Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાતે કઈ રીતે વેનેઝુએલા પરનું ઑપરેશન લાઇવ ટીવી-શોની જેમ જોયું

ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાતે કઈ રીતે વેનેઝુએલા પરનું ઑપરેશન લાઇવ ટીવી-શોની જેમ જોયું

Published : 05 January, 2026 08:58 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીજળી કાપીને અંધારામાં ૧૫૦થી વધુ મિલિટરી ઍરક્રાફ્ટથી હુમલો કર્યો: એક્સપ્લોઝિવથી દરવાજો તોડીને ઊંઘતા માદુરોને પત્ની સાથે પકડી લીધા

ડોનલ્ડ ટ્રમ્પે નિકોલસ માદુરોને પકડવાના આખા મિશનને કન્ટ્રોલ રૂમમાંથી લાઇવ નિહાળ્યું હતું.

ડોનલ્ડ ટ્રમ્પે નિકોલસ માદુરોને પકડવાના આખા મિશનને કન્ટ્રોલ રૂમમાંથી લાઇવ નિહાળ્યું હતું.


ઑપરેશન શરૂ કરતાં પહેલાં માદુરોનાં કૂતરા અને બિલાડીઓની પણ જાસૂસી કરી અને CIAના એજન્ટોએ રિહર્સલ માટે મહેલનો ડમી સેટ બનાવ્યો 

અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને પકડવા માટે એક સંપૂર્ણ યોજના વિકસાવી હતી. માદુરોને પકડવાની જવાબદારી અમેરિકાના સૌથી ખતરનાક અને વિશિષ્ટ એકમ ડેલ્ટા ફોર્સને સોંપવામાં આવી હતી. કેન્ટુકીમાં જૉઇન્ટ સ્પેશ્યલ ઑપરેશન્સ કમાન્ડે માદુરોના કમ્પાઉન્ડ અને પ્રેસિડન્ટના મહેલનું સંપૂર્ણ મૉડલ બનાવ્યું હતું અને હુમલાનો અભ્યાસ કર્યો હતો. આ મિશનને ‘ઑપરેશન ઍબ્સલ્યુટ રિઝોલ્વ’ નામ આપવામાં આવ્યું હતું. કમાન્ડોએ દિવસ-રાત પ્રૅક્ટિસ કરી હતી અને સ્ટીલના દરવાજા તોડવાની તેમની ગતિમાં વધારો કર્યો હતો. તેઓ અંધારામાં નેવિગેટ કરવાનું શીખ્યા અને દરેક સંભવિત ખતરાનો સામનો કરવાની તૈયારી કરી હતી.



જાસૂસી


અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ની એક ગુપ્ત ટીમ છૂપી ઓળખ હેઠળ ઑગસ્ટ મહિનામાં વેનેઝુએલામાં પ્રવેશી હતી. આ ટીમમાં અનુભવી એજન્ટોનો સમાવેશ થતો હતો. તેમનું મિશન માદુરોની દરેક હિલચાલ પર નજર રાખવાનું અને તેમની સાથે સંબંધિત બધી વિગતો એકત્રિત કરવાનું હતું. તેઓ મહિનાઓ સુધી કારાકાસની શેરીઓમાં છુપાયેલા રહ્યા અને કોઈની નજરમાં ન આવ્યા. વેનેઝુએલામાં અમેરિકન એમ્બેસી ૨૦૧૯થી બંધ છે, જેને કારણે એજન્ટોને બહારની કોઈ પણ સહાય મળી શકતી નથી. આ ઑપરેશન એટલું ખતરનાક હતું કે જો પકડાઈ જાય તો મૃત્યુ નિશ્ચિત હતું.

તેઓ માદુરોની દિનચર્યા પર નજર રાખતા હતા. તે સવારે ક્યાં જાય છે, શું ખાય છે, કોને મળે છે અને તેમનાં પાળેલાં પ્રાણીઓ શ્વાન અને બિલાડીની આદતો પણ નોંધવામાં આવી હતી. માદુરોના વર્તુળમાં એક નજીકની અમેરિકાની આંતરિક વ્યક્તિએ ઑપરેશન માટે ઘણી ચોક્કસ ટિપ્સ આપી હતી.


ટ્રમ્પે ૨૫ ડિસેમ્બરે માદુરોને પકડવા માટે આદેશ આપ્યો હતો, પણ ચોક્કસ સમયનો નિર્ણય પૅન્ટાગોનના અધિકારીઓ અને ઑપરેશનનું નેતૃત્વ કરનારાઓ પર છોડી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ નાતાલની રજાઓ પસંદ કરી, કારણ કે વેનેઝુએલાના ઘણા અધિકારીઓ રજા પર હતા અને લશ્કરી કર્મચારીઓ ઘરે હતા. જોકે એ સમયે વેનેઝુએલાનું હવામાન ખરાબ હતું એટલે ઑપરેશનમાં વિલંબ થયો હતો.

૩ જાન્યુઆરીએ રાતે હવામાન સાફ થયું ત્યારે ઑપરેશન પાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ ઑપરેશન વિમાન, ઇલેક્ટ્રૉનિક યુદ્ધવિમાનો, સશસ્ત્ર રીપર ડ્રોન, શોધ અને બચાવ હેલિકૉપ્ટર અને ફાઇટર જેટ બધાં આ વિસ્તારમાં ભેગાં થયાં.

એ સમયે ટ્રમ્પ માર-એ-લાગોમાં તેમની ક્લબમાં રાત્રિભોજન કરી રહ્યા હતા, જ્યાં કૅબિનેટના સભ્યો અને સહાયકો હાજર હતા. રાત્રે ૧૦.૩૦ વાગ્યે ટ્રમ્પને અંતિમ આદેશ માટે ફોન આવ્યો. ટ્રમ્પે મંજૂરી આપી અને પછી સુરક્ષિત રૂમમાં ગયા જ્યાં લાઇવ મૉનિટરિંગ શરૂ થયું. લાઇવ ઑપરેશન જોયા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે મેં તો એવી રીતે જોયું જેમ હું કોઈ ટીવી-શો જોઈ રહ્યો હતો.

ઑપરેશનની શરૂઆત સાઇબર અટૅકથી થઈ હતી. હૅકર્સે કારાકાસ શહેરની મોટા ભાગની વીજળી કાપીને અંધારું ઘોર કરી દીધું‍. ૧૫૦થી વધુ મિલિટરી ઍરક્રાફ્ટ ૨૦ અલગ-અલગ બેઝ પરથી ઊડ્યાં અને અનેક ઠેકાણે એકસાથે હુમલો કર્યો. હેલિકૉપ્ટર સમુદ્રની સપાટીથી જસ્ટ ૧૦૦ ફુટ ઊંચે ઊડીને વેનેઝુએલા પહોંચ્યાં. પહેલાં વેનેઝુએલાના રડાર અને ઍર ડિફેન્સ સિસ્ટમ પર બૉમ્બ નાખ્યા. રાતે ઑપરેશન પાર પાડવા માટેના ખાસ નિષ્ણાત નાઇટ સ્ટૉકર્સની ટીમ એ મિલિટરી બેઝ પર ઊતરી જ્યાં માદુરો પત્ની સાથે સૂઈ રહ્યા હતા. રાતના લગભગ ૨.૦૧ વાગ્યે હેલિકૉપ્ટર કમ્પાઉન્ડ પર પહોંચ્યાં. સામસામા ગોળીબાર થયા. એક અમેરિકન હેલિકૉપ્ટર હિટ થયું, પણ બીજી ટીમો એક્સપ્લોઝિવથી દરવાજો ઉડાવીને ત્રીજી મિનિટે બિલ્ડિંગની અંદર ઘૂસી ગઈ. નિકોલસ માદુરો અને સિલિયા ઊંઘમાંથી ઊઠીને સ્ટીલના બનેલા રિનફૉર્સ્ડ સેફરૂમમાં ભાગવા લાગ્યાં અને અંદર પહોંચી પણ ગયાં, પરંતુ એનો દરવાજો બંધ કરે એ પહેલાં અમેરિકન કમાન્ડોએ તેમને રોકી લીધાં. બિલ્ડિંગમાં ઘૂસ્યાની પાંચ મિનિટમાં માદુરોને પકડી લેવામાં આવ્યા હતા.

અમેરિકા પર ભડકેલા ચીને કહ્યું, માદુરોને તાત્કાલિક મુક્ત કરો

અમેરિકા દ્વારા આ પ્રકારનું વર્ચસવાદી વર્તન આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે

અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીને બળજબરીથી પકડી લીધા એની સખત નિંદા કરતાં ચીનના વિદેશ મંત્રાલયે ગઈ કાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમેરિકાનું આ પગલું સ્પષ્ટપણે આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોનાં મૂળભૂત ધોરણો, યુનાઇટેડ નેશન્સ ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ચીન અમેરિકાને પ્રેસિડન્ટ માદુરો અને તેમનાં પત્નીની વ્યક્તિગત સુરક્ષા સુનિશ્ચિત કરવા, તેમને તાત્કાલિક મુક્ત કરવા, વેનેઝુએલાના શાસનને ઉથલાવવાનું બંધ કરવા અને વાતચીત અને વાટાઘાટો દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવા હાકલ કરે છે.’

આ પહેલાં શનિવારે જાહેર કરાયેલા કડક શબ્દોના એક નિવેદનમાં અમેરિકાના હુમલાઓની નિંદા કરવામાં આવી હતી. અમેરિકાના હુમલાના થોડા કલાકો પછી ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘ચીન એક સાર્વભૌમ રાજ્ય વિરુદ્ધ અમેરિકા દ્વારા બળના બેશરમ ઉપયોગ અને એના પ્રેસિડન્ટ પરની કાર્યવાહીથી ખૂબ જ આઘાત પામ્યું છે અને એની સખત નિંદા કરે છે. અમેરિકા દ્વારા આ પ્રકારનું વર્ચસવાદી વર્તન આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે, વેનેઝુએલાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને લૅટિન અમેરિકન અને કૅરિબિયન ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે.’

માદુરોની ધરપકડ થઈ ઊંડી ચિંતાનો વિષય : ભારત સરકાર

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘વેનેઝુએલામાં તાજેતરની ઘટનાઓ ખૂબ જ ચિંતાનો વિષય છે. અમે બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારત વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સલામતી માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરે છે. અમે તમામ સંબંધિતોને સંવાદ દ્વારા શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવા તથા પ્રદેશની શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ. કારાકાસમાં ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે અને શક્ય એટલી બધી સહાય પૂરી પાડતું રહેશે.’

વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ

નોબેલ શાંતિ પુરસ્કારની આશા રાખતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરવાનો આદેશ આપ્યા બાદ વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ઘટનાના વિરોધમાં વાઇટ હાઉસની બહાર પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. ડોનલ્ડ ટ્રમ્પ અને અમેરિકા આજે ​​વિશ્વમાં સૌથી મોટો ખતરો છે એવા નારા વિરોધકો લગાવી રહ્યા હતા. ભૂતપૂર્વ અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસે પણ આ હુમલાની નિંદા કરી છે.

બીજી તરફ જર્મનીના બર્લિન શહેરમાં પણ અમેરિકન એમ્બેસી સામે વિરોધ-પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં અને અમેરિકન ધ્વજ બાળવામાં આવ્યો હતો.

ડેલ્સી રૉડ્રિગ્સ બન્યાં વચગાળાનાં રાષ્ટ્રપતિ

વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે શનિવારે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્સને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળવાનો આદેશ આપ્યો હતો. હવે વેનેઝુએલાને પણ પોતે જ ચલાવશે એવો ફતવો બહાર પાડનારા અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પણ નિકોલસ માદુરોને બંદી બનાવ્યા પછી મીડિયાને કહ્યું હતું કે હવે વેનેઝુએલાના રાષ્ટ્રપતિપદનો ચાર્જ ડેલ્સી સંભાળશે. એ પછી ડેલ્સીએ શનિવારે બપોરે જ આ પદ સંભાળી લીધું હતું. ડેલ્સી ૫૬ વર્ષનાં છે અને માદુરો તેમને પોતાની સરકારમાં ‘શેરની’ ગણાવતાં હતાં.

અમેરિકાના હુમલામાં ૪૦ નાગરિકોનાં મૃત્યુ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવાના અમેરિકાના ખુફિયા મિશનમાં કુલ સ્થળોએ ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. મિલિટરી હુમલામાં રહેવાસી સૈન્ય સંસ્થાનોની સાથે નાગરિકોનાં બિલ્ડિંગોને પણ નુકસાન થયું હતું. આખી રાત ચાલેલા ઑપરેશનમાં અત્યાર સુધીમાં ૪૦ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું હતું. અધિકારીઓનું કહેવું છે કે આંકડો હજી વધી શકે છે.

ન્યુ યૉર્કની જેલ, કાલે ફેડરલ કોર્ટમાં હાજરી

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હાથકડી પહેરાવીને સૌથી ખરાબ વ્યવહાર માટે પંકાયેલી ન્યુ યૉર્કની જેલમાં રાખવામાં આવ્યા છે. તેમને જ્યારે જેલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમણે સામે મળેલા લોકોને ગુડ નાઇટ ઍન્ડ હૅપી ન્યુ યર કહ્યું હતું. આજે તેમને અમેરિકાની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ડ્રગ્સની તસ્કરી અને ગેરકાનૂની હથિયારોના સોદાને લગતા આરોપો પર કેસ ચલાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2026 08:58 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK