ખાસ કરીને નાશિક અને ભિવંડી તરફથી મુંબઈ તરફ મોટરિસ્ટોએ કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડી હતી
થાણેમાં ટ્રક પલટી થઈ જવાથી કલાકો સુધી ટ્રાફિક જૅમમાં અટવાયેલા મોટરિસ્ટોએ હાડમારી ભોગવવી પડી હતી. ખારીગાવ ટોલનાકા પાસે થયેલા અકસ્માતમાં ૨૦ વર્ષના યુવાનની બાઇક સ્કિડ થઈને કન્ટેનરની નીચે આવી જતાં તેનું મોત થયું હતું
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કેમિકલનું ટૅન્કર પલટી ખાઈ જતાં ૩૩ કલાકના અભૂતપૂર્વ ટ્રાફિક જૅમની ઘટના તાજી જ છે ત્યાં થાણેમાં ગઈ કાલે સવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા રુસ્તમજી અથીના/અઝિયાનો કૉમ્પ્લેક્સની સામે એક ભારે ટ્રક પલટી ખાઈ જતાં ટ્રાફિક જૅમ સર્જાયો હતો. છેક માજીવાડાથી પણ આગળ સુધી વાહનોની લાઇન લાગી ગઈ હતી અને જે અંતર માત્ર ૧૫ મિનિટમાં કાપી શકાય એ કાપતાં મોટરિસ્ટોને બે કલાકનો સમય લાગી રહ્યો હતો.
ખાસ કરીને નાશિક અને ભિવંડી તરફથી મુંબઈ તરફ મોટરિસ્ટોએ કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડી હતી.
ADVERTISEMENT
ટ્રાફિક-પોલીસ અને ફાયર-બ્રિગેડે ક્રેન બોલાવીને હેવી ટ્રકને બાજુમાં કરવાના પ્રયાસ કર્યા હતા, પણ એમાં કલાકો નીકળી જતાં સવારે થયેલા ઍક્સિડન્ટની અસર બપોર સુધી જોવા મળી હતી અને વાહનો બમ્પર-ટૂ-બમ્પર ટ્રાફિકમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યાં હતાં.
થાણેમાં ટ્રક નીચે આવી જવાથી બાઇકરનું મોત
અકસ્માતની અન્ય એક ઘટના થાણેના મુંબઈ-નાશિક રોડ પર ખારીગાવ બ્રિજ પાસેના ટોલનાકા નજીક ગઈ કાલે સવારે ૫.૫૮ વાગ્યે બની હતી. દહિસરમાં રહેતો ૨૦ વર્ષનો આકાશ ચંદ્ર પૂજારી તેની બાઇક પર ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કરવા મિત્રો સાથે જઈ રહ્યો હતો. જોકે અકસ્માત થયો ત્યારે તે બાઇક પર એકલો જ હતો. તેની બાઇક સ્કિડ થઈ હતી અને તે બાજુમાંથી પસાર થઈ રહેલી કન્ટેનર ટ્રક નીચે આવી ગયો હતો. તેને તરત જ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.


