મતદારયાદીની ગેરરીતિઓના મુદ્દે શિવસેના (UBT), MNS અને કૉન્ગ્રેસના નેતાઓ ઇલેક્શન કમિશન સામે વિરોધ-પ્રદર્શન કરશે
દાદર સ્થિત શિવસેના ભવન ખાતે પત્રકાર પરિષદ દરમિયાન સંજય રાઉત અને અન્ય વિપક્ષી નેતાઓ. (તસવીર- આશિષ રાજે)
મતદારયાદીમાં ગેરરીતિઓ અને પારદર્શકતાનો અભાવ હોવાનો આરોપ વિરોધ પક્ષો ઘણા સમયથી કરી રહ્યા છે. ગઈ કાલે આ સંદર્ભે વિરોધ પક્ષોએ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા સામે ૧ નવેમ્બરે વિરાટ મોરચો કાઢવાની જાહેરાત કરી છે. મહા વિકાસ આઘાડીના સાથી-પક્ષોએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે મળીને ઇલેક્શન કમિશનના ઑફિસરો સાથે એ માટે બેઠકો કરી હતી. જોકે એ પછી પણ ઇલેક્શન કમિશનના ઑફિસરોનો જવાબ સંતોષકારક ન જણાતાં આખરે ઇલેક્શન કમિશન સામે મોરચો કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘૧ નવેમ્બરે મુંબઈમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓની આગેવાની હેઠળ વિરાટ મોરચો કાઢવામાં આવશે. રાજ્યના લાખો મતદારો જે ગેરરીતિને કારણે મતદાન નથી કરી શકવાના એ બધા આ મોરચામાં સામેલ થશે.’
ADVERTISEMENT
અગાઉ ઇલેક્શન કમિશન સાથે થયેલી બેઠકમાં વિરોધ પક્ષના પ્રતિનિધિઓએ મતદારયાદીમાં ગેરરીતિઓ, નામ અને ઍડ્રેસમાં ગરબડ અને વેરિફિકેશન પ્રોસેસમાં પણ પારદર્શિતા ન હોવાના આરોપો સાથે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ બાબતની જાણ કરતું નિવેદન પણ ઇલેક્શન કમિશનને સોંપ્યું હતું અને એની સામે ઇલેક્શન કમિશનનો જવાબ માગ્યો હતો.
ઇલેક્શન કમિશને પણ ગેરરીતિઓ હોવાનું માન્યું
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા બાળા નાંદગાવકરે કહ્યું હતું કે ‘ઇલેક્શન કમિશને આ બાબતે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને માહિતી આપી છે, જેનો અર્થ એ થયો કે ગેરરીતિઓ હોવાનું એ માન્ય કરે છે. MNS બધા જ મહારાષ્ટ્રિયનોને આ મોરચામાં સામેલ થવાનું આવાહન કરે છે. અમારે લોકશાહી બચાવવી છે એથી અમે સાથે આવ્યા છીએ.’ સંજય રાઉતે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘રાજ ઠાકરે કહે છે કે રાજ્યમાં અંદાજે ૧ કરોડ જેટલા બનાવટી મતદારો છે. હું તેમને ઘૂસણખોરો કહીશ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેઓ ઘૂસણખોરોને ઓળખી કાઢશે અને વોટર્સ-લિસ્ટમાંથી તેમની બાદબાકી કરશે. અમને આશા છે કે તેઓ એના પર કામ કરશે.’

