જ્યારે મેં એ તલવાર હસ્તગત કરી ત્યારે લંડનના અનેક મરાઠીઓ હાજર રહ્યા હતા અને ઉત્સાહ સાથે એ પળને તેમણે વધાવી લીધી હતી.
લંડનમાં હરાજીમાં ખરીદાયેલી રાઘોજી ભોસલેની તલવાર સાથે આશિષ શેલાર.
શૂરવીર મરાઠા સરદાર રાઘોજી ભોસલેની તલવાર મહારાષ્ટ્ર સરકારે લંડનમાં આયોજિત એક હરાજીમાં ૪૭.૧૫ લાખ રૂપિયામાં ખરીદી લીધી છે અને હવે તેઓ એ તલવાર ૧૮ ઑગસ્ટે મુંબઈ લાવશે. સરકાર વતી નિમાયેલા અધિકારી અને રાજ્યના આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટર હેમંત દળવી સાથે રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારે એ ઑક્શનમાં હાજરી આપી હતી.
એવું કહેવાઈ રહ્યું છે કે ૧૮૧૭માં જ્યારે સીતાબર્ડીનું યુદ્ધ થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નાગપુરના ભોસલે પાસેથી એ તલવાર ઝૂંટવી લીધી હતી અને એને બ્રિટન મોકલી આપવામાં આવી હતી. આશિષ શેલારે કહ્યું હતું કે ‘આવું પહેલી વાર બન્યું છે કે વિદેશમાંથી આપણી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વસ્તુ પાછી લાવવામાં આવી રહી છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે જે તલવારે અનેક લોકોને પરાસ્ત કર્યા હતા એનો તાબો લઈ એને મહારાષ્ટ્રમાં પાછી લાવી રહ્યો છું. આ આખા મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક જીત છે. જ્યારે મેં એ તલવાર હસ્તગત કરી ત્યારે લંડનના અનેક મરાઠીઓ હાજર રહ્યા હતા અને ઉત્સાહ સાથે એ પળને તેમણે વધાવી લીધી હતી.’
ADVERTISEMENT
કેવી છે તલવાર?
રાઘોજીની આ તલવાર ફિરંગ સ્ટાઇલની કહેવાય છે જે યુરોપિયન બ્લેડથી બની છે. એક જ સાઇડે ધાર ધરાવતી આ તલવારની મૂઠને સોનાથી સજાવાઈ છે અને એના પર ‘શ્રીમંત રાઘોજી ભોસલે સેનાસાહિબ શુભા ફિરંગ’ દેવનાગરીમાં લખ્યું છે.
તલવારનું ભવ્ય સ્વાગત થશે
આશિષ શેલાર આ તલવાર લઈને ૧૮ ઑગસ્ટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવશે. એ પછી તલવાર દાદરની પુ. લ. દેશપાંડે કલા ઍકૅડેમીમાં લઈ જવાશે. એ વખતે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાઇક-રૅલી કાઢવામાં આવશે. એ પછી ‘ગઢ ગર્જના’નો કાર્યક્રમ યોજાશે.

