Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના રોકવા માટેની ૫૭ ટીમ છે ગાયબ

કોરોના રોકવા માટેની ૫૭ ટીમ છે ગાયબ

26 September, 2021 08:39 AM IST | Mumbai
Prakash Bambhrolia

મીરા-ભાઇંદર સુધરાઈએ બનાવેલી આ ટીમો બે મહિનાથી કશેય નથી દેખાતી અને કોરોનાના કેસ સતત વધી જ રહ્યા છે

કોરોના રોકવા માટેની ૫૭ ટીમ છે ગાયબ

કોરોના રોકવા માટેની ૫૭ ટીમ છે ગાયબ


મીરા-ભાઈંદરમાં કોરોનાવાઇરસને ફેલાતો રોકવા તેમ જ કોવિડના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા ૫૭ ટીમ બનાવવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૧માં આ ટીમ તહેનાત કરાયાના અમુક સમય સુધી જોડિયા નગરના પ્રત્યેક જંક્શન તેમ જ ભીડભાડવાળા વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરતી જોવા મળતી હતી. જોકે ફરી આ વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા બે મહિનાથી આવી ટીમો ક્યાંય દેખાતી નથી. ચોંકાવનારી વાત એ છે કે મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર પાસે આ ટીમો કામ કરે છે કે નહીં તેમ જ તેમણે કેટલી કાર્યવાહી કરી એના આંકડા જ નથી. 
મીરા-ભાઈંદરમાં મુંબઈની જેમ કોરોનાના કેસ મોટા પ્રમાણમાં આવતા હોવાથી આ વાઇરસના સંક્રમણને કાબૂમાં રાખવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ અહીંના તમામ છ પ્રભાગમાં આવેલાં જંક્શનો અને માર્કેટ સહિત લોકોની ગિરદી થતી હોય એવા વિસ્તારોમાં ફરીને કોવિડના નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ૫૭ ટીમની નિયુક્તિ કરી હતી. પ્રત્યેક ટીમમાં મહાનગરપાલિકાનો એક ક્લર્ક, સિપાઈ, સફાઈ કર્મચારી, સિક્યૉરિટી ગાર્ડ અને એક પોલીસ મળીને પાંચ લોકોનો સમાવેશ થાય છે. આ ટીમે વૉર્ડ ઑફિસરનો રિપોર્ટ કરવાનો હોય છે.


લૉકડાઉનના બીજા તબક્કામાં ધીમે-ધીમે પ્રતિબંધો દૂર કરવાની શરૂઆત થઈ હતી ત્યારે દુકાનો કે ઑફિસોનો સમય સાંજના ચાર વાગ્યા સુધીનો હતો. આ સમયે નિયમોનો ભંગ કરનારાઓ સામે નિયુક્ત કરાયેલી ટીમો દ્વારા વ્યાપક કાર્યવાહી કરાઈ હતી અને એનો દરરોજનો રિપોર્ટ પણ જાહેર કરાતો હતો. જોકે અહીં કોરોનાના કેસમાં ઘટાડો થવાની શરૂઆત થયા બાદથી આ ટીમો ગાયબ છે અને એમણે રિપોર્ટ આપવાનું પણ બંધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૨૧થી મીરા-ભાઈંદરમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા હતા. જોકે જ્યાં દરરોજ ૧૫થી ૨૫ કેસ નોંધાતા હતા એની સામે છેલ્લાં બે અઠવાડિયાંમાં ૩૫થી ૪૫ જેટલા કેસ સામે આવી રહ્યા હોવાથી કોરોનાનું જોખમ ડબલ થયું હોવા છતાં અને મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા નિયુક્ત કરાયેલી ટીમો પાછળ લાખો રૂપિયા ખર્ચ કરાતો હોવા છતાં એ દેખાતી નથી.
 

મેયરનું શું કહેવું છે?
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ ’મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમિશનરે નિયુક્ત કરેલી ટીમો ક્યાં અને કેવું કામ કરી રહી છે એની કોઈ માહિતી અમારી પાસે નથી. લોકોની પણ અમને ફરિયાદ મળી રહી છે કે કેસ વધી રહ્યા હોવા છતાં મહાનગરપાલિકા પ્રશાસન આંખ આડા કાન કરી રહી છે. આ બાબતની માહિતી કમિશનર પાસેથી મેળવીને જો આ ટીમો કામ ન કરતી હોય તો ફરી કામે લગાવવાના પ્રયાસ કરીશ. છેલ્લાં બે અઠવાડિયાંમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સાવધાની રાખવાની જરૂર છે.’
 
એપ્રિલથી કોવિડના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ૫૭ ટીમ બનાવાઈ હતી. આ ટીમોની જવાબદારી અહીંના વૉર્ડ અધિકારીને સોંપવામાં આવી હતી. બે મહિનાથી જો તેઓ કામ ન કરી રહી હોય અને કોઈ રિપોર્ટ ન આપતી હોય તો એની માહિતી મેળવવામાં આવશે. - દિલીપ ઢોલે, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર
Whatsapp-channel Whatsapp-channel

26 September, 2021 08:39 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK