નરેન્દ્ર મોદીએ જોહનિસબર્ગમાં ‘ગંગા મૈયા’ ગિરમિટિયા ગીતની પ્રશંસા કરીને કહ્યું કે...
ગઈ કાલે જોહનિસબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત માણી રહેલા નરેન્દ્ર મોદી. ભારતીય સમુદાયના લોકો સાથે નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટ માટે શુક્રવારે સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ પહોંચ્યા ત્યારે તેમની સામે સાઉથ આફ્રિકાનું ગિરમિટિયા ગીત ‘ગંગા મૈયા’ રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતની પ્રશંસા કરીને વડા પ્રધાને કહ્યું હતું કે આ ખૂબ જ આનંદદાયક અને ભાવનાત્મક અનુભવ હતો.
નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ ગીત રજૂ થતો વિડિયો શૅર કર્યો હતો અને ભોજપુરીમાં તેમનો પ્રતિભાવ લખ્યો હતો. તેમણે લખ્યું કે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકાના ગિરમિટિયા ગીત ‘ગંગા મૈયા’ના પ્રદર્શનને જોવું મારા માટે ખૂબ જ આનંદદાયક અને ભાવનાત્મક અનુભવ હતો. આ પ્રસ્તુતિની બીજી એક ખાસ વાત એ હતી કે આ ગીત તામિલમાં પણ ગાવામાં આવ્યું હતું. આ ગીત ઘણાં વર્ષો પહેલાં અહીં આવેલા લોકોની આશા અને અતૂટ હિંમતને મૂર્તિમંત કરે છે. આ ગીતો અને ભજનો દ્વારા તેમણે ભારતને તેમના હૃદયમાં જીવંત રાખ્યું એટલે આજે આ સાંસ્કૃતિક સંબંધને જીવંત જોવો ખૂબ જ પ્રશંસાપાત્ર છે.’
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકાના ૩ દિવસના પ્રવાસે છે.
નરેન્દ્ર મોદી હોટેલમાં પહોંચ્યા પછી બાળકોના એક જૂથે તેમનું સ્વાગત કરવા માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યાં હતાં; જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, કેરલા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વડા પ્રધાને વૈદિક મંત્રોચ્ચાર કરતાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી. તેઓ સંગીતમય પ્રદર્શનના સૂરો પર તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. તેમણે ‘મોદી-મોદી’ના નારા લગાવતા ભારતીય સમુદાયના સભ્યો સાથે હાથ મિલાવ્યા હતા અને વાતચીત પણ કરી હતી.


