Nepal Flood: માહિતી મળી રહી છે કે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ૨૮ યાત્રિકોનો `ચા`ને લીધે ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. અને તે તમામ ૨૮ લોકો શનિવારે હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે
પ્રતીકાત્મક તસવીર
નેપાલમાં આવેલ જળપ્રલય (Nepal Flood) અને ત્યારબાદ થયેલ તારાજીના દૃશ્યો અચૂકપણે વિચલિત કરનારા તો છે જ, પણ આ વચ્ચે જ્યારે કેટલાક યાત્રિકોના ચમત્કારિક રીતે બચી ગયાના રિપોર્ટ્સ મળે છે ત્યારે હૈયે ટાઢક વળે છે. ઘણા કિસ્સામાં તો `રામ રાખે તેને કોણ ચાખે` જેવું જ બન્યું છે. માહિતી મળી રહી છે કે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ૨૮ યાત્રિકોનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. અને તે તમામ ૨૮ લોકો શનિવારે હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે. કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલા આ ગ્રુપનો જે રીતે બચાવ થયો છે તે કહાનીના મૂળમાં છે ચાનો કપ. હા, વાત કંઇક એં છે કે આ ગુપે ચાપાણી કરવા માટે ૧૦ મિનિટનો બ્રેક લીધો હતો. અને આ જ ૧૦ મિનિટનો વિરામ તે તમામ માટે જીવનરક્ષક સાબિત થયો છે.
૧૦ મિનિટનો ટી-બ્રેક અને જીવ બચી ગયા ૨૮ જણના
ADVERTISEMENT
તિરૂપતિસ્થિત `સાઇન ઇન ટ્રાવેલ્સ`ના મેનેજિંગ ડિરેક્ટર પેમ્માસાની વેંકટરમણા આ બાબતે જણાવે છે કે, "અમારા ગ્રુપને નેપાળ-તિબેટની બોર્ડર પર (Nepal Flood) આવેલ સ્યાબ્રુબેસી પહોંચવાનું હતું, અને અમે ત્યાં જવા માટે નીકળ્યા પણ હતા. પણ વચ્ચે અમે ચાપાણી કરવા ૧૦ મિનિટનો બ્રેક લીધો. અને આ બ્રેકે જ અમારા ૨૮ લોકોનું જીવન રોળાઇ જતાં બચાવ્યું. ૧૦ મિનિટના બ્રેક પછી જ્યારે અમે બોર્ડર પર જવા રવાના થયા ત્યાં જ પૂરની સ્થિતિનો અંદાજ અમારા બસ ડ્રાઇવરને આવી ગયો હતો. એણે સતર્કતા વાપરીને તરત જ ત્યાંથી રૂટ બદલી નાખ્યો અને અમને તમામને સેફ જગ્યા પર મૂકી દીધા."
ટૂરમાં સામેલ તિરૂપતિના એક યાત્રિક કલ્પનાબહેન તો સગી આંખે જોયેલા હચમચાવી નાખતા દૃશ્યોને (Nepal Flood) યાદ કરતાં કહે છે કે, "વિઝા મળી ગયા પછી સવારે ૬:૩૦ વાગ્યે અમે લોકો હોટેલથી રવાના થયા હતા. અમે લોકોએ આશરે ૮૦ કિલોમીટર ટ્રાવેલ કર્યું ત્યાં અમે લોકો ચાપાણી કરવા માટે રોકાયા હતા. તે સમયે જ ડ્રાઇવરને અલર્ટ મળી ગઈ કે આગળ જળપ્રલય થયો છે. પછી તો તેણે એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર તાબડતોબ ત્યાંથી યુ-ટર્ન લઇ લીધો અને અમને સેફલી કાઠમંડુની હોટેલમાં પાછા પહોંચાડી દીધા. અને આ રીતે અમે ૨૮ જણ બચી ગયા. કોલકાતાના યાત્રિકોની બે બસ સહિત કંઇ કેટલાય વેહિકલ રમકડાંની જેમ અમારી નજર સામે જ પૂરમાં તણાઈ ગયા. ચારે તરફ રાડારોડ અને આક્રંદ સંભળાતો હતો. ગામોના ગામ અમારી આંખ સામે હતા ન હતા થઇ ગયા.`
વિશાખાપટ્ટનમના એક યાત્રિક કૃષ્ણય્યા મુત્યાલા જણાવે છે કે અમને વિઝા મળવામાં લગભગ ત્રણ દિવસ મોડું ન થયું અને અમે બચી ગયા. જો આમારો પ્રવાસ આગળ ખેંચાયો ન હોતે તો સ્યાબ્રુબેસી બ્રિજ તૂટ્યો ત્યારે અમારું ગ્રુપ પણ તેમાં જ સ્વાહા (Nepal Flood) થઇ જાત"
