ડૉ. અમિષ શાહે પ્રચાર વખતે સ્વાસ્થ્ય-સેવાઓને સારી બનાવવા અને દવાની કિંમતો સસ્તી કરવા પર ભાર મૂક્યો હતો
ભારતીય મૂળના અમેરિકન ઇમર્જન્સી ફિઝિશ્યન અને ડેમોક્રૅટિક પાર્ટીના નેતા ડૉ. અમિષ શાહ
ભારતીય મૂળના અમેરિકન ઇમર્જન્સી ફિઝિશ્યન અને ડેમોક્રૅટિક પાર્ટીના નેતા ડૉ. અમિષ શાહે ઍરિઝોનાના પ્રથમ કૉન્ગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાં અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ૪૮ વર્ષના ડૉ. અમિષ શાહ ઍરિઝોનાનું પ્રતિનિધિત્વ કરનારા પ્રથમ ભારતીય-અમેરિકન અને અમેરિકન કૉન્ગ્રેસમાં પહોંચનારા છઠ્ઠા ભારતીય-અમેરિકન બન્યા છે. તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ડોનલ્ડ ટ્રમ્પ સમર્થિત ઉમેદવાર તથા નૅશનલ ફુટબૉલ લીગના ભૂતપૂર્વ પ્લેયર થૉમસ જે. ફીલીને હરાવ્યા હતા. ડૉ. અમિષ શાહને ૧,૪૪,૭૦૬ મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફને ૧,૧૫,૨૧૮ મત મળ્યા હતા.
ડૉ. અમિષ શાહ ૨૦૧૯થી ઍરિઝોના સ્ટેટ હાઉસ (રાજ્યની વિધાનસભા)માં ૩ ટર્મ સેવા આપી ચૂક્યા છે અને તેઓ સેન્ટ્રલ ફીનિક્સ, સનીસ્લોપ તથા સાઉથ સ્કૉટસ્ડેલનું પ્રતિનિધિત્વ કરે છે.
શિકાગોમાં ગુજરાતી પરિવારમાં જન્મેલા ડૉ. અમિષ શાહનાં માતા-પિતા ૧૯૬૦ના દાયકામાં ભારતથી અમેરિકા જઈને વસ્યાં હતાં. તેમણે નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી મેડિકલનું શિક્ષણ મેળવ્યું હતું.
ADVERTISEMENT
ડૉ. અમિષ શાહે પ્રચાર વખતે સ્વાસ્થ્ય-સેવાઓને સારી બનાવવા અને દવાની કિંમતો સસ્તી કરવા પર ભાર મૂક્યો હતો. પોતાના તબીબી વ્યવસાય ઉપરાંત ડૉ. અમિષ શાહે સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા અને અટકાવી શકાય એવા રોગોને નાબૂદ કરવાના પરોપકારી ઉદ્દેશ સાથે ઍરિઝોના વેજિટેરિયન ફૂડ ફેસ્ટિવલની સ્થાપના કરી હતી.
