અગાઉ બે ભેંસ મરી ગઈ હોવા છતાં ઇન્શ્યૉરન્સનો એક પણ રૂપિયો ન મળ્યો હોવાનો આરોપ મૂકીને ખેડૂતે કર્યું અનોખું વિરોધ-પ્રદર્શન
બૅન્કની બ્રાન્ચની બહાર ટ્રૅક્ટરમાં લવાયેલી મરેલી ભેંસ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ખેડૂત એક નૅશનલાઝ્ડ બૅન્કમાં મૃત્યુ પામેલી ભેંસ લઈને પહોંચ્યો હતો અને તાત્કાલિક વીમાના વળતરની માગણી કરી હતી. તેના આ અનોખા વિરોધ-પ્રદર્શનમાં સ્થાનિક ખેડૂતનેતાઓ અને રાજકીય પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘શનિવારે એક ખેડૂત ટ્રૅક્ટરમાં તેની મરેલી ભેંસ લઈને બૅન્કમાં પહોંચ્યો હતો અને ભેંસ સાથેના ટ્રૅક્ટરને બૅન્કની બહાર મૂકી દીધું હતું. તેની એવી માગણી હતી કે તેને ભેંસના ઇન્શ્યૉરન્સની રકમ વહેલી તકે આપવામાં આવે. એક બૅન્ક-અધિકારીએ તેને ખાતરી અપાવી હતી કે તેને વળતરની રકમ એક મહિનામાં મળી જશે. બૅન્ક પાસેથી લેખિતમાં ખાતરી મેળવ્યા પછી ખેડૂત શાંત થયો હતો અને તેની ભેંસ લઈને પાછો ગયો હતો.
ADVERTISEMENT
શું હતી ઘટના?
પાલઘરના મોખાડા તાલુકામાં આવેલા ટાકપાડા ગામમાં રહેતા એક ખેડૂત-પશુપાલક નવસુ દિઘાએ ૨૦૨૨માં ૧૨ લાખ રૂપિયાની લોન લઈને ૧૦ ભેંસ ખરીદી હતી. પશુપાલકે એવો દાવો કર્યો હતો કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેની બે ભેંસ મરી ગઈ હતી અને પશુઓનો વીમો લેવા છતાં તેને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. આ જ કારણે આ વખતે તેણે ભેંસના મૃતદેહને બૅન્કની શાખામાં લઈ જવાનું નક્કી કર્યું હતું એટલે શનિવારે તે એક ટ્રૅક્ટરમાં મરેલી ભેંસ લઈને બૅન્કની શાખાએ પહોંચ્યો હતો અને વાહન ત્યાં જ રહેવા દીધું હતું.


