Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ગરબાની ટીમમાં ૭ છોકરીઓ હતી જેમાં હું સૌથી નાની હતી, અમે દોઢ મહિનાથી પ્રૅક્ટિસ કરી રહ્યાં હતાં

ગરબાની ટીમમાં ૭ છોકરીઓ હતી જેમાં હું સૌથી નાની હતી, અમે દોઢ મહિનાથી પ્રૅક્ટિસ કરી રહ્યાં હતાં

Published : 20 June, 2026 08:22 AM | IST | Paris
Darshini Vashi

૧૨ વર્ષની ગુજરાતી ગર્લ તનીષા ટેલરે પૅરિસમાં નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ગરબા રજૂ કર્યા, ચણિયાચોળી અને મૅચિંગ જ્વેલરી મુંબઈથી મગાવ્યાં

ગુજરાતી ગર્લ તનીષા ટેલરે પૅરિસમાં નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ગરબા રજૂ કર્યા

ગુજરાતી ગર્લ તનીષા ટેલરે પૅરિસમાં નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ગરબા રજૂ કર્યા


વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસ પૅરિસના પ્રવાસે હતા. ત્યાં તેમનું સ્વાગત કરવા માટે ભારતીય એમ્બેસીએ બે દિવસના સ્વાગત-કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં પૅરિસની ગુજરાતી કમ્યુનિટીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ કરી હતી. આવા જ એક ગુજરાતી ગરબાના કાર્યક્રમમાં પૅરિસમાં રહેતી ૧૨ વર્ષની ગુજરાતી છોકરી તનીષા ટેલરે પણ પર્ફોર્મ કર્યું હતું. એટલું જ નહીં, તે આ બે દિવસના કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરની પર્ફોર્મર પણ બની રહી હતી.



આ વિશે વિગતે માહિતી આપતાં તનીષાનાં મમ્મી અને પૅરિસની ગુજરાતી કમ્યુનિટીનાં મેમ્બર હેતલ ટેલર કહે છે, ‘અમારા માટે આ ખરેખર ગર્વની ક્ષણ રહી હતી. વિદેશી ધરતી પર આપણા દેશના વડા પ્રધાન માટે આપણી સંસ્કૃતિનું નૃત્ય પ્રદર્શિત કરવાનો તનીષાને ચાન્સ મળ્યો એ ખરેખર ઘણી મોટી વાત છે. મારા માટે આ ટ્રિપલ ખુશીનો સમય છે, કેમ કે મારી દીકરી સાથે મારી બહેન રામેશ્વરી ટેલરે પણ પર્ફોર્મ કર્યું હતું. પહેલા દિવસના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેઓ અહીં ઉપસ્થિત લોકોને મળ્યા હતા. તેમણે બધા સાથે હાથ મિલાવ્યા હતા જેમાં હું પણ હતી. હું અને મારા હસબન્ડ અહીં ગુજરાતી કમ્યુનિટીનાં મેમ્બર છીએ એટલે એમ્બેસીએ આ કાર્યક્રમ ગોઠવ્યો ત્યાર બાદ એની બધી તૈયારી કમ્યુનિટીએ અને અમારા અન્ય સાથીઓએ મળીને કરી હતી. એટલે બન્ને દિવસના કાર્યક્રમમાં અમને પણ હાજર રહેવાનો ચાન્સ મળ્યો હતો.’


લાઇવ નૃત્યથી લઈને એની પ્રૅક્ટિસ સુધીની વાત કરતાં તનીષા કહે છે, ‘ગુરુવારે સાંજે ભારતીય સંસ્કૃતિ દર્શાવતાં વિવિધ નૃત્યોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાની, ભરતનાટ્યમ અને ગુજરાતી ગરબાના નૃત્ય-કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એમાં મને ગુજરાતી ગરબામાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. અમે ૩ ગુજરાતી ગીતોને મિક્સ કરીને એક આખો પર્ફોર્મન્સ તૈયાર કર્યો હતો. અમારી ગરબાની ટીમમાં અમે ૭ છોકરીઓ જ હતી જેમાં હું સૌથી નાની વયની હતી. અમારા આ પર્ફોર્મન્સની તૈયારી અમે લગભગ દોઢ મહિનાથી કરી રહ્યાં હતાં. એ માટે અમે અહીંના અલગ-અલગ પાર્કમાં જઈને ડાન્સની પ્રૅક્ટિસ કરી હતી. સ્કૂલની સાથે-સાથે ટાઇમ કાઢીને અમે ડાન્સની પ્રૅક્ટિસ કરતાં હતાં. ખાસ આ પર્ફોર્મન્સ માટે ચણિયાચોળી અને એની મૅચિંગ જ્વેલરી મુંબઈથી મગાવવામાં આવ્યાં હતાં. ગુરુવારે અમારો પર્ફોર્મન્સ થવાનો હતો. એ પહેલાં મેં મારી જાતને નર્વસ થવા દીધી નહોતી. અમારો પર્ફોર્મન્સ પૅરિસના સમય પ્રમાણે સાંજે ૫.૩૦ વાગ્યે હતો, પણ અમને ૧૨.૩૦ વાગ્યે જ બોલાવી લેવામાં આવ્યાં હતાં. અમે તેમની એક ઝલક જોવા ખૂબ ઉત્સાહી હતાં. અમારો ટર્ન આવ્યો ત્યારે અમે એકદમ ખુશ થઈ ગયાં હતાં. એકદમ કૉન્ફિડન્સ સાથે મેં ગુજરાતી ગરબા રજૂ કર્યા અને હાજર તમામ લોકોએ અમારા ગરબાને તાળીઓથી વધાવી લીધા હતા. અમારે મોદીસરની સાથે ફોટો પડાવવો હતો, પરંતુ તેઓ ખૂબ જ ઉતાવળમાં હતા અને સિક્યૉરિટી પણ વધારે પડતી ટાઇટ રાખી હતી જેને લીધે અમને માત્ર વેવ કરવાનો જ ચાન્સ મળ્યો હતો. એમ છતાં આપણા દેશના મહાનુભાવ માટે ડાન્સ કરવાનો ચાન્સ મને મળ્યો એ માટે હું પૅરિસની ગુજરાતી કમ્યુનિટીની આભારી છું. આ કમ્યુનિટી બધા ભારતીય તહેવારો ઊજવે છે જેમાં હું દર વખતે ભાગ લેતી અને એમાં મારી નૃત્યપ્રતિભા દેખાડતી આવી છું. એને લીધે તેમણે મને ગુરુવારે સ્ટેજ પર ડાન્સ કરવાની તક આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 08:22 AM IST | Paris | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK