મલેશિયાના સબાહ પ્રાંતની ઘટના, પાણી પર લાકડાના થાંભલા પર બનેલાં ઘરોમાં લાગી આગ
આ વિસ્તારમાં કુલ ૧૨૦૦ ઘર હતાં. એમાંથી ૧૦૦૦ ઘરો આગમાં હોમાઈ ગયાં હતાં
રવિવારે વહેલી સવારે મલેશિયાના સબાહ પ્રાંતના ‘કામ્પોન્ગ બહાગિયા’ નામના ગામમાં એક ભયાનક આગે આખા વિસ્તારને આગની જ્વાળામાં ઘેરી લીધો હતો. સમુદ્રતટ પાસેના આ વિસ્તારમાં લાકડાના થાંભલા પર ઘરો બન્યાં હતાં. સાંકડી ગલીઓ અને લાકડાના માળખાને કારણે આગ જોતજોતામાં આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક સમય મુજબ રાતે ૧.૩૦ વાગ્યે આગ લાગી હતી જેમાં ૧૦૦૦ જેટલાં ઘરો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર-ફાઇટરોએ ખૂબ મથામણ કરી, પરંતુ પવન એટલો હતો કે પાણીના મારા છતાં આગ ફેલાતી જ ચાલી. છેક ૩ કલાક પછી વહેલી સવારે આગ કાબૂમાં આવી ત્યારે આખો વિસ્તાર રાખમાં તબદીલ થઈ ચૂક્યો હતો. ગનીમત એ રહી કે આ ભયાવહ આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સેંકડો લોકો બીજાની મદદ કરતી વખતે અને સામાન બચાવવાના પ્રયાસમાં દાઝ્યા હતા. હજી સુધી આગ લાગવાનું કારણ શોધી શકાયું નથી.
આ વિસ્તારમાં કુલ ૧૨૦૦ ઘર હતાં. એમાંથી ૧૦૦૦ ઘરો આગમાં હોમાઈ ગયાં હતાં. બેઘર થયેલા લગભગ ૯૦૦૦ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
તામિલનાડુની ફટાકડાની ફૅક્ટરીમાં વિસ્ફોટ, ૨૩ લોકોનાં મોત
તામિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની એક ફૅક્ટરીમાં રવિવારે બ્લાસ્ટ થયો હતો. ફાયર ઍન્ડ રેસ્ક્યુ વિભાગે સાંજ સુધીમાં ૨૩ શબ આગમાંથી કાઢ્યાં હતાં. અન્ય ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હજી કેટલાક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ધમાકો એટલો જોરદાર હતો કે ફૅક્ટરીની આસપાસનાં બિલ્ડિંગોમાં પણ તિરાડો પડી ગઈ હતી. હજી સુધી વિસ્ફોટ થવાનું કારણ સાફ નથી થયું.
