Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમારી સાથે તમારું ઓળખપત્ર હોવું શા માટે જરૂરી છે?

તમારી સાથે તમારું ઓળખપત્ર હોવું શા માટે જરૂરી છે?

Published : 10 April, 2026 07:09 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મલાડના હસમુખ ગડા ઘર પાસે જ રોડ-અકસ્માતમાં મૃત્યુ પામ્યા, પણ તેમની પાસે કોઈ આઇડેન્ટિટી કાર્ડ નહોતું એટલે તેમના પરિવારને મૃત્યુના સમાચાર છેક ૨૪ કલાક પછી મળ્યા

હસમુખ ગડા

હસમુખ ગડા


મલાડના ૪૬ વર્ષના હસમુખ ગડા મંગળવારે રાતે તેમના કારખાનાથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મલાડ-ઈસ્ટની શારદા વિદ્યાપીઠ પાસે બેફામ ડ્રાઇવિંગ કરી રહેલા એક ડિલિવરી-બૉયે તેમને મોટરબાઇકથી ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. ત્યાર પછી સારવાર માટે હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં વિધિની વિચિત્રતા એ છે કે હસમુખ ગડા પાસે કોઈ પણ જાતનું ઓળખપત્ર ન હોવાથી તેમના મૃત્યુના સમાચાર તેમના પરિવારને તેમના મૃત્યુના ૨૪ કલાક પછી મળ્યા હતા. દિંડોશી પોલીસે ૨૦ વર્ષના ડિલિવરી-બૉય દીપક ભોસલેની ધરપકડ કરી હતી. 

મલાડ-ઈસ્ટના દત્ત મંદિર રોડ પર રહેતા હસમુખ ગડા છેલ્લાં ઘણાં વર્ષોથી મલાડમાં જ ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં નોકરી કરતા હતા. મંગળવારે રાતના તેઓ તેમના કારખાના પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના ઘરથી સાવ જ નજીકમાં આવેલી શારદા વિદ્યા‌પીઠ પાસે કોઈ બાઇકરે ટક્કર મારીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. હસમુખ ગડા પાસે કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર નહોતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બાઇકર હસમુખ ગડાને પહેલાં નજીકની કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, પરંતુ રોડ-અકસ્માતનો કેસ હોવાથી પછી તેમને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાંના ડૉક્ટરોએ હસમુખ ગડાને મૃત જાહેર કર્યા હતા. 



આ બાબતની માહિતી આપતાં હસમુખ ગડાના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હસમુખનાં માતા-પિતા હયાત નથી. હસમુખ તેની પત્ની સંધ્યા અને પુત્રી દૃષ્ટિ સાથે શાંતિથી જીવન જીવી રહ્યો હતો. તે સવારે ૭ વાગ્યે નોકરીએ જતો અને રાતના ૧૧ વાગ્યે ઘરે આવતો હતો. અકસ્માત સમયે તેની પાસે કોઈ ઓળખપત્ર ન હોવાથી દિંડોશી પોલીસે પોસ્ટમૉર્ટમ કરાવીને તેનો મૃતદેહ હૉસ્પિટલના શબગૃહમાં રાખી દીધો હતો.’


અમારા માટે શૉકિંગ ન્યુઝ એ હતા કે હસમુખની પત્નીએ બનાવના ૨૪ કલાક બાદ બુધવારે રાતના ૮ વાગ્યે દહિસરમાં રહેતી હસમુખની બહેનને હસમુખ બે દિવસથી ઘરે આવ્યો નથી એ બાબતના સમાચાર આપ્યા હતા એમ જણાવીને રિલેટિવે કહ્યું હતું કે ‘સંધ્યા પાસેથી હસમુખ બે દિવસથી ઘરે પહોંચ્યો નથી એ સમાચાર મળતાં જ હસમુખનાં બહેન-બનેવી, કાકા અને પરિવારના અન્ય સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળ્યો નહોતો. આથી પરિવારના સભ્યો તેના ફોટો સાથે દિંડોશી પોલીસ-સ્ટેશનમાં હસમુખ ગુમ થયો હોવાની ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે પોલીસે તેના પરિવારને હસમુખના રોડ-અકસ્માતના આઘાતજનક સમાચાર આપ્યા હતા. બધી તપાસ કર્યા પછી પોલીસે ગઈ કાલે અમને હસમુખની ડેડ-બૉડી સોંપી હતી. સાંજના ૪ વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’

પોલીસ શું કહે છે?


દિંડોશી પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારીએ આ બનાવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હસમુખ રાતના ૮ વાગ્યાની આસપાસ તેના ઘર પાસેની શારદા વિદ્યાપીઠ પાસેથી ચાલીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે દીપક ભોસલેએ પાછળથી તેને ટક્કર મારી હતી. એને કારણે હસમુખના માથામાં જીવલેણ ઈજા થઈ હતી અને પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું. તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ રાતના ૧૧.૪૦ વાગ્યે શતાબ્દી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હસમુખ પાસે કોઈ ઓળખપત્ર ન હોવાથી અમે તેના પરિવારનો સંપર્ક કરી શક્યા નહોતા. જોકે બુધવારે રાતના ૧૦.૩૦ વાગ્યે તેના પરિવારના સભ્યો તેને શોધતાં-શોધતાં પોલીસ-સ્ટેશન આવ્યા ત્યારે અમે તેમને હસમુખના મૃત્યુની જાણકારી આપી હતી અને અંતિમ સંસ્કાર માટે ડેડ-બૉડી સોંપી હતી.’

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 07:09 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK