૪.૬૬ કરોડ રૂપિયાના રોકાણની જરૂર નથી, ૨૩.૩૦ લાખની ફી ચૂકવીને મળી જશે : આ કાયમી વીઝા રહેશે : વીઝાધારક પરિવારને પણ બોલાવી શકશે; ઘરનોકરો, ડ્રાઇવર્સ અને સહાયકોને પણ બોલાવી શકશે; UAEમાં બિઝનેસ પણ કરી શકશે
UAE હવે નવા પ્રકારના ગોલ્ડન વીઝા આપશે
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) જવા માગતા ભારતીયો માટે UAEએ ખાસ ગોલ્ડન વીઝા પ્રોગ્રામ રજૂ કર્યો છે. આ નવા પ્રકારના ગોલ્ડન વીઝા ફક્ત નૉમિનેશન પર આધારિત છે અને એના માટે કોઈ પણ વ્યવસાય કે મિલકતમાં મોટા રોકાણની જરૂર નથી.
અત્યાર સુધી ભારતીયો માટે ગોલ્ડન વીઝા મેળવવાની એક રીતમાં UAEમાં બિઝનેસ અથવા ઓછામાં ઓછા ૪.૬૬ કરોડ રૂપિયા (૨૦ લાખ UAE દિરહામ)ની કિંમતની મિલકતમાં મોટા રોકાણની જરૂર હતી. જોકે નવી નૉમિનેશન-આધારિત વીઝાનીતિ ભારતીયોને માત્ર એક લાખ UAE દિરહામ (આશરે ૨૩.૩૦ લાખ રૂપિયા)ની ફી ચૂકવીને આ ગલ્ફ રાષ્ટ્રનો ગોલ્ડન વીઝા મેળવવાની મંજૂરી આપે છે.
ADVERTISEMENT
પાઇલટ પ્રોજેક્ટ શરૂ
આ વીઝા હાલમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે ફક્ત ભારત અને બંગલાદેશ માટે શરૂ કરવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં આશરે પાંચ હજારથી વધુ ભારતીયો નવી અરજી કરે એવી શક્યતા છે.
રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને ટોચના વિદ્યાર્થીઓ ઉપરાંત ગોલ્ડન વીઝા હવે વૈજ્ઞાનિકો, એક્ઝિક્યુટિવ્ઝ, ફ્રન્ટલાઇન વર્કરો, શાળાના શિક્ષકો, આચાર્યો અને યુનિવર્સિટી ફૅકલ્ટી, ૧૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતી નર્સો, યુટ્યુબર્સ, પૉડકાસ્ટર્સ અને કન્ટેન્ટ ક્રીએટર્સ, પચીસ વર્ષથી વધુ ઉંમરના માન્યતા પ્રાપ્ત ઈ-સ્પોર્ટ્સ પ્રોફેશનલ અને લક્ઝરી યૉટમાલિકો અને મૅરિટાઇમ એક્ઝિક્યુટિવ્ઝને UAEમાં આવવા માટે આમંત્રિત કરે છે.
નવી વીઝાયોજનાના ફાયદા શું છે?
નવી વીઝા યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ પ્રૉપર્ટી-આધારિત ગોલ્ડન વીઝાથી અલગ છે, કારણ કે જો પ્રૉપર્ટી વેચાઈ જાય અથવા વિભાજિત થઈ જાય તો ગોલ્ડન વીઝા સમાપ્ત થઈ જાય છે; પણ જે કોઈ નૉમિનેશન-આધારિત વીઝા મેળવે છે એ કાયમ માટે રહેશે. નૉમિનીઓને તેમના પરિવારોને દુબઈ લાવવાની અને તેમના વીઝાના આધારે ઘરનોકરો અને ડ્રાઇવરો રાખવાની પણ મંજૂરી આપવામાં આવશે. તેઓ અહીં કોઈ પણ બિઝનેસ અથવા બિઝનેસ સંબંધિત કામ કરી શકે છે.
નો ક્રિપ્ટોકરન્સી રોકાણ
આ સુવિધા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે નથી. UAEએ સ્પષ્ટ કર્યું છે કે ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને ગોલ્ડન વીઝા આપવામાં નહીં આવે.

