Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સતત મહિનાઓ સુધી CIAએ ખામેનેઈને ટ્રૅક કર્યા હતા, ઈરાનના સુપ્રીમોને મારવા ૧ મિનિટમાં ૩૦ બૉમ્બ ફેંક્યા

સતત મહિનાઓ સુધી CIAએ ખામેનેઈને ટ્રૅક કર્યા હતા, ઈરાનના સુપ્રીમોને મારવા ૧ મિનિટમાં ૩૦ બૉમ્બ ફેંક્યા

Published : 02 March, 2026 08:56 AM | Modified : 02 March, 2026 08:56 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિલિટરીના અધિકારીઓ મોહમ્મદ પાકપુર ઍડમિરલ અલી શમખાની, અલી ખામેનેઈનાં દીકરી-જમાઈ, દીકરાવહુ અને પૌત્રીનાં પણ મૃત્યુ

૨૮ ફેબ્રુઆરીએ સવારે ૯.૪૦ વાગ્યે તેહરાનની ઑફિસ પર થયેલા બૉમ્બમારામાં અલી ખામેનેઈ સહિત ટોચના ઈરાનના નેતાઓ મૃત્યુ પામ્યા હતા.

૨૮ ફેબ્રુઆરીએ સવારે ૯.૪૦ વાગ્યે તેહરાનની ઑફિસ પર થયેલા બૉમ્બમારામાં અલી ખામેનેઈ સહિત ટોચના ઈરાનના નેતાઓ મૃત્યુ પામ્યા હતા.


શનિવારે ટોચના અધિકારીઓ સાથે તેહરાનની ઑફિસમાં મીટિંગની બાતમી પાક્કી થતાં ઇઝરાયલના સમય મુજબ સવારે ૬ વાગ્યે જેટે ઉડાન ભરી, તેહરાનના સમય મુજબ સવારે ૯.૪૦ વાગ્યે મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ  મિલિટરીના અધિકારીઓ મોહમ્મદ પાકપુર ઍડમિરલ અલી શમખાની, અલી ખામેનેઈનાં દીકરી-જમાઈ, દીકરાવહુ અને પૌત્રીનાં પણ મૃત્યુ 

ઇઝરાયલની ‘ઑપરેશન રોરિંગ લાયન’ અને અમેરિકાની ‘ઑપરેશન એપિક ફ્યુરી’ નામની સુનિયોજિત સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈનું શનિવારે ૨૮ ફેબ્રુઆરીએ વહેલી સવારે મૃત્યુ થયું હતું. આ એક હત્યા બાદ મિડલ ઈસ્ટનું રાજકીય સમીકરણ કાયમ માટે બદલાઈ ગયું છે.



અમેરિકાની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) મહિનાઓથી ખામેનેઈ પર નજર રાખી રહી હતી તથા તેમનાં સ્થાનો, ગતિવિધિઓ અને પૅટર્ન વિશે સતત જાણકારી મેળવી રહી હતી. પછી એ તેમનો ખાતમો કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. સમાચાર મળ્યા કે શનિવારે સવારે તેહરાનના મધ્યમાં આવેલા એક પરિસરમાં ટોચના ઈરાની અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને સર્વોચ્ચ નેતા ખામેનેઈ પોતે પણ એમાં હાજર રહેશે. આ માહિતી ઇઝરાયલને સીધી પહોંચાડવામાં આવી હતી.


અમેરિકા અને ઇઝરાયલી સરકારોએ મૂળરૂપે રાત્રે અંધારાની આડમાં હુમલો કરવાની યોજના બનાવી હતી, પણ નવી ગુપ્ત માહિતીએ એ ગણતરીને સંપૂર્ણપણે બદલી નાખી. બન્ને સરકારોએ આ નવા મળેલા સમયનો લાભ લેવા માટે હુમલાના સમયને બદલવાનો નિર્ણય લીધો હતો. ખામેનેઈના ટોચના સહાયકો સાથે બેઠક ચાલી રહી હોય ત્યારે હુમલો કરવાથી તેમના ભાગી જવાની અથવા સ્થળાંતર કરવાની શક્યતા ઓછી છે. આમ આવા હાઈ-વૅલ્યુ ટાર્ગેટ માટે સમય બદલવામાં આવ્યો હતો.

ઇઝરાયલના સમય મુજબ સવારે ૬ વાગ્યે ઇઝરાયલી ઠેકાણાંઓ પરથી જેટ વિમાનોએ ઉડાન ભરી હતી. બે કલાક પાંચ મિનિટ પછી તેહરાનના સમય મુજબ સવારે ૯.૪૦ વાગ્યે લૉન્ગ રેન્જ મિસાઇલોએ એ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો હતો જ્યાં ઈરાની રાષ્ટ્રીય સુરક્ષાના વરિષ્ઠ અધિકારીઓ ખામેનેઈ સાથે બેઠક કરી રહ્યા હતા. આમ આ હુમલાની કાર્યવાહી બે કલાક પાંચ મિનિટ ચાલી હતી.


હુમલો કેવી રીતે થયો?

હુમલો કરવામાં અમેરિકન મિસાઇલો, ડ્રોન અને ઇઝરાયલી ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં અમેરિકાનાં યુદ્ધજહાજોએ ટોમાહૉક ક્રૂઝ મિસાઇલો લૉન્ચ કરી હતી, અમેરિકન સેનાએ HIMARS લૉન્ચર્સ તહેનાત કર્યાં હતાં અને ટાસ્ક ફોર્સ સ્કૉર્પિયન સ્ટ્રાઇકના ઓછા ખર્ચવાળા વન-વે અટૅક ડ્રોનનો ઉપયોગ પ્રથમ વખત યુદ્ધમાં કરવામાં આવ્યો હતો.

વાતચીત કરીને ગુમરાહ કર્યું

ટ્રમ્પે પાછળથી એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન ગુપ્તચર તંત્રોએ ખામેનેઈની ગતિવિધિઓને સફળતાપૂર્વક ટ્રૅક કરી હતી અને લખ્યું હતું કે તેઓ આપણી ગુપ્તચર અને અત્યંત અત્યાધુનિક ટ્રૅકિંગ સિસ્ટમ્સને ટાળી શક્યા નહોતા.

અમેરિકા અને ઈરાન વચ્ચે વાર્તાલાપ ચાલતો હોવાથી ઈરાનને કોઈ અંદેશો પણ નહોતો કે મંત્રણાની વચ્ચે અચાનક આવો હુમલો થશે. અમેરિકાની ગુપ્તચર એજન્સીના અહેવાલ મુજબ ખામેનેઈ શનિવારે સવારે ટોચના અધિકારીઓ સાથે ખામેનેઈની મીટિંગ હતી એટલે તેઓ તેમના બંગલાની નીચે આવેલા બંકરમાંથી બહાર આવીને ઑફિસમાં આવ્યા હતા.

તેહરાન કમ્પાઉન્ડની જાણકારી

જે તેહરાન કમ્પાઉન્ડને નિશાન બનાવવામાં આવ્યું હતું એ કોઈ સામાન્ય સ્થળ નહોતું. એમાં ઈરાની પ્રેસિડન્ટ, સર્વોચ્ચ નેતા ખામેનેઈ પોતે અને ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં કાર્યાલયો હતાં. આમ આ કમ્પાઉન્ડ અસરકારક રીતે ઇસ્લામિક રિપબ્લિકનું નર્વ સેન્ટર હતું.

ઇઝરાયલે અંદાજ લગાવ્યો હતો કે આ બેઠકમાં ભેગા થનારાઓમાં ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુર, સંરક્ષણપ્રધાન અઝીઝ નાસિરઝાદેહ, લશ્કરી પરિષદના વડા અને ખામેનેઈના સિનિયર સલાહકાર ઍડ્મિરલ અલી શામખાની, IRGC ઍરોસ્પેસ ફોર્સના કમાન્ડર સૈયદ માજિદ મૌસાવી, નાયબ ગુપ્તચર પ્રધાન મોહમ્મદ શિરાઝી અને અન્ય લોકોનો સમાવેશ થશે. આ બધા માર્યા ગયા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખામેનેઈની દીકરી, પૌત્ર, પુત્રવધૂ અને જમાઈનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હતું.

ઈરાનની સીક્રેટ સર્વિસમાં મોસાદનો એજન્ટ

ઈરાને એના દેશમાં રહેલા ઇઝરાયલની ગુપ્તચર શાખા મોસાદના એજન્ટોને ટાર્ગેટ કરવા માટે એક યુનિટ બનાવ્યું હતું, પણ આ યુનિટનો હેડ ખુદ મોસાદનો એક ઑપરેટિવ નીકળ્યો હતો. તેની સાથે મોસાદના ૨૦ એજન્ટ હતા.

૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક

સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મૃત્યુની ટીવી પર જાણ કરનારા ન્યુઝ-ઍન્કરે આંખમાં આંસુઓ સાથે આ ન્યુઝ વાંચ્યા હતા. ઈરાનમાં ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

ડેડબૉડીની તસવીર

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ખામેનેઈની ડેડબૉડીની તસવીર મોકલવામાં આવી હતી, જે મોસાદના એજન્ટોએ મોકલી હતી.

હુમલાનો પ્રતીકાત્મક સમય

હુમલાઓનો સમય યહૂદી ધર્મમાં પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવે છે, કારણ કે એ બીજી માર્ચે પુરીમની યહૂદી હૉલિડે પહેલાં કરવામાં આવ્યા હતા. આ એક તહેવાર છે જે બુક ઑફ એસ્થરમાં યહૂદી લોકોનો નાશ કરવાના પર્શિયન કાવતરાને નિષ્ફળ બનાવવાની ઉજવણી કરે છે.

અલી ખામેનેઈના પૂર્વજો બારાબંકીના કિટૂર ગામના હતા

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના દાદા સૈયદ અહમદ મુસાવી ઉત્તર પ્રદેશના બારાબંકી પાસેના કિટૂર ગામના હતા. ૧૮૩૪માં તેઓ ઈરાનના ખુમૈન શહેરમાં જઈને વસ્યા હતા. અલી ખામેનેઈનો જન્મ ૧૯૩૯ની ૧૯ એપ્રિલે મશહદ શહેરમાં એક ધાર્મિક પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૭૯માં થયેલી ઇસ્લામી ક્રાન્તિના સૂત્રધાર હતા. ૧૯૮૧માં સદ્દામ હુસેનના નેતૃત્વમાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમ્યાન ખામેનેઈ ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. ૮૬ વર્ષના અલી ખામેનેઈના મૃત્યુથી ઈરાનમાં એક યુગનો અંત 
આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 08:56 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK