સામેથી જીપ આવતી જોઈને ટૂ-વ્હીલરે અચાનક બ્રેક મારી અને પિતા-પુત્રી પટકાયાં, પાછળથી આવતી કન્ટેનર ટ્રક નીચે કચડાઈ ગઈ દીકરી
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ મુંબઈના બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ (BPT) રોડ પર ઈસ્ટર્ન ફ્રીવેની નીચે મંગળવારે સવારે ૧૩ વર્ષની આયત બોરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આયત તેના પિતા અબ્દુલ બોરા સાથે ડોંગરીથી વડાલા તરફ મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે સામેની દિશામાંથી રૉન્ગ સાઇડમાં પોલીસની જીપ અચાનક આવી ચડતાં અકસ્માત થયો હતો. અબ્દુલ બોરાએ અચાનક બ્રેક મારતાં આયત અને તે બન્ને રોડ પર પટકાયાં હતાં. ત્યારે પાછળથી આવતી કન્ટેનર ટ્રકે આયતને કચડી નાખી હતી. આ મામલે શિવડી પોલીસે બન્ને ડ્રાઇવરો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
શિવડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પોલીસની જીપ સ્ટેટ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (SID) સાથે સંકળાયેલો કૉન્સ્ટેબલ શરદ મુકુંદે ચલાવી રહ્યો હતો. તે એક સિનિયર અધિકારીને મીટિંગ માટે લઈ જઈ રહ્યો હતો અને ટ્રાફિક ટાળવા માટે તેણે ખોટી દિશામાં જીપ ચલાવી હતી. આ દરમિયાન અબ્દુલ બોરાએ સામેથી આવતી જીપને જોઈને અચાનક બ્રેક મારી હતી જેને કારણે તેની બાઇકનું સંતુલન બગડ્યું હતું અને બન્ને રસ્તા પર પડ્યાં હતાં. આયત થોડી દૂર ફેંકાઈ હતી. ત્યારે પાછળથી આવતી કન્ટેનર ટ્રકનાં પૈડાં નીચે તે આવી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ગંભીર રીતે જખમી આયતને તાત્કાલિક KEM હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનામાં અબ્દુલ બોરાને સામાન્ય ઈજાઓ થઈ હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ્સ પરથી પોલીસની જીપ ખોટી સાઇડ પર ચાલી રહી હતી એ સ્પષ્ટ થયું છે. અમે કન્ટેનર ટ્રક જપ્ત કરી છે અને ટ્રક-ડ્રાઇવર તેમ જ કૉન્સ્ટેબલ શરદ મુકુંદે સામે ફરિયાદ નોંધી છે. હાલ કૉન્સ્ટેબલ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.’


