મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ભારત-ઑસ્ટ્રેલિયાના સંબંધોને ટેસ્ટ-મૅચ જેવા ગણાવીને નરેન્દ્ર મોદીએ ત્યાંના ભારતીયોને કહ્યું... તમારા ઘરમાં દૂધ ભલે ઑસ્ટ્રેલિયાનું હોય ચા તો ભારતીય જ છે
ગઈ કાલે મેલબર્નમાં ભારતીય સમુદાય સાથેની મુલાકાતમાં કથક નૃત્યાંગનાઓ સાથે નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેદિવસીય ઑસ્ટ્રેલિયા મુલાકાત માત્ર વ્યૂહાત્મક અને આર્થિક કરારો પૂરતી સીમિત નથી રહી, તેમની અનોખી રાજદ્વારી શૈલી અને દિલ જીતી લેનારાં સંબોધનોને કારણે યાદગાર બની રહી છે. મેલબર્નમાં ભારતીય સમુદાય સાથેના ‘મેલબર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમમાં ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝની હાજરીમાં નરેન્દ્ર મોદીએ વિવિધ રસપ્રદ ઉદાહરણો આપીને બન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની વાત વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ વિદેશમાં રહેતા ભારતીયોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘આપણે ભારતીયો દૂધમાં સાકર જેવા છીએ, જે જ્યાં પણ જાય છે ત્યાં મીઠાશ ઓગાળે છે. તમારાં ઘરોમાં દૂધ ભલે ઑસ્ટ્રેલિયાનું હોય, પણ ચા તો ભારતીય જ છે.’
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને જ્યારે
ભારત-ઑસ્ટ્રેલિયાની ભાગીદારીને ‘એક વત્તા એક બરાબર બે’ ગણાવી ત્યારે નરેન્દ્ર મોદીએ હિન્દી કહેવતનો ઉપયોગ કરીને વળતો જવાબ આપ્યો કે ‘આ જોડાણ એકની બાજુમાં એક ઊભા રહેવા જેવું છે, જે બે નહીં પરંતુ અગિયાર (૧૧) બરાબર થાય છે.’
બન્ને દેશોના સંબંધોને રમતગમત સાથે જોડતાં નરેન્દ્ર મોદીએ હળવા અંદાજમાં કહ્યું કે ‘આપણી બેઠકો ક્રિકેટ જેવી છે; આપણો એજન્ડા વન-ડે જેવો ફોકસ્ડ હોય છે, નિર્ણયો T20ની જેમ ઝડપી લેવાય છે અને આપણી ભાગીદારી ટેસ્ટ-મૅચની જેમ લાંબી અને ઊંડી છે.’
ગઈ કાલે મેલબર્નના ડૉક્લૅન્ડ્સ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીના માનમાં પર્ફોર્મ કરવા આવેલું ઢોલતાશા પથક અને કાર્યક્રમ માટે ઉત્સાહિત ભારતીયો.
ઑસ્ટ્રેલિયા સાથે ઐતિહાસિક ડીલ, ભારતને મળશે યુરેનિયમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રાઇમ મિનિસ્ટર અૅન્થની અૅલ્બનીઝ વચ્ચે મેલબર્નમાં યોજાયેલી બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, ટોટલ ૧૮ કરારોની જાહેરાત
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અૅન્થની અૅલ્બનીઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં એક અત્યંત મહત્ત્વનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ હવે ઑસ્ટ્રેલિયા ભારતને પરમાણુ ઊર્જાઉદ્યોગમાં ઉપયોગ કરવા માટે યુરેનિયમની નિકાસ કરશે. નરેન્દ્ર મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ કરારથી ભારતના ક્લીન એનર્જીનાં લક્ષ્યોને નવી ગતિ મળશે. બન્ને દેશો વચ્ચે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યુરેનિયમનો આ પુરવઠો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે જ વાપરવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની દેખરેખ હેઠળ રહેશે.
ઑસ્ટ્રેલિયા પાસે વિશ્વના કુલ યુરેનિયમ ભંડારનો આશરે ૨૮ ટકા જેટલો વિશાળ હિસ્સો છે. બન્ને દેશો વચ્ચે ૨૦૧૪માં જ પરમાણુ સહયોગ કરાર થયો હતો, પરંતુ અગાઉ પરમાણુ શસ્ત્રો બનવાના ડરથી ઑસ્ટ્રેલિયા મર્યાદિત જથ્થો મોકલતું હતું.
નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રેલિયા મુલાકાત દરમ્યાન બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, ઊર્જા, શિક્ષણ અને ટેક્નૉલૉજી સહિતનાં ક્ષેત્રોમાં ૧૮ ઐતિહાસિક કરારોની જાહેરાત કરવામાં આવી છે. ત્રીજી ભારત-ઑસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં લેવાયેલા આ નિર્ણયો મુક્ત અને સમૃદ્ધ ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રના વિઝનને વધુ મજબૂત કરશે.
