બેઉ શંકાસ્પદોની ૪.૩૩ કરોડની સંપત્તિ પણ જપ્ત
પ્રતીકાત્મક તસવીર
ઇટલીના વેરોના પ્રાંતમાં ભારતથી લાવવામાં આવેલા ૩૩ ખેતકામદારોને ગુલામ બનાવવાના કેસમાં બે ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. થોડાં અઠવાડિયાં પહેલાં જ એક ખેતરમાં કામ કરી રહેલા સિખ ખેતમજૂરના કરુણ મૃત્યુની ઘટનાથી દેશમાં આઘાત ફેલાયો હતો એ પછી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી
આ કેસમાં ઇટલીની ફાઇનૅન્સ પોલીસે શકમંદોની આશરે ૪,૭૫,૦૦૦ યુરો (આશરે ૪.૩૩ કરોડ રૂપિયા)ની સંપત્તિ જપ્ત કરી છે. તેઓ બે કૃષિ ક્ષેત્રની કંપનીના માલિક છે અને કંપનીના ચોપડે તેમણે એક પણ કર્મચારી દર્શાવ્યો નથી અને કથિત રીતે તેઓ ટૅક્સની ચોરી કરી રહ્યા છે. આ સંદર્ભમાં ઇટાલિયન પોલીસે જણાવ્યું હતું કે આ કથિત ગૅન્ગમાસ્ટરોની શનિવારે ધરપકડ કરાઈ હતી અને તેમની સામે ગુલામી અને મજૂરોના શોષણ જેવા ગુનાસર તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ઇટલીમાં ગાજ્યો હતો સતનામ સિંહના કરુણ મૃત્યુનો કેસ
ઇટલીમાં આધુનિક સ્વરૂપના ગુલામીનો કેસ ૩૧ વર્ષના સતનામ સિંહ નામના ખેતમજૂરના કરુણ મૃત્યુ બાદ ગાજ્યો હતો. તે રોમ પાસે લેઝિયોમાં સ્ટ્રૉબેરીઝના ફાર્મમાં કામ કરતો હતો અને સ્ટ્રૉબેરી રૅપિંગ મશીનમાં તેનો હાથ કપાઈ ગયા બાદ તેના માલિકે તેને તરછોડી દીધો હતો. ખૂબ જ લોહી વહી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ૨૬ જૂને ભારતે ઇટલીને સતનામ સિંહના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એ સમયે ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ કહ્યું હતું કે દેશમાં કામ કરી રહેલા હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સમાંથી એક સતનામ સિંહ અમાનવીય કૃત્યનો ભાગ બન્યો છે, આવું અમાનવીય કૃત્ય ઇટલીના લોકો ન કરી શકે, મને આશા છે કે આ બર્બરતા માટે સખત સજા કરવામાં આવશે.

