યુદ્ધના માહોલ વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન કૅન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, તાજેતરમાં પોતાની હેલ્થને લઈને ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું…
ગઈ કાલે તેમણે પોતાનો વાર્ષિક મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો હતો
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે તેઓ છેલ્લા દોઢ વર્ષથી પ્રોસ્ટેટ કૅન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં તેમની પ્રોસ્ટેટ ગ્રંથિની સર્જરી થઈ હતી. તેમના પ્રોસ્ટેટમાં એક સેન્ટિમીટરથી પણ નાનું શંકાસ્પદ ટ્યુમર જોવા મળ્યું હતું. ગઈ કાલે તેમણે પોતાનો વાર્ષિક મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ રિપોર્ટ જાહેર કરવામાં બે મહિના મોડું કરવામાં આવ્યું હતું જેથી યુદ્ધ પર અસર ન થાય અને ઈરાની સરકારને ઇઝરાયલ વિરુદ્ધ વધુ જૂઠાણાં ફેલાવવાનો મોકો ન મળે.
નેતન્યાહુએ સોશ્યલ મીડિયામાં જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘ભગવાનની કૃપા છે કે હું સ્વસ્થ છું. મને પ્રોસ્ટેટની નાનકડી મેડિકલ સમસ્યા હતી, પણ હવે મારું સ્વાસ્થ્ય બહુ જ સારું છે. છેલ્લા દોઢ વર્ષથી હું મેડિકલ નિગરાનીમાં છું. મને એક નાનકડી ગાંઠ જેવું લક્ષણ દેખાયું હતું. એ કૅન્સરની શરૂઆતનો તબક્કો હતો. એના માટે ઇલાજની જરૂર નહોતી, માત્ર ઑબ્ઝર્વેશનમાં રહેવાનું જરૂરી હતું. જોકે તમે મને જાણો છો. મને કોઈ ખતરાની ઘંટી મળે તો હું તરત એનો સામનો કરવા માગું છું. એ રાષ્ટ્રીય સ્તરે હોય કે અંગત જીવનમાં. મેં એક ખાસ ઇલાજ કરાવ્યો અને સમસ્યા પૂરી રીતે ખતમ થઈ ગઈ. હવે કૅન્સરનું કોઈ નિશાન રહ્યું નથી.’
