મેટાએ ૨૦૧૨માં ઇન્સ્ટાગ્રામને ૧ બિલ્યન ડૉલરમાં ખરીદ્યું હતું, જ્યારે કંપનીએ ૨૦૧૪માં વૉટ્સઍપને ૧૯ બિલ્યન ડૉલરમાં ખરીદ્યું હતું
માર્ક ઝકરબર્ગ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપની પેરન્ટ કંપની મેટા સામે ચાલી રહેલા કેસમાં સોમવારે સુનાવણી થઈ હતી. આ મેટા માટે ઍન્ટિ-ટ્રસ્ટ ટ્રાયલ છે જે સોમવારથી શરૂ થઈ હતી. આ ટ્રાયલ વૉશિંગ્ટનમાં US ફેડરલ ટ્રેડ કમિશન (FTC) સાથે થઈ છે જેણે મેટા પર એની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. ફેડરલ ટ્રેડ કમિશનનો આરોપ છે કે મેટાએ વર્ષો પહેલાં ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ ખરીદીને એના હરીફોને ખતમ કરી દીધા હતા, મેટાએ એના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવાને બદલે એને ખરીદી લીધાં હતાં, ફેસબુકનું વર્ચસ જાળવી રાખવા માટે તેમણે આ પગલું ભર્યું છે.
મેટાએ ૨૦૧૨માં ઇન્સ્ટાગ્રામને ૧ બિલ્યન ડૉલરમાં ખરીદ્યું હતું, જ્યારે કંપનીએ ૨૦૧૪માં વૉટ્સઍપને ૧૯ બિલ્યન ડૉલરમાં ખરીદ્યું હતું. જોકે મેટા કહે છે કે એને હજી પણ ટિકટૉક, ઍક્સ (અગાઉનું ટ્વિટર), યુટ્યુબ અને ઍપલ iMessage તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

