બાવીસ વર્ષની યુવતીની અટકાયત, પ્રેમસંબંધથી ગર્ભવતી બન્યાનો ખુલાસો
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટનમાં વાકોલાના યશવંતનગરમાં મૃત હાલતમાં મળેલા એક નવજાત શિશુના મુદ્દે વાકોલા પોલીસે બાવીસ વર્ષની યુવતીની શનિવારે અટકાયત કરી હતી. ૨૩ ફેબ્રુઆરીએ રાતે યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ તેની યોગ્ય સંભાળ રાખ્યા વિના તેને રસ્તે રઝળતું મૂકી દીધું હતું. રસ્તાની સાઇડમાં નવજાત શિશુ પડેલું હોવાની માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાળકને હૉસ્પિટલમાં લઈ જવાયું અને ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. એ દરમ્યાન સંબંધિત યુવતીની ઓળખ કરીને તેની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાકોલાના પોલીસ-ઇન્સ્પેક્ટર નારાયણ ગોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવજાત શિશુને હૉસ્ટિલમાં લઈ ગયા બાદ જાણવા મળ્યું હતું કે તેની યોગ્ય સંભાળ ન લેવામાં આવતાં તેનું મૃત્યુ થયું હતું. ગુપ્ત માહિતીના આધારે બાળકને જન્મ આપનાર મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન નજીકના ક્લિનિકની મદદથી અમે બાળકની મમ્મી સુધી પહોંચ્યા હતા. યુવતીએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી તે એક યુવક સાથે પ્રેમસંબંધ હતી જેમાં તે પ્રેગ્નન્ટ થઈ હતી. બાળક વિશે ઘરે જવાબ શું આપીશ એવા ડરથી તેણે બાળકને રસ્તા પર મૂકી દીધું હતું એવી તેણે કબૂલાત કરી હતી. આ કેસમાં વધુ પૂછપરછ કરી રહ્યા છીએ.’
