SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ અપનાવી બેવડાં ધોરણો સામે ચેતવણી આપી. તેમણે આતંકવાદી ફન્ડિંગ, પ્રોત્સાહન અને સુરક્ષિત ઠેકાણાંની સમગ્ર ઇકોસિસ્ટમ ખતમ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ગઈ કાલે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે નરેન્દ્ર મોદી.
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની બરાબર સામે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદ મામલે બેવડાં ધોરણોને કોઈ જ સ્થાન નથી. વડા પ્રધાને આતંકવાદને આશ્રય આપતા દેશોની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને ખતમ કરવાનું અત્યંત જરૂરી છે જેમાં ફન્ડિંગથી લઈને અેને પ્રોત્સાહન આપવા અને સુરક્ષિત ઠેકાણાં પૂરાં પાડવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વડા પ્રધાને ૩૦૦૦ કિલોમીટર લાંબા ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરનો પરોક્ષ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સહકાર ચોક્કસ હોવો જોઈએ, પરંતુ અે માટે અન્ય દેશોના સાર્વભૌમત્વનું સન્માન કરવું ફરજિયાત છે.આ પ્રોજેક્ટ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માંથી પસાર થતો હોવાથી ભારત અેનો સતત વિરોધ કરી રહ્યું છે.
પાકિસ્તાની વડા પ્રધાનની ફજેતી
ADVERTISEMENT
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે SCO સમિટના ગ્રુપ-ફોટોમાં છેડછાડ કરીને પોતાની ભારે ફજેતી કરાવી હતી. મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા શૅર કરાયેલા એક ફોટોમાં કેટલાક વૈશ્વિક નેતાઓને કાપી નાખવામાં આવ્યા હતા જેથી શરીફ કેન્દ્રમાં દેખાય. મૂળ ફોટોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિતના નેતાઓ હતા. સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થયા બાદ શરીફે બપોરે ૩.૩૨ વાગ્યે સાચો ફોટો શૅર કરીને ડૅમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુક્રેન પર રશિયાના ભયાનક મિસાઇલ હુમલામાં ભારતીય નાગરિકનું મોત
યુક્રેન પર રશિયાના સતત પાંચ દિવસના વિનાશક ડ્રોન અને મિસાઇલ હુમલામાં ૧૨ લોકોનાં મોત નીપજ્યાં હતા. યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અૅક્સ (X) પર આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે જીવ ગુમાવનારા લોકોમાં એક ભારતીય નાગરિક પણ સામેલ છે. જોકે તેમણે ભારતીય નાગરિકની ઓળખ કે સ્થળનો ખુલાસો કર્યો નથી.
