Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ

અમેરિકામાં ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ

Published : 20 October, 2025 09:00 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ ૫૦ રાજ્યોમાં ટ્રમ્પવિરોધી પ્રોટેસ્ટમાં ૨૬૦૦ રૅલીઓ નીકળી અને ૭૫ લાખ લોકો જોડાયા : પ્રેસિડન્ટે AI વિડિયો શૅર કરીને જનતાને ભડકાવી, વિડિયોમાં પોતે ફાઇટર જેટમાં બેસીને પ્રદર્શનકારી રૅલીઓ પર મળમૂત્ર ફેંકતા હોય એવું દેખાડવામાં આવ્યું

ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પાસે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું  હતું.

ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પાસે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


અમેરિકામાં ચારે તરફ શનિવારે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના વિરોધમાં રૅલીઓનું આયોજન થયું હતું. ટ્રમ્પની સરમુખત્યારશાહી અને લોકતંત્રવિરોધી ગતિવિધિઓને જોઈને પ્રદર્શનકારીઓએ આ પ્રોટેસ્ટને ‘નો કિંગ્સ’ નામ આપ્યું હતું. 

શનિવારે મોટી સંખ્યામાં ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેર ઉપરાંત બૉસ્ટન, ઍટલાન્ટા, શિકાગોના પાર્કમાં ભારે માત્રામાં લોકો ભેગા થયા હતા. વૉશિંગ્ટન, લૉસ ઍન્જલસ, શિકાગો અને રિપબ્લિકન પાર્ટીનું જ્યાં શાસન છે ત્યાં પણ લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. અમેરિકાના મીડિયા રિપોર્ટ્‍સ મુજબ દેશનાં ૫૦ રાજ્યોમાં ૨૬૦૦થી વધુ વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. આ પ્રદર્શન સરમુખત્યારશાહીના વિરોધમાં અને લોકતંત્રની રક્ષા માટે આયોજિત કરવામાં આવ્યાં હતાં. પ્રદર્શનકારીઓએ લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડવા તેમ જ ઇમિગ્રેશન નીતિઓમાં બદલાવો કરીને ગૂંચો વધારવાના વિરોધમાં તીવ્ર પ્રદર્શન કર્યું હતું. 



ઍટલાન્ટામાં પ્રદર્શનકારીઓએ શહેરના સિવિક સેન્ટરથી શરૂ કરીને જ્યૉર્જિયા સ્ટેટ કૅપિટલ સુધી પહોંચીને ‘નો કિંગ્સ’ના નારા લગાવ્યા હતા. સૌથી ભારે ભીડ લૉસ ઍન્જલસમાં જોવા મળી હતી જ્યાં પ્રવાસી સમુદાયોના સમર્થનમાં લોકો અમેરિકા અને મેક્સિકોના ઝંડા લઈને રોડ પર ઊતર્યા હતા. આ એ જ શહેર છે જ્યાં જૂનમાં ટ્રમ્પ સરકારના આદેશ પર નૅશનલ ગાર્ડ તહેનાત કરવા માટે વિરોધ થયો હતો. ન્યુ યૉર્ક શહેરની પોલીસે કહ્યું હતું કે શહેરમાં લગભગ એક લાખ લોકો રોડ પર ઊતરી આવ્યા હતા, પરંતુ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હોવાથી કોઈની ધરપકડ કરી નહોતી.


સૅન ફ્રાન્સિસ્કોના ઓશન બીચ પર હજારોની સંખ્યામાં લોકોએ ભેગા થઈને NO KINGS, YES on 50 શેપની રચના કરી હતી. 


વિપક્ષી નેતાઓનું સમર્થન
સરકાર શટડાઉન છે અને બજેટને લઈને કપાત ચાલી રહી છે ત્યારે ડેમોક્રૅટિક નેતાઓનું પણ પ્રદર્શનકારીઓને સમર્થન મળ્યું હતું. નો કિંગ્સ પ્રોટેસ્ટ માત્ર ટ્રમ્પ વિરુદ્ધનું નહીં પરંતુ અમેરિકામાં લોકતંત્ર વિરુદ્ધ સરમુખત્યારશાહીના નવા વિવાદનું પ્રતીક બની ગયો છે. સેનેટના માઇનોરિટી લીડર ચક શૂમરે ન્યુ યૉર્કની રૅલીમાં ભાગ લઈને કહ્યું હતું કે આજે જ્યારે લાખો અમેરિકનો નો કિંગ્સ ડે પર એકજૂટ થઈ ગયા છે ત્યારે હું ગર્વથી કહું છું કે અમેરિકામાં કોઈ સરમુખત્યારશાહી નહીં હોય, અમે લોકતંત્રની રક્ષા કરીશું. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ આ પ્રદર્શનોને ‘હેટ અમેરિકા’ એટલે કે અમેરિકાને નફરત કરનારા લોકોનું પ્રદર્શન ગણાવ્યું હતું.

ટ્રમ્પે આ શું કરી નાખ્યું?
ટ્રમ્પે ‘નો કિંગ્સ’ પ્રોટેસ્ટનો જવાબ એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ વિડિયોથી આપ્યો હતો. પોતે સ્થાપેલા સોશ્યલ મીડિયાના માધ્યમ ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પે ૨૦ સેકન્ડનો વિડિયો શૅર કર્યો હતો જેમાં તે પોતે ક્રાઉન પહેરીને એક ફાઇટર જેટ પાઇલટના રૂપમાં જોવા મળે છે જેના પર કિંગ ટ્રમ્પ લખ્યું હતું. ટ્રમ્પ જેટમાંથી પ્રદર્શનકારીઓ પર મળમૂત્ર ફેંકતા જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2025 09:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK