Justin Trudeau Resign: ભારત વિરોધી એજન્ડા ચલાવનારા કેનેડાના પીએમની વધી મુશ્કેલીઓ; લિબરલ પાર્ટીમાં આંતરિક કલહ અને વધતા દબાણ વચ્ચે ટૂંક સમયમાં રાજીનામું આપે તેવી શક્યતા
જસ્ટિન ટ્રુડોની ફાઇલ તસવીર
કેનેડા (Canada)ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પોતાનું પદ છોડવાના છે. અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડો સોમવારે ૬ જાન્યુઆરી ના રોજ રાજીનામું (Justin Trudeau Resign) આપી શકે છે. લિબરલ પાર્ટી (Liberal Party)માં વધી રહેલા મતભેદ અને સભ્યો દ્વારા તેમના પર દબાણ લાવવામાં આવતા ટ્રુડોએ આ મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને ભારત (India) સાથે પંગો લેવાનું મોંઘું પડ્યું છે. એવા સમાચાર છે ક, ટ્રુડો આજે જ રાજીનામું આપી શકે છે. એક અહેવાલ મુજબ ટ્રુડોએ બુધવારે કેનેડાના મંત્રીઓની બેઠક પહેલા આ જાહેરાત કરવાની છે, તેથી તેઓ આજે જ રાજીનામું આપી શકે છે.
ધ ગ્લોબ એન્ડ મેલ મુજબ, લિબરલ પાર્ટીમાં અસંતોષ અને ઝઘડો વધી રહ્યો છે. આ મામલે લિબરલ પાર્ટીની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા ત્રણ અગ્રણી સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. આ પછી, બુધવારે ૮ જાન્યુઆરીના રોજ નેશનલ લિબરલ પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ટ્રુડોના રાજીનામાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
લિબરલ પાર્ટીના સભ્યોનું માનવું છે કે, હવે જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી માટે આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. પાર્ટીની અંદર તેમની સામે નારાજગી વધી રહી છે અને આ નારાજગીનું પરિણામ એ છે કે સાંસદોએ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેમને હટાવવા માટે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રુડોને ઘણા મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેના કારણે તેમના પર રાજીનામું આપવાનું દબાણ થઈ રહ્યું છે.
જો કે, લિબરલ પાર્ટીને નવો નેતા ન મળે ત્યાં સુધી ટ્રુડો વચગાળાના વડાપ્રધાન રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પાર્ટીની સતત કથળતી જતી સ્થિતિને જોતા શક્ય છે કે તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે. લિબરલ પાર્ટીના ઘણા નેતાઓ અને સાંસદોનું માનવું છે કે, જો ટ્રુડો રાજીનામું નહીં આપે તો આગામી ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. જો જસ્ટિન ટ્રુડો રાજીનામું આપે છે, તો લિબરલ પાર્ટીએ નવા નેતાની શોધ કરવી પડશે જે પક્ષને ફરીથી ગોઠવી શકે અને જનતાનો વિશ્વાસ જીતી શકે.
ટ્રુડો સરકારના ભારત સરકાર (Indian Government) સાથેના સંબંધો પણ તાજેતરમાં બગડ્યા હતા. ખાલિસ્તાની (Khalistani) સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ટ્રુડો સરકારે આમાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. કેનેડાના રાજદ્વારીને પણ ભારતે પરત મોકલી દીધો હતો, ત્યારબાદ કેનેડાએ પણ આવું જ કર્યું હતું.
નોંધનીય છે કે, જસ્ટિન ટ્રુડો ૨૦૧૫માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં સત્તા પર આવ્યા હતા. આ પછી, તેમણે ૨૦૧૯ અને ૨૦૨૧માં પણ લિબરલ પાર્ટીને જીત અપાવી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં, ઓપિનિયન પોલ્સ અનુસાર, ટ્રુડો તેમના મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party)ના નેતા પિયર પોઈલીવર (Pierre Poilievre) કરતાં ૨૦ પોઈન્ટ પાછળ છે. આ ઘટાડો તેમની રાજકીય પકડમાં મોટી નબળાઈ દર્શાવે છે.