RSF અને સુદાનની સેના ૨૦૨૩થી સત્તા માટે લડી રહી છે. આ યુદ્ધમાં ૪૦,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે
ડ્રોન હુમલો
સુદાનનાં અર્ધલશ્કરી દળો રૅપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)એ સાઉથ-સેન્ટ્રલ સુદાનના સાઉથ કોર્ડોફાન રાજ્યના કાલોગી શહેરમાં એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ૩૩ બાળકો સહિત પચાસ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં જૂથે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી પૅરામેડિક ટીમને બીજા આશ્ચર્યજનક હુમલામાં નિશાન બનાવવામાં આવી હતી. ડ્રોન હુમલાને કારણે એ વિસ્તારમાં સંપૂર્ણ સંદેશવ્યવહાર બંધ થઈ ગયો હતો. મૃત્યુઆંક વધવાની ધારણા છે. આ હુમલો RSF અને સુદાનની સેના વચ્ચેના બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં નવું પ્રકરણ છે જે હવે તેલ-સમૃદ્ધ કોર્ડોફાન ક્ષેત્રમાં કેન્દ્રિત થયો છે.
આ પહેલાં રવિવારે સાઉથ કોર્ડોફાનના કૌડામાં સુદાનની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૪૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. RSF અને સુદાનની સેના ૨૦૨૩થી સત્તા માટે લડી રહી છે. આ યુદ્ધમાં ૪૦,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૧.૨ કરોડ લોકો વિસ્થાપિત થયા છે. સહાય સંસ્થાઓ કહે છે કે વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે.


