રશિયામાં છેક ૪૦૦૦ કિલોમીટર અંદર સુધી જઈને યુક્રેનના ડ્રોને Tu-95 અને Tu-22 M3 લૉન્ગ રેન્જ બૉમ્બર્સ સહિતનાં કુલ ૪૦ રશિયન બૉમ્બર વિમાનોને ડૅમેજ કરીને ૭ અબજ ડૉલરનું નુકસાન પહોંચાડ્યાનો દાવો
એક કમાન્ડથી તમામ ટ્રકોની છત ફાટીને એમાંથી વિસ્ફોટક ભરેલાં ડ્રોને ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.
રશિયા પાસે S-400 જેવી સશક્ત ઍર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં યુક્રેન આ કારનામું કઈ રીતે કરી શક્યું? યુક્રેને ટ્રોજન-હૉર્સ રણનીતિ અપનાવીને રશિયામાં માલવાહક ટ્રકો દ્વારા એનાં ડ્રોન રશિયામાં અંદર સુધી પહોંચાડી દીધાં હતાં અને પછી ૩૦ જ સેકન્ડમાં એકસાથે ડ્રોન્સ નિર્ધારિત લક્ષ્યો પર તૂટી પડ્યાં હતાં : નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે પણ આ ઑપરેશનમાંથી શીખીને દુશ્મનો પર નજર રાખવાની રણનીતિ ઘડવી ઘડવાનો સમય આવી ગયો છે
૩ વર્ષથી ચાલી રહેલા યુક્રેન-રશિયા યુદ્ધમાં પહેલી વાર યુક્રેને પહેલી જૂને રશિયાની ઍરફોર્સ પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે અને એને સૌથી આક્રમક હુમલો માનવામાં આવે છે. યુદ્ધનિષ્ણાતોના મતે આ હુમલાએ બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલા પર્લ હાર્બર હુમલાની યાદ દેવડાવી છે. ‘ઑપરેશન સ્પાઇડર વેબ’ના નામથી કરવામાં આવેલા આ હુમલામાં યુક્રેને માત્ર ૫૦૦થી ૬૦૦ ડૉલર (આશરે ૪૨,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા)માં તૈયાર થયેલાં FPV (ફર્સ્ટ પર્સન વ્યુ) ડ્રોનથી રશિયાને આશરે ૭ અબજ ડૉલર (આશરે ૫૯,૭૫૦ કરોડ રૂપિયા)નું નુકસાન કર્યું હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. આ ઑપરેશનની સફળતાથી યુદ્ધમાં યુક્રેનનો હાથ મજબૂત થયો હોવાનું માનવામાં આવે છે. સશક્ત S-400 ઍર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં યુક્રેને ચકમો આપીને વિસ્ફોટક ભરેલાં ડ્રોન રશિયાની અંદર પહોંચાડી દીધાં હતાં.
ADVERTISEMENT
રોડમાર્ગે ડ્રોન પહોંચાડ્યાં
યુક્રેન જાણે છે કે સરહદી હવાઈ ક્ષેત્રમાં રશિયાનું હવાઈ સંરક્ષણ ખૂબ જ મજબૂત છે. આવી સ્થિતિમાં સરહદી વિસ્તારમાંથી હુમલા માટે રશિયન ઍરબેઝ પર મોટી સંખ્યામાં ડ્રોન ઉડાડીને રશિયાની અંદર હુમલો કરવાનું કેટલું કઠિન છે એ ગત વર્ષોમાં યુક્રેન સમજી ચૂક્યું હતું. આવી સ્થિતિમાં સીમાની બહારથી ડ્રોનનો હુમલો કરવો લગભગ અશક્ય હોવાથી યુક્રેને રશિયાની અંદર જઈને ડ્રોન સક્રિય થાય એવી યુક્તિ શોધી હતી. આ માટે યુક્રેનિયન ગુપ્તચર એજન્સીએ રશિયાના પાંચ અલગ-અલગ પ્રાંતોમાં રોડમાર્ગે મોટી સંખ્યામાં ટ્રક મોકલી હતી. આ ટ્રકોમાં ફૉલ્સ સીલિંગ તૈયાર કરીને એમાં સ્વૉર્મ ડ્રોન છુપાવ્યાં હતાં. આ ડ્રોન બૉમ્બ અને અન્ય વિસ્ફોટક સામગ્રીથી સજ્જ હતાં. રશિયાની સરહદ-પોલીસને મૂર્ખ બનાવીને યુક્રેને આ ટ્રકો રશિયાનાં ચાર વ્યૂહાત્મક ઍરબેઝની ખૂબ જ નજીકમાં પાર્ક કર્યાં હતાં.
ટ્રકોમાં ફૉલ્સ સીલિંગ તૈયાર કરીને આ રીતે ડ્રોન છુપાવ્યાં હતાં.
આટલું અનોખું નામ કેમ?
યુક્રેનની લશ્કરી ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું કે ‘ઑપરેશન સ્પાઇડર વેબ અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ છે. આ ઑપરેશન માટે ૧૮ મહિનાથી તૈયારી ચાલતી હતી. રશિયામાં જે ઍરપોર્ટ પર હુમલો કરવાનો હતો ત્યાં ઘણાં નાનાં ડ્રોન કરોળિયાનાં જાળાંની જેમ ફેલાયેલાં હતાં. પહેલી જૂને લશ્કરી સિગ્નલ મળ્યા બાદ રિમોટનો ઉપયોગ કરીને દૂરથી ટ્રકોની છત ખોલીને સ્વૉર્મ ડ્રોને રશિયન ઍરબેઝ પર ઊભેલાં વ્યૂહાત્મક બૉમ્બરો પર હુમલો કર્યો હતો.’
રશિયાએ શું જણાવ્યું?
રશિયાએ આને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને રશિયાએ સ્વીકાર્યું હતું કે યુક્રેને કરેલા હુમલામાં પાંચ લશ્કરી ઍરફીલ્ડને અને ઘણાં વિમાનોને નુકસાન થયું છે. આ હુમલાઓમાં કોઈ સૈનિક ઘાયલ થયો કે મૃત્યુ પામ્યો નથી. રશિયાએ કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.
ડ્રોનના હુમલાથી ઍરબેઝ પરનાં વિમાનો ડૅમેજ થયાં.
રશિયાને કેટલું નુકસાન?
આ હુમલામાં વ્યૂહાત્મક Tu-95 અને Tu-22 M3 લૉન્ગ રેન્જ બૉમ્બર્સ અને A-50 અવાક્સ સહિત કુલ ૪૦ રશિયન બૉમ્બર ઍરક્રાફ્ટને નુકસાન થયું હતું. આ સંકલિત હુમલા હજારો કિલોમીટર દૂર ફેલાયેલા હતા જેમાં મૉસ્કો પાસેના ઍરબેઝથી લઈને ઈસ્ટર્ન સાઇબીરિયા અને ફારઈસ્ટના પ્રાંતમાં કરવામાં આવ્યા હતા. આ સિવાય યુક્રેને રશિયાના પરમાણુ સબમરીન બેઝ નજીક પણ હુમલો કર્યો હતો અને કુર્સ્ક તથા બ્રાયન્સ્ક વિસ્તારમાં બૉમ્બ ફેંક્યા અને રશિયાના રેલવે-પુલને તોડી નાખ્યો જેને કારણે બે મોટા ટ્રેન-અકસ્માતો થયા હતા.
એકસાથે પાંચ જગ્યાએ ડ્રોનથી ધમાકા થયા હતા.
દુનિયામાં પહેલી વાર આવી કામગીરી
યુક્રેનના સંરક્ષણ વિશ્લેષક સરાઈ કુઝાને જણાવ્યું હતું કે ‘આજ સુધી આખી દુનિયામાં ક્યારેય આવી ગુપ્તચર કામગીરી થઈ નથી. આ બધાં ડ્રોન લાંબા અંતરના હુમલા કરવા સક્ષમ હતાં. ફક્ત ૧૧૭ ડ્રોનથી રશિયાને મહત્તમ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ નુકસાનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.’
ફરી સક્ષમ બનવું મુશ્કેલ
યુક્રેનિયન લશ્કરી બ્લૉગર ઍલેક્ઝૅન્ડર કોવાલેન્કોએ કહ્યું હતું કે ‘જો બૉમ્બર્સ અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ઍરક્રાફ્ટનો નાશ ન થયો હોય તો પણ એની અસર ખૂબ મોટી છે. આ નુકસાન એટલું મોટું છે કે રશિયન લશ્કરી-ઔદ્યોગિક સંકુલ માટે વર્તમાન પરિસ્થિતિમાં ભવિષ્યમાં તેમને ફરીથી બનાવવામાં સક્ષમ બનવું મુશ્કેલ લાગે છે.’
જાણો શું હતો પર્લ હાર્બર હુમલો?
૧૯૪૧ના ડિસેમ્બર મહિનામાં પર્લ હાર્બર હુમલો બીજા વિશ્વયુદ્ધની ખૂબ મોટી ઘટના હતી. જપાને સવારે ૭.૪૮ વાગ્યે અચાનક હુમલો કર્યો. આ હુમલો હવાઈ ટાપુના ઓહુસ્થિત અમેરિકન નેવીના પર્લ હાર્બર બેઝ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જપાની નૌકાદળનાં ૧૭૭ વિમાનોએ બેઝને નિશાન બનાવ્યો હતો. જપાનનો ઉદ્દેશ અમેરિકન નેવીના પૅસિફિક ફ્લીટને મોટું નુકસાન પહોંચાડવાનો હતો. પહેલા હુમલામાં જપાને હૅન્ગરો પર બૉમ્બ ફેંક્યા અને પાર્ક કરેલાં વિમાનોને નિશાન બનાવ્યાં. બંદરમાં હાજર અમેરિકન યુદ્ધજહાજો પર પણ ટૉર્પીડોથી ગોળીબાર કરવામાં આવ્યો. હુમલાની પ્રથમ પાંચ મિનિટમાં ચાર મોટાં યુદ્ધજહાજોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જેમાં યુએસએસ ઓક્લાહોમા અને યુએસએસ ઍરિઝોનાનો સમાવેશ થાય છે. થોડા સમય પછી ઍરિઝોનામાં દારૂગોળાના ડેપો પર બૉમ્બ પડ્યો હતો જેને કારણે જહાજ ડૂબી ગયું અને ૧૧૭૭ ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
‘ટ્રોજન-હૉર્સ’ રણનીતિ શું છે?
ગ્રીક પૌરાણિક કથાઓમાં લાકડાના વિશાળ ઘોડા અથવા તો ટ્રોજન હૉર્સનો ઉલ્લેખ છે. આ લાકડાનો ઘોડો અંદરથી ખોખલો હતો જેની અંદર સૈનિકો છુપાયેલા હતા. તેઓ છેતરપિંડીથી ટ્રોજન શહેરમાં પ્રવેશ્યા હતા અને શહેરને કબજે કરી લીધું હતું.
રશિયા અને યુક્રેન ૬૦૦૦ સૈનિકોના મૃતદેહોની કરશે અદલાબદલી
માત્ર એક કલાક ચાલી વાટાઘાટો, યુદ્ધવિરામ પર સહમતી નહીં
યુદ્ધવિરામ પર સહમતી નહીં રશિયા અને યુક્રેન વચ્ચે ટર્કીમાં ગઈ કાલે યોજાયેલી શાંતિ-વાટાઘાટોમાં બન્ને દેશોએ ૬૦૦૦ સૈનિકોના મૃતદેહોની આપ-લે કરવા પર સહમતી દર્શાવી છે. આ નિર્ણય માનવતાવાદી દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સંપૂર્ણ યુદ્ધવિરામ વિશે કોઈ સહમતી થઈ નથી. બન્ને દેશો વચ્ચે માત્ર એક કલાક સુધી ચર્ચા થઈ હતી. યુક્રેન તરફથી બિનશરતી યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને રશિયાએ નકારી દીધો હતો. રશિયાએ એના બદલે સીમાવર્તી વિસ્તારોમાં ૨-૩ દિવસના આંશિક યુદ્ધવિરામની ઑફર કરી છે, જેનો ઉદ્દેશ મૃતદેહોની શોધ અને પુનઃપ્રાપ્તિ માટે સમય આપવાનો છે. આ બેઠકમાં બન્ને પક્ષોએ ગંભીર રીતે ઘાયલ અને યુવાન કેદીઓની મુક્તિ માટે નવા કેદી-વિનિમયની યોજના પર પણ ચર્ચા કરી.

