આ એક આખું રૅકેટ છે જેમાં ઘણાબધા લોકોની સંડોવણી છે, એ લોકો બનાવટી આધાર કાર્ડ બનાવીને છોકરીઓને બીજા રાજ્યમાં દેહવ્યવસાય માટે વેચતા હોવાનો આરોપ થઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
હાલમાં રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. હવે એક વધુ ચોંકાવનારી ઘટના બહાર આવી છે. યવતમાળ જિલ્લાના રાળેગાવ શહેરમાંથી ૩૪ સગીર છોકરીઓ ગુમ થઈ ગઈ છે. સગીર છોકરીઓના ગુમ થવાની આ ખૂબ જ ગંભીર અને આઘાતજનક ઘટના છે. રાળેગાવમાંની છોકરીઓને બીજાં રાજ્યોમાં દેહવ્યવસાય માટે વેચવામાં આવી રહી હોવાની શંકા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
BJP તરફથી આક્રમક ચેતવણી
આ મામલાની ગંભીરતાને ઓળખીને વિધાનસભ્ય અશોક ઉઇકે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના જિલ્લા પ્રમુખ પ્રફુલસિંહ ચૌહાણ તાત્કાલિક પોલીસ વહીવટી તંત્રને મળ્યા હતા. તેમણે આ સંદર્ભે સબ-ડિવિઝનલ ઑફિસર બંસલ અને સ્થાનિક પોલીસ-ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી હતી અને પ્રશાસનને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે એમ જણાવ્યું હતું અને પોલીસને આ બાબતને લગતી એક મહત્ત્વપૂર્ણ ઑડિયો ક્લિપ સોંપી હતી.
ADVERTISEMENT
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ
આ મામલાની ગંભીરતા જોતાં અશોક ઉઈકેએ રાળેગાવ પોલીસ-સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને મામલાની સમીક્ષા કરી હતી. અશોક ઉઈકેએ કહ્યું હતું કે ‘આ તપાસમાં કોઈ પણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. આરોપીઓને વહેલી તકે શોધી કાઢવાની અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનાનાર છોકરીઓને શોધવા માટે તપાસ એજન્સીઓ વધુ ઝડપથી કામ કરે એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો.’
શું છે ચોક્કસ મામલો?
BJPના જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એક યુવક અને યુવતી વચ્ચેની વાતચીતની ઑડિયો-ક્લિપ સામે આવી છે. આ ક્લિપમાં યુવતી તેના મિત્રને છોકરીઓની તસ્કરી વિશે ચોંકાવનારી માહિતી આપતી જોવા મળે છે. આમાં યુવતી તેના મિત્રને કહેતી જોવા મળે છે કે છોકરીઓને પુણે લઈ જવામાં આવી રહી છે અને એની પાછળ એક મોટું રૅકેટ કાર્યરત છે. આ વાતચીત મુજબ કેટલાક ચોક્કસ લોકો છોકરીઓને લલચાવીને બહાર લઈ જવાનું કામ કરી રહ્યા છે. આમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. યુવતીએ ચોંકાવનારી માહિતી આપી છે કે આ તસ્કરી માટે છોકરીઓનાં નકલી આધાર કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ એક મોટું રૅકેટ છે. ફક્ત ૩ કે ૪ લોકો નહીં, ઘણા લોકો આમાં સામેલ છે. યુવતીએ એમ પણ કહ્યું છે કે ભલે તેને આ કામમાં ઘણા પૈસા મળે છે, પણ આ કામ બદદુઆ આપે છે.
