કરિયાણાના ડિલિવરી-બૉયને પોતાનો ફોન નંબર આપવાનું ભારે પડ્યું મહિલા ટીચરને
પ્રતીકાત્મક તસવીર
ભાયખલામાં મસીના હૉસ્પિટલ નજીકની એક સોસાયટીમાં રહેતી ૩૯ વર્ષની શિક્ષિકાનો નંબર મેળવીને એને તેના વૉટ્સઍપ પર અશ્ળીલ મેસેજ મોકલીને વાત કરવા જબરદસ્તી કરનાર ડિલિવરી-બૉય સામે ભાયખલા પોલીસે વિનયભંગની અને ધમકાવવાની ફરિયાદ નોંધી છે. મહિલા ટીચરે સપ્ટેમ્બરમાં એક ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ગ્રોસરીનો ઑર્ડર આપ્યો હતો. એની ડિલિવરી કરવા આવેલા યુવકે વાતો-વાતોમાં મહિલાનો નંબર મેળવીને શરૂઆતમાં વૉટ્સઍપ પર ‘રાતભર આપકા ચેહરા મેરી આંખોં મેં ઘૂમ રહા થા, આપ મુઝે બહુત અચ્છે લગતે હો, આપકો દેખના હૈ’ જેવા મેસેજ કર્યા હતા. આ મેસેજનો રિપ્લાય ન કરતાં ડિલિવરી-બૉય દ્વારા અશ્ળીલ મેસેજ કરવામાં આવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આરોપીની ઓળખ કરવા વધુ તપાસ શરૂ કરી છે.
ભાયખલા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સોપાન કાકડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ સપ્ટેમ્બરે ફરિયાદી મહિલાએ કરિયાણાનો ઑર્ડર આપ્યો હતો. એની ડિલિવરી સાંજે ૪ વાગ્યાની આસપાસ એક ડિલિવરી-બૉય દ્વારા ઘરે કરવામાં આવી હતી. જોકે એ સમયે ઑર્ડર કરેલી વસ્તુમાં અમુક વસ્તુઓ ઓછી હોવાથી એના રીફન્ડ વિશે પૂછતાં ડિલિવરી કરવા આવેલા યુવકે મહિલાનો નંબર લીધો હતો. ત્યાર બાદ બીજા દિવસે ડિલિવરી કરવા આવેલા યુવકે મહિલાને ફોન કરીને તમારું રીફન્ડ મળી ગયું કે નહીં એવું પૂછીને વધુ વાત કરવાની કોશિશ કરી હતી. જોકે મહિલાએ તેની સાથે વધારે વાત કરવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ તેણે મહિલાના વૉટ્સઍપ પર ‘મૅડમ, તમે મને સારાં લાગો છો, હું તમને જોવા માગું છું, તમે તમારા ઘરની બારી પાસે આવો, હું તમને જોયા પછી જઈશ’ એવો મેસેજ કર્યો હતો. ત્યારે મહિલાએ તેના મેસેજનો જવાબ આપ્યો નહોતો. બે દિવસ રહીને ફરી મહિલાને ‘આપકા ચેહરા મેરી આંખોં મેં ઘૂમ રહા થા, આપકા પૂરા ફિગર ગરમ હૈ’ આવા અશ્લીલ મેસેજ મોડી રાત્રે મોકલ્યા હતા. ત્યારે મહિલાએ તેને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. દરમ્યાન ૧૯ નવેમ્બરે સાંજે ફરી તેણે મહિલાને બીજા નંબર પરથી મેસેજ કરીને ‘હું હમણાં મારા ગામ જઈ રહ્યો છું, મેં મારા ગામની જમીન વેચી દીધી છે, તમને હું ૫૦,૦૦૦ રૂપિયા આપી શકું છું અને જ્યારે તમારા ઘરમાં કોઈ ન હોય ત્યારે તમે મને બોલાવી શકો છો’ એવા અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. એટલું જ નહીં, આવું નહીં કરે તો જોઈ લેવાની ધમકી પણ આપી હતી. અંતે ગભરાયેલી મહિલાએ આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. ડિલિવરી કરવા આવેલા યુવકના તમામ નંબર બંધ આવી રહ્યા છે. આ મામલે ટેક્નિકલ ટીમની મદદ લઈને અમે આરોપીની શોધ કરી રહ્યા છીએ તેમ જ ડિલિવરી કંપની પાસેથી પણ તેની માહિતી માગી છે.’


