અધિકારીઓનો દાવો છે કે આ અનુભવી પર્વતારોહકે તેની ગર્લફ્રેન્ડને પર્વતારોહણનો અનુભવ ન હોવા છતાં ચઢાણ ચાલુ રાખ્યું હતું
ઑસ્ટ્રિયન પુરુષ અને તેની ગર્લફ્રેન્ડ
૩૯ વર્ષના ઑસ્ટ્રિયન પુરુષ પર હત્યાનો આરોપ મૂકીને તેની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેણે કથિત રીતે ઑસ્ટ્રિયાના સૌથી ઊંચા પર્વત ગ્રોસગ્લોકનર પર તેની ૩૩ વર્ષની ગર્લફ્રેન્ડને થીજીને મૃત્યુ પામવા માટે છોડી દીધી હતી. અધિકારીઓનો દાવો છે કે આ અનુભવી પર્વતારોહકે તેની ગર્લફ્રેન્ડને પર્વતારોહણનો અનુભવ ન હોવા છતાં ચઢાણ ચાલુ રાખ્યું હતું અને રાત્રિ પહેલાં કટોકટી સેવાઓને કૉલ કરવામાં નિષ્ફળ ગયો હતો. તે મદદ શોધવા માટે ગયો ત્યારે તેણે ૬ કલાકથી વધુ સમય માટે ગર્લફ્રેન્ડને એકલી મૂકી હતી. તેઓ ૧૨,૪૬૦ ફુટના શિખરથી માત્ર ૧૫૦ ફુટ દૂર હતાં. આ ઘટના જાન્યુઆરીમાં શિયાળાની તીવ્ર પરિસ્થિતિમાં બની હતી. આ પુરુષને અલ્પાઇન ચઢાણનો અનુભવ હતો એથી તેણે સાથે ગાઇડ પણ રાખ્યો નહોતો અને ગર્લફ્રેન્ડનો ગાઇડ બન્યો હતો. હવે તેના પર ઘોર બેદરકારી દ્વારા માનવહત્યાનો આરોપ છે. એના કારણે તેને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.


