સિંગાપોર વાઇલ્ડલાઇફ ઍક્ટ અંતર્ગત બુધવારે ભારતીય મૂળની ૭૧ વર્ષની એક મહિલાને ૩૨૦૦ સિંગાપોર ડૉલર એટલે કે ૨,૨૭,૫૫૯ રૂપિયાનો દંડ થયો હતો
પ્રતીકાત્મક તસવીર
સિંગાપોર વાઇલ્ડલાઇફ ઍક્ટ અંતર્ગત બુધવારે ભારતીય મૂળની ૭૧ વર્ષની એક મહિલાને ૩૨૦૦ સિંગાપોર ડૉલર એટલે કે ૨,૨૭,૫૫૯ રૂપિયાનો દંડ થયો હતો. એનું કારણ એ હતું કે તેણે શહેરના સૌથી જૂના હાઉસિંગ એસ્ટેટમાં ૬ મહિનાના ગાળામાં ૯ વાર કબૂતરોને ચણ નાખ્યું હતું. શામલા નામની ભારતીય મૂળની મહિલાએ ગયા વર્ષે મે મહિનામાં પોતાના અપાર્ટમેન્ટ પાસે ગેરકાનૂની રીતે પંખીઓને ચણ નાખીને નૅશનલ પાર્ક્સ બોર્ડના કબૂતર પકડવાના કામમાં અવરોધ ઊભો કર્યો હોવાથી તેને દંડ થયો હતો. કબૂતરોને ચણ નાખવાનું ગેરકાનૂની છે એવું જાણવા છતાં તેણે જુલાઈ મહિનામાં ફરીથી ચણ ખવડાવ્યું હતું અને ૨૦૨૬ના જાન્યુઆરી મહિનામાં ફરીથી એ જ ભૂલ કરી હતી.
કોર્ટમાં રજૂ થયેલી શામલાને વારંવાર કાયદાની અવહેલના કરતી મહિલા ગણીને તેને કડક દંડની જોગવાઈ કરવાની દરખાસ્ત થઈ હતી. મહિલાની ઉંમર ૭૧ વર્ષની હોવાથી કોર્ટે કહ્યું હતું કે મોટી આર્થિક પેનલ્ટી જ આ મહિલાની આદત સુધારી શકશે. શામલા પર દરેક આરોપ માટે કુલ ૧૦,૦૦૦ સિંગાપોર ડૉલરનો દંડ થઈ શકે એમ હતો, પરંતુ તેની કોઈ આવક નથી એવું રોદણું રડતાં કોર્ટે ૩૨૦૦ સિંગાપોર ડૉલરનો દંડ કર્યો હતો.


