ઈરાનનો કુવૈત અને બાહરિનમાં અમેરિકન સૈન્ય ઠેકાણાંઓ પર પ્રચંડ મિસાઇલમારો: ઈરાનનું અસ્તિત્વ મિટાવી દેવાની ડોનલ્ડ ટ્રમ્પની ધમકી બાદ તનાવ ચરમસીમાએ: સંઘર્ષવિરામ વચ્ચે ઇઝરાયલે લેબૅનનમાં હિઝબુલ્લાહ પર કર્યા હવાઈ હુમલા
ઈરાને ફરી એક વાર અમેરિકન આર્મી બેઝ પર હુમલા શરૂ કર્યા.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તનાવ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર ઈરાનનું અસ્તિત્વ ખતમ કરી નાખવાની ખુલ્લી ધમકી આપ્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ’ (IRGC)એ કુવૈત અને બાહરિનમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાંઓ પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલા બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં ફરી એક વાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. શાંતિમંત્રણા બાદ ફરી એક વાર ઈરાન-અમેરિકા સામસામે આવી ગયાં છે.
ટ્રમ્પની સોશ્યલ મીડિયા પોસ્ટથી ભડકો
ADVERTISEMENT
ગયા ફેબ્રુઆરી મહિનાથી શરૂ થયેલા આ યુદ્ધને રોકવા માટે ૧૪ મુદ્દાની વચગાળાની શાંતિસમજૂતી થઈ હતી. જોકે ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન શરતોનું પાલન નથી કરી રહ્યું. તેમણે પોસ્ટ કર્યું કે ‘એક સમય એવો આવી શકે છે જ્યારે આપણે લશ્કરી રીતે આ કામ પૂરું કરવું પડશે. જો એવું થશે તો ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાનનું અસ્તિત્વ જ નહીં રહે.’
આ ધમકી બાદ ઈરાને વળતો પ્રહાર કરીને અમેરિકી બેઝ પર આગામી દિવસોમાં ‘નરક જેવી સ્થિતિ’ સર્જવાની ચેતવણી આપી છે.
વિવિધ મોરચે ફરી હિંસા
કુવૈત અને બાહરિન: કુવૈતી સેનાએ બે બૅલિસ્ટિક મિસાઇલો હવામાં જ તોડી પાડી હતી, જ્યારે બાહરિનના મુહર્રક પ્રાંતમાં ઈરાની ડ્રોન એક રહેણાક બિલ્ડિંગ પર પડતાં નુકસાન થયું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
અમેરિકન ઍક્શન: આ હુમલાના કલાકો પહેલાં જ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં એક ઑઇલ ટૅન્કર પર હુમલો થતાં અમેરિકાએ દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં ઈરાની ઍર ડિફેન્સ અને ડ્રોન સ્ટોરેજ પર ઍરસ્ટ્રાઇક કરી હતી.
ઇઝરાયલ-લેબૅનન: બીજી તરફ શુક્રવારે યુએસની મધ્યસ્થતામાં થયેલા સીઝફાયરના માત્ર એક જ દિવસમાં ઇઝરાયલે લેબૅનનના નબાતિયહ વિસ્તારમાં હથિયારધારી હિઝબુલ્લાહ આતંકીઓ પર બૉમ્બમારો કર્યો છે.
