવર્સિટીમાં કોણ પ્રવેશ લેશે, કોણ ભણાવશે વગેરેને નિયંત્રિત કરવા માંગે છે. એવું લાગે છે કે હાર્વર્ડે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના તેના મડાગાંઠને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સોમવારે શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહન (Linda McMahon)ને લખેલા પત્રમાં, હાર્વર્ડના પ્રમુખ એલન ગાર્બર (Alan Garber)એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમાન વિચારો ધરાવીએ છીએ.’

