સપરિવાર જીવ બચાવીને નાસી છૂટવામાં સફળ, પણ તેમનાં ૩૦૦૦ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બળીને ખાખ
હિન્દુ સિંગર અને જોલાર ગાન નામનું ફોક-બૅન્ડ ચલાવતા રાહુલ આનંદના ૧૪૦ વર્ષ જૂના ઘર પર હુમલો
બંગલાદેશમાં રાજકીય અસ્થિરતા બાદ તોફાનીઓએ સોમવારે ઢાકામાં રહેતા જાણીતા હિન્દુ સિંગર અને જોલાર ગાન નામનું ફોક-બૅન્ડ ચલાવતા રાહુલ આનંદના ૧૪૦ વર્ષ જૂના ઘર પર હુમલો કરીને સામાનની ચોરી કરી હતી અને ઘર સળગાવી દીધું હતું. એમાં રાહુલ આનંદે હાથે બનાવેલાં અને તેમના કલેક્શનમાં રહેલાં ૩૦૦૦ મ્યુઝિકલ-ઇન્સ્ટ્રુમેન્ટ બળીને ખાખ થયાં હતાં. તોફાનીઓ ઘરનો ગેટ તોડીને ઘૂસી ગયા હતા. રાહુલ આનંદના પરિવારના સભ્યો જીવ બચાવીને ઘરમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. રાહુલ આનંદ ઢાકાના ધનમોન્ડી વિસ્તારમાં તેમના પ્રાચીન ઘરમાં રહેતા હતા. તોફાની ભીડે ફર્નિચર હોય કે અરીસા, ઘરમાંથી જે હાથમાં આવ્યું એની ચોરી કરી હતી અને ઘરમાં વ્યાપક તોડફોડ કરી હતી.
અમેરિકાએ શેખ હસીનાના વીઝા રદ કર્યા
બંગલાદેશનાં પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીનાના અમેરિકાના વીઝા રદ કરી દેવામાં આવ્યા છે. સત્તાપરિવર્તન બાદ સલામત રીતે ભારત પહોંચેલાં શેખ હસીનાએ પશ્ચિમના દેશોમાં રાજકીય આશ્રય લેવાની હિલચાલ શરૂ કરી હતી ત્યારે જ અમેરિકાએ તેમના વીઝા રદ કર્યા છે. આ પહેલાં યુનાઇટેડ કિંગડમ (UK)એ પણ શેખ હસીનાને રાજકીય આશ્રય આપવાની ના પાડી દીધી હતી. શેખ હસીનાની નાની બહેન રેહાના UKનું નાગરિકત્વ ધરાવે છે અને તે હવે UK પાછી જવા રવાના થશે.
ADVERTISEMENT
હિન્દુઓ પર અત્યાચાર એ બંગલાદેશની આંતરિક બાબત નથી : જગ્ગી વાસુદેવ
આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવે બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓનાં ઘર, મંદિર અને દુકાનો પરના હુમલા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને આ બંગલાદેશની આંતરિક બાબત નથી એમ જણાવીને કહ્યું હતું કે પાડોશમાં રહેતા હિન્દુ લઘુમતીઓને બચાવવાની જવાબદારી આપણી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં જગ્ગી વાસુદેવે લખ્યું હતું કે ‘બંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર એ તેમની આંતરિક બાબત નથી. ભારત ત્યારે જ મહા-ભારત બનશે જ્યારે આપણે પાડોશમાં રહેતા લઘુમતીઓને ઝડપથી સંરક્ષણ આપીશું. એક સમયે એ આપણા જ દેશનો ભાગ હતો, પણ હવે પાડોશી દેશ બન્યો છે. આપણી સંસ્કૃતિના લોકોને બચાવવાની જવાબદારી આપણી છે.’
૬ નવજાત બાળક સાથે ૧૯૯ પ્રવાસીઓને ઢાકાથી લાવવામાં આવ્યા
ઢાકામાં ફસાયેલા ૬ નવજાત શિશુઓ સાથે ૧૯૯ પ્રવાસીઓને લઈને ઍર ઇન્ડિયાનું એક વિમાન ગઈ કાલે સવારે નવી દિલ્હી પહોંચ્યું હતું. ઢાકામાં માળખાકીય સુવિધાનો પડકાર હોવા છતાં ઍર ઇન્ડિયાએ એકદમ શૉર્ટ નોટિસ પર આ વિમાનનું સંચાલન કર્યું હતું. એક પ્રવાસીએ કહ્યું હતું કે બંગલાદેશમાં પરિસ્થિતિ હવે અંકુશમાં છે.
શેખ હસીનાની અવામી લીગના ૨૦ નેતાઓની હત્યા : હિન્દુઓ નિશાન પર
બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ સત્તાધારી અવામી લીગના નેતાઓ તોફાનીઓના નિશાન પર છે અને અવામી લીગના કમસે કમ ૨૦ નેતાઓની બે દિવસમાં હત્યા કરવામાં આવી છે, તેમના મૃતદેહો મળી આવ્યા છે. અવામી લીગના નેતાઓનાં ઘર, દુકાનો અને બિઝનેસ-હાઉસો પર તોફાનીઓ હુમલા કરી રહ્યા છે અને ઉત્પાત મચાવી રહ્યા છે. તેઓ લૂંટફાટ કરી રહ્યા છે અને ઘરો સળગાવી રહ્યા છે. બંગલાદેશમાં મુસ્લિમ તોફાનીઓના નિશાન પર અવામી લીગના નેતાઓ અને હિન્દુ લઘુમતી કોમના મેમ્બરો જોવા મળી રહ્યા છે. માત્ર બે દિવસમાં હિન્દુઓનાં ૯૭ સ્થળે હુમલા થયા છે. દસ હિન્દુ મંદિરો તોડી નાખવામાં આવ્યાં છે. બગેરહાટ જિલ્લામાં એક હિન્દુ યુવાનને માર મારીને મારી નાખવામાં આવ્યો હતો.