Grand Canyon Flash Flood: અમેરિકાના એરિઝોનાના ગ્રાન્ડ કેન્યોન નેશનલ પાર્કમાં મુશળધાર વરસાદને કારણે બ્રાઇટ એન્જલ ક્રિક નદીમાં અચાનક પૂર આવ્યું; અને પ્રવાસીઓ ફસાઈ ગયા; ૬૨ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા; ૧૫ લોકો ગુમ થયા હોવાની શંકા
નેશનલ પાર્ક સર્વિસ દ્વારા ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલી હેન્ડઆઉટ તસવીરમાં ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગ્રાન્ડ કેનિયન નેશનલ પાર્કના નોર્થ રિમ પરથી પસાર થતી વાવાઝોડાની સિસ્ટમ જોઈ શકાય છે. આ વાવાઝોડાને કારણે પડેલા ભારે વરસાદથી બ્રાઇટ એન્જલ કેનિયન અને ફેન્ટમ રેંચ વિસ્તારમાં ભીષણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. (તસવીર સૌજન્યઃ એજન્સી)
અમેરિકા (America)ના એરિઝોના (Arizona) સ્થિત ગ્રાન્ડ કેન્યોન રાષ્ટ્રીય ઉદ્યાન (Grand Canyon National Park)માં આવેલા ભીષણ પૂર બાદ કેનિયનમાં ફસાયેલા ૬૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઓછામાં ઓછા ૧૫ લોકો ગુમ હોવાની આશંકા (Grand Canyon Flash Flood) છે. શનિવાર, ૨૯ ઓગસ્ટના રોજ બપોરે પડેલા મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા આ પૂરમાં મોટા પથ્થરો, ધરાશાયી થયેલા વૃક્ષો અને કાટમાળ બ્રાઇટ એન્જલ કેનિયન (Bright Angel Canyon)માંથી વહીને કોલોરાડો નદી (Colorado River)ના મુખ્ય પ્રવાહમાં પહોંચી ગયો હતો. જેના કારણે આસપાસનો વિસ્તાર ક્ષતિગ્રસ્ત થયો છે અને ડઝનબંધ પ્રવાસીઓ ફસાયા છે.
બ્રાઇટ એન્જલ કેનિયનમાં મુશળધાર વરસાદથી ભારે વિનાશ
ADVERTISEMENT
યુએસ નેશનલ પાર્ક સર્વિસ (US National Park Service) ના સત્તાવાર નિવેદન અનુસાર, આ પૂર બ્રાઇટ એન્જલ ક્રિક નદી (Bright Angel Creek)માં સર્જાયું હતું, જે સીધી કોલોરાડો નદીમાં મળે છે. પૂરના ઝડપી પ્રવાહને કારણે પથ્થરના પુલના થાંભલાઓ તૂટી ગયા હતા, ફૂટબ્રિજ ધોવાઈ ગયા હતા અને નદીનો પટ પહોળો થઈ ગયો હતો, જેનાથી કોલોરાડો નદીના માર્ગમાં અત્યંત જોખમી સ્થિતિ ઊભી થઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવ્યું હતું કે, કેનિયનની ટેકરીઓ પરથી પાણીના ધોધ વહેવા લાગ્યા હતા. સાંકડા રસ્તાઓ પરથી પસાર થઈ રહેલા હાઇકિંગ કરનારાઓએ ઊંચી ખડકો પરથી અચાનક ધોધ શરૂ થતાં જોયા હતા, જેની સાથે ભૂસ્ખલન અને માટીના ધસારો થવાને કારણે ચાલવાના મુખ્ય માર્ગો તુરંત બંધ થઈ ગયા હતા.
૬૨ લોકોને એરલિફ્ટ કરાયા, ગુમ થયેલા લોકોની શોધ ચાલુ
નેશનલ પાર્ક સર્વિસે એરિઝોના પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટના સહયોગથી ફસાયેલા પ્રવાસીઓ અને હાઇકર્સને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક કટોકટી કામગીરી શરૂ કરી હતી. રવિવારની સવાર સુધીમાં, સત્તાવાળાઓએ પુષ્ટિ કરી હતી કે ભારે અસરગ્રસ્ત ફેન્ટમ રાંચ (Phantom Ranch) અને બ્રાઇટ એન્જલ કેનિયન (Bright Angel Canyon) વિસ્તારોમાંથી ૬૨ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ભારે વિનાશ છતાં, પાર્કના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે બચાવાયેલા લોકોમાંથી અત્યાર સુધી કોઈ ગંભીર ઈજાના અહેવાલ નથી. જોકે, કટોકટી ટીમો ગુમ થયેલા આશરે ૧૫ લોકોનો પત્તો લગાવવા માટે જાહેર જનતા પાસેથી માહિતી એકત્રિત કરી રહી છે. શોધ અને બચાવ ટુકડીઓ ગુમ થયેલા પ્રવાસીઓનો શોધખોળ કરવા માટે હવાઈ અને નદી માર્ગે સતત પેટ્રોલિંગ કરી રહી છે.
મુખ્ય હાઇકિંગ ટ્રેક અને રિલિફ ઓપરેશન સ્થગિત
જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાર્ક સત્તાવાળાઓએ બ્રાઇટ એન્જલ કેમ્પગ્રાઉન્ડ, ફેન્ટમ રેંચની સુવિધાઓ અને નોર્થ કાઇબાબ ટ્રેઇલના ભાગો સહિતના અંદરના કેનિયન વિસ્તારોને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દીધા છે.
આ ઉપરાંત, કોલોરાડો નદીમાં વ્યવસાયિક અને ખાનગી બોટિંગ તથા રાફ્ટિંગ પ્રવૃત્તિઓ પણ સ્થગિત કરવામાં આવી છે જેથી ઇજનેરો અને પાર્ક રેન્જર્સ નુકસાનની તપાસ કરી શકે અને કાટમાળ હટાવી શકે.
નેશનલ વેધર સર્વિસે વિસ્તારમાં વધુ વરસાદ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી હોવાથી, પાર્કના અધિકારીઓએ મુલાકાતીઓને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપી છે. હવામાનમાં સુધારો થતાં જ બચાવ ટુકડીઓ શોધ અને સ્થળાંતરની કામગીરી વધુ ઝડપી બનાવશે.
