જૂની પાઇપલાઇનો ફાટી, પણ રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં રિપોર્ટ બ્રિટન સરકારે જાહેર ન કર્યો અને બહાર પડેલું પાણી ‘ખાસ’ જોખમી ન હોવાનો દાવો પણ કર્યો
સ્કૉટલૅન્ડના કિનારા પર આવેલું ક્લાઇડ નેવલ બેઝ બ્રિટનનાં ન્યુક્લિયર હથિયારોનાં મહત્ત્વનાં સંગ્રહસ્થાનોમાંનું એક છે.
બ્રિટનમાં ઘોર બેદરકારીના એક કિસ્સાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સ્કૉટલૅન્ડના લોચ લૉન્ગ કિનારા પર સ્થિત કુલપોર્ટ આર્મામેન્ટ ડેપોમાંથી દરિયામાં રેડિયો-ઍક્ટિવ પાણી લીક થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ડેપો બ્રિટનના સૌથી ગુપ્ત અને સુરક્ષિત લશ્કરી થાણા પૈકી એક છે. આ એ જ બેઝ છે જ્યાં રૉયલ નેવી એની ટ્રાઇડેન્ટ સબમરીન માટે પરમાણુ હથિયારોનો સંગ્રહ કરે છે. સરકારી પ્રદૂષણ દેખરેખ એજન્સીની ફાઇલોમાં ખુલાસો થયો છે કે ૧૫૦૦ જેટલી જૂની અને જર્જરિત પાણીની પાઇપલાઇનો ફાટવાને કારણે ન્યુક્લિયર વૅસ્ટવાળું આ પાણી લીક થયું હતું.
બેઝના લગભગ અડધા ઘટકો એમની ડિઝાઇન લાઇફ કરતાં વધી ગયા હતા, પરંતુ એમનું સમારકામ અથવા રિપ્લેસમેન્ટ સમયસર કરવામાં આવ્યું નહોતું. ૨૦૧૦ અને ૨૦૧૯માં આ પાઇપ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી. આ મુદ્દે દેખરેખ રાખતી એજન્સીએ કહ્યું હતું કે રેડિયો-ઍક્ટિવિટીનું સ્તર ખૂબ ઓછું હતું અને માનવ-સ્વાસ્થ્ય માટે તાત્કાલિક ખતરો નહોતો, એ બિનજરૂરી રેડિયો-ઍક્ટિવ કચરો હતો.
ADVERTISEMENT
સ્કૉટિશ માહિતી કમિશનર ડેવિડ હૅમિલ્ટને સરકારને અહેવાલો જાહેર કરવાનો આદેશ આપ્યો એના પગલે છ વર્ષની કાનૂની લડાઈ પછી આ માહિતી જાહેર થઈ હતી. સંરક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તેમને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમિશનરે કહ્યું કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા નહીં પણ પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે. આ ખુલાસો બ્રિટનના પરમાણુ સુરક્ષા વ્યવસ્થાપન પર પ્રશ્નો ઊભા કરે છે, સાથે એ પણ દર્શાવે છે કે બેદરકારી વિશ્વનાં સૌથી સુરક્ષિત સ્થળોએ પણ ખતરનાક ઘટનાઓ તરફ દોરી શકે છે.

