આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે બંદૂકધારીઓ બે વાહનોમાં આવ્યા હતા અને બારની અંદર બેઠેલા લોકો પર ગોળીબાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ શહેરથી ૪૦ કિલોમીટર દૂર આવેલા સોનાની ખાણના વિસ્તારમાં બેકર્સડેલ ટાઉનશિપમાં એક બારમાં અજાણ્યા બંદૂકધારીઓએ શનિવારે રાત્રે ૧ વાગ્યે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા ૯ જણે જીવ ગુમાવ્યા હતા અને ૧૦ અન્ય ઘાયલ થયા હતા. સાઉથ આફ્રિકામાં આ મહિને ગોળીબારની આ બીજી મોટી ઘટના છે.
આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે બંદૂકધારીઓ બે વાહનોમાં આવ્યા હતા અને બારની અંદર બેઠેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળેથી ભાગી રહેલા લોકો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા પાછળનો હેતુ જાણી શકાયો નથી. હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બેકર્સડેલ સાઉથ આફ્રિકાની કેટલીક સૌથી મોટી સોનાની ખાણોની નજીક આવેલો એક ગરીબ વિસ્તાર છે. આ પહેલાં ૬ ડિસેમ્બરે બંદૂકધારીઓએ રાજધાની પ્રિટોરિયા નજીક એક હૉસ્ટેલ પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ વર્ષના બાળક સહિત ૧૨ જણે જીવ ગુમાવ્યા હતા.


