Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Facebook અને Instagram અચાનક ડાઉન, ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના હજારો યુઝર્સને મુશ્કેલી

Facebook અને Instagram અચાનક ડાઉન, ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના હજારો યુઝર્સને મુશ્કેલી

Published : 19 July, 2026 03:47 PM | Modified : 19 July, 2026 04:02 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Metaના Facebook અને Instagram રવિવારે અચાનક ડાઉન થતાં ભારત સહિત અનેક દેશોમાં હજારો યુઝર્સને ઍપ યુઝ કરવામાં મુશ્કેલી પડી. Downdetector પર મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાઈ, જ્યારે Meta તરફથી સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Metaના (Facebook and Instagram Outage) લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રવિવારે અચાનક ડાઉન થઈ જતા દુનિયાભરના હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારત સહિત અમેરિકા અને અન્ય ઘણા દેશોમાં લોકો ઍપ ખોલી શકતા નહોતા, ફીડ રિફ્રેશ થતી નહોતી અને પોસ્ટ કે સ્ટોરી અપલોડ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector મુજબ શરૂઆતમાં ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે 1,200થી વધુ ફરિયાદો નોંધાઈ હતી, પરંતુ થોડા સમયમાં જ આ સંખ્યા સતત વધવા લાગી હતી. ઘણા યુઝર્સે જણાવ્યું કે ઍપ ખુલતી જ નહોતી અથવા ખુલ્યા પછી પણ કોઈ કન્ટેન્ટ લોડ થતું નહોતું. બીજી તરફ અમેરિકામાં પણ ઇન્સ્ટાગ્રામ માટે 4,200થી વધુ અને ફેસબુક માટે 3,200થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. ખાસ કરીને ફેસબુકના ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ કરનારા યુઝર્સને વધુ સમસ્યા થઈ હતી, જોકે કેટલાક લોકોને મોબાઇલ ઍપમાં પણ મુશ્કેલી પડી હતી.

યુઝર્સને દેખાયા એરર મેસેજ, X પર શૅર થયા મીમ્સ



ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંધ થતાં ઘણા Facebook યુઝર્સને સ્ક્રીન પર મેસેજ દેખાયો કે, "સાઇટમાં ટૅક્નિકલ સમસ્યા હોવાથી તમારું એકાઉન્ટ હાલમાં ઉપલબ્ધ નથી. થોડા સમય બાદ ફરી પ્રયાસ કરો." જ્યારે ઇન્સ્ટાગ્રામ પર "Sorry, something went wrong. We`re working on getting this fixed as soon as we can." એવો એરર મેસેજ જોવા મળ્યો હતો. Downdetectorના ડેટા મુજબ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફરિયાદો ઍપ ચલાવવામાં, ફીડ લોડ કરવામાં અને પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. Facebook પર પણ વેબ વર્ઝન અને મોબાઇલ ઍપ બન્નેમાં ટૅક્નિકલ સમસ્યાઓ જોવા મળી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંધ થતાં જ ઘણા યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter)નો સહારો લીધો હતો. ત્યાં લોકોએ મજેદાર મીમ્સ, પોસ્ટ્સ અને સ્ક્રીનશોટ શૅર કરીને પોતાની મુશ્કેલીઓ જણાવી હતી. કેટલાક યુઝર્સ માટે મોબાઇલ ઍપ કામ કરતી હતી, જ્યારે કેટલાક માટે બંને પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે બંધ હતા.


Meta તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં

Facebook and Instagram Outage ના સમાચાર લખાયા ત્યાં સુધી Meta તરફથી આ વૈશ્વિક આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું. કંપનીએ આ ટૅક્નિકલ સમસ્યા શા માટે સર્જાઈ, કેટલા યુઝર્સ પ્રભાવિત થયા અને સેવાઓ સંપૂર્ણ રીતે ક્યારે પુનઃસ્થાપિત થશે તે અંગે પણ કોઈ માહિતી આપી નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં Metaના પ્લેટફોર્મ પર આવી પ્રકારની ટેક્નિકલ ખામીઓના કિસ્સા વચ્ચે-વચ્ચે સામે આવ્યા છે, જેના કારણે લાખો યુઝર્સને કામકાજ અને રોજિંદા સંપર્કમાં મુશ્કેલી પડી છે. આ ઘટનાએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર લોકોની વધતી નિર્ભરતા અને આવી સેવાઓમાં ટૅક્નિકલ ખામી સર્જાય ત્યારે પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી છે. હવે યુઝર્સ Meta તરફથી સત્તાવાર સ્પષ્ટતા અને તમામ સેવાઓ સંપૂર્ણ રીતે સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 04:02 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK