ટેક બૅકગ્રાઉન્ડ ધરાવતા આ ત્રણેય યુવાનોએ કૉલેજ છોડીને કંઈક મોટું કરવાના આશયથી ખાસ ફેલોશિપ લીધેલી અને ગ્રૅજ્યુએશન પૂરું કરવાની ઉંમરે અબજોનું સ્ટાર્ટ-અપ તૈયાર કરી નાખ્યુંઃ મેટાના માર્ક ઝકરબર્ગને પાછળ છોડી દીધા
આદર્શ હિરેમઠ, બ્રેન્ડન ફૂડી અને સૂર્યા મિધા
સિલિકૉન વૅલીમાં બે ભારતીય મૂળના અમેરિકનો અને એક અમેરિકન એમ ૩ મિત્રો આદર્શ હિરેમઠ, સૂર્યા મિધા અને બ્રેન્ડન ફૂડી માત્ર બાવીસ વર્ષની ઉંમરે જ સેલ્ફ-મેડ અબજોપતિ બન્યા છે અને તેમણે આટલી નાની ઉંમરે ૧૦ અબજ ડૉલરની કંપની બનાવીને બિલ્યન ડૉલર ક્લબમાં પ્રવેશ્યા છે. મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ કરતાં પણ નાની ઉંમરે અબજોપતિ બનેલા આ ત્રણેય યુવાનો નવી પેઢી માટે પ્રેરણા બની ગયા છે. ઝકરબર્ગ ૨૦૦૮માં ૨૩ વર્ષની ઉંમરે અબજોપતિ બન્યા હતા.
કૉલેજ છોડ્યાના થોડા મહિના પછી અબજોપતિ બની ગયેલા આ મિત્રોનું સ્ટાર્ટઅપ મર્કોર હવે વિશ્વની સૌથી મોટી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે, એમને એમનાં મૉડલોને તાલીમ આપવામાં મદદ કરી રહ્યું છે. બ્રેન્ડન ફૂડી મર્કોરનો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) છે અને આદર્શ હિરેમઠ ચીફ ટેક્નિકલ ઑફિસર (CTO) છે, જ્યારે સૂર્યા મિધા બોર્ડ ચૅરમૅન છે.
ADVERTISEMENT
ત્રણ મિત્રોના આ સ્ટાર્ટ-અપે તાજેતરમાં ૩૫૦ મિલ્યન ડૉલર (આશરે ૨૯૦૦ કરોડ રૂપિયા) એકઠા કર્યા હતા અને આ સાથે મર્કોરનું મૂલ્ય ૧૦ બિલ્યન ડૉલર (આશરે ૮૩,૦૦૦ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું છે, જે આ ત્રણેય સ્થાપકોને તેમના હિસ્સાથી અબજોપતિ બનાવે છે.
મર્કોર એક અમેરિકન સ્ટાર્ટઅપ છે જે સિલિકૉન વૅલીની સૌથી મોટી AI કંપનીઓને એમનાં મૉડલોને તાલીમ આપવામાં મદદ કરે છે. એની સ્થાપના ૨૦૨૩માં બ્રેન્ડન ફૂડી, આદર્શ હિરેમઠ અને સૂર્યા મિધા દ્વારા કરવામાં આવી હતી. મર્કોરે શરૂઆતમાં ભારતીય એન્જિનિયરોને અમેરિકન કંપનીઓ સાથે જોડવાનો હેતુ રાખ્યો હતો. તેમણે એક પ્લૅટફૉર્મ બનાવ્યું જ્યાં ઉમેદવારો AI અવતાર સાથે ઇન્ટરવ્યુ લઈ શકે. બાદમાં કંપનીએ ડેટા લેબલિંગ વ્યવસાય શરૂ કર્યો, જે નિષ્ણાતોને જોડતો હતો જે AIને તાલીમ આપવામાં મદદ કરે છે. આજે મર્કોરની વાર્ષિક આવક ૫૦૦ મિલ્યન ડૉલર સુધી પહોંચી ગઈ છે.
ત્રણેય મિત્રો થિએલ ફેલોશિપના સભ્યો છે. એ એક એવો પ્રોગ્રામ છે જે કૉલેજ છોડી દેનારા અને કંઈક મોટું કરવા માગતા યુવાનોને ૧,૦૦,૦૦૦ ડૉલરની સહાય આપે છે. ત્રણેય યુવાનો ટેક બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારોમાંથી આવે છે અને બાળપણથી જ ટેક્નૉલૉજીમાં રસ ધરાવતા હતા.
સૂર્યા મિધા અને આદર્શ હિરેમઠ બન્નેએ કૅલિફૉર્નિયાના સૅન હોઝમાં ઑલ-બૉય્ઝ સેકન્ડરી સ્કૂલ, બેલાર્માઇન કૉલેજ પ્રિપરેટરીમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેઓ ડિબેટ ટીમમાં સાથે હતા. આ બન્ને એક જ વર્ષમાં ત્રણેય રાષ્ટ્રીય નીતિ ચર્ચા ટુર્નામેન્ટ જીતનાર ઇતિહાસમાં પ્રથમ જોડી બન્યા હતા.
સૂર્યા મિધા બીજી પેઢીનો ઇમિગ્રન્ટ છે. તેનાં મમ્મી-પપ્પા નવી દિલ્હીથી અમેરિકા ગયાં હતાં. તેનો જન્મ માઉન્ટેન વ્યુમાં થયો હતો અને ઉછેર કૅલિફૉર્નિયાના સૅન હોઝમાં થયો હતો.
હિરેમઠે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો અને મર્કોર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કૉલેજ છોડી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે ‘જો હું મર્કોરમાં કામ ન કરતો હોત તો મેં થોડા મહિના પહેલાં જ કૉલેજ પૂરી કરી હોત. મર્કોરે મારા જીવનમાં આટલા ટૂંકા ગાળામાં મોટો ફેરફાર કર્યો છે.’


