ડૉક્ટર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અને એન્જિનિયર્સ સહિત ૭૦૦ જૈન યુવકોએ પાલિતાણામાં શત્રુંજય પર્વત પરથી કાઢ્યો ૭૦૦૦ કિલો પ્લાસ્ટિકનો કચરો: મુંબઈ અને દેશભરના જ નહીં; અમેરિકા, ચીન, જપાન, મલેશિયાના જૈનો પણ જોડાયા
રામપોળ પાસે ખીણમાં ઊતરીને નિર્માલ્ય ભેગું કરતા યુવા શ્રાવકો, ગિરિરાજ પરથી ઉતારીને ભેગો કરવામાં આવેલો કચરો.
શ્રી સમકિત યુવક મંડળ (SYM)-બોરીવલી છેલ્લાં ૨૦ વર્ષથી શ્રી શત્રુંજય સત્કાર મહોત્સવ ઊજવે છે જેનો મુખ્ય ઉદ્દેશ ગિરિરાજ પર જ્યાંત્યાં અને ખીણમાં પડેલી પ્લાસ્ટિકની બૉટલો, મીઠાઈનાં ખાલી બૉક્સ, ગંદાં ડાયપર, ચંપલ, મોજાં, ગુટકા-બિસ્કિટનાં ખાલી પાઉચ જેવા કચરાનો નિકાલ કરવાનો છે. એની સાથોસાથ તેઓ પાલિતાણામાં સ્થિરવાસ રહેતાં બીમાર, વૃદ્ધ સાધુ-સાધ્વીજી મહારાજને ડોળી વડે સિદ્ધગિરિની યાત્રા પણ કરાવે છે
સમૃદ્ધ પરિવારના ૧૪ વર્ષથી લઈને ૪૫-૫૦ વર્ષના સભ્યો હોંશે-હોંશે જોડાય છે ગિરિરાજ શુદ્ધીકરણના કાર્યમાં
ADVERTISEMENT
દર વર્ષે શિયાળામાં યોજાય છે ૪ દિવસનો અનોખો શ્રી શત્રુંજય સત્કાર મહોત્સવ
‘તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમે ચા પીરસો તો કદાચ મહેમાન ચા પીને કપ સિન્કમાં મૂકી દે પરંતુ ટિપાઈ પર પડેલો કપનો ડાઘ તો તમારે જ સાફ કરવો પડે, કારણ કે ઘર તમારું છે.’ આ દૃષ્ટાંત આપીને સમજાવતાં શ્રી સમકિત યુવક મંડળ-બોરીવલીના કાર્યકર નીરવ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘એ જ રીતે પવિત્ર ગિરિરાજ જૈનોના આરાધ્યદેવ આદેશ્વર દાદાનું નિવાસસ્થાન છે, કરોડો સિદ્ધોની ભૂમિ છે, એને સાફ કરવાની જવાબદારી કોની હોય?’
યસ, શ્રી સમકિત યુવક
મંડળ-બોરીવલી દર વર્ષે શિયાળામાં ૪ દિવસના શત્રુંજય સત્કાર કાર્યક્રમનું આયોજન કરે છે જેમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, ચેન્નઈ, હૈદરાબાદ, બૅન્ગલોર તો ખરાં જ પણ જપાન, મલેશિયા, અમેરિકા, લંડન કે ચીનમાં વસતા યુવાનો પણ જોડાય છે. હાઇલી એજ્યુકેટેડ, ઉચ્ચ પોસ્ટ પર કાર્યરત તેમ જ અતિશય સમૃદ્ધ પરિવારના ૧૪ વર્ષથી લઈને ૪૫થી ૫૦ વર્ષ સુધીના સભ્યો ગિરિરાજ શુદ્ધીકરણના કાર્યમાં હોંશે-હોંશે જોડાય છે, કારણ કે તેમને માટે વિમલાચલગિરિ પ્રાણથી પ્યારો છે.

ભૂખ અને તરસની પરવા કર્યા વિના ચારેય દિવસ સવારના સાડાછથી સાંજે સાડાચાર વાગ્યા સુધી યુવાનો ગિરિરાજના શુદ્ધીકરણના કાર્યમાં લાગી ગયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત કઈ રીતે થઈ? એના જવાબમાં સંસ્થાના મેમ્બર ઉર્વિલ વખારિયા કહે છે, ‘૨૧ વર્ષ પહેલાં જૈન શ્રાવક કલ્પેશ શાહ પાલિતાણાની યાત્રાએ આવ્યા હતા. એ વખતે તેમણે એન્વાયર્નમેન્ટ ક્લીનિંગના એક પ્રોજેક્ટ અંતર્ગત નજીકના શહેરની સ્કૂલના વિદ્યાર્થીઓને પર્વત પરથી પ્લાસ્ટિક જેવો કચરો ઉપાડતા જોયા. એ વખતે કલ્પેશભાઈને વિચાર આવ્યો કે જો બાળકો આ કાર્ય કરતાં હોય તો જૈનો કેમ નહીં? આખરે જૈનો માટે તો ફક્ત અહીંનાં દેરાસરો જ નહીં, આખો પર્વતરાજ વંદનીય અને પૂજનીય છે. એ પછી કલ્પેશભાઈએ આચાર્ય શ્રી મુક્તિવલ્લભસૂરિ અને આચાર્ય ઉદયવલ્લભસૂરિ મહારાજસાહેબને વાત કરી કે તમારી પાસે જૈન યુવકોની મોટી ટીમ છે, જો તેઓ આ કાર્ય ઉપાડી લે તો? ગુરુદેવને આ વાત ગમી ગઈ અને અમે તેમની પ્રેરણાથી ૨૦૦૬માં આ કાર્યની શરૂઆત કરી.’
મંડળના અન્ય સભ્ય કલ્પેશ શાહ કહે છે, ‘પહેલું વર્ષ તો અમારે માટે નવું હતું. ક્યાંથી કઈ રીતે કામ શરૂ કરવું એની કલ્પના નહોતી, પણ જેમ-જેમ આ કાર્ય કરતા ગયા એમ-એમ બહુ ઇન્ટેલિજન્ટ્લી કચરો કલેક્ટ થાય અને એનો નિકાલ થાય છે.’
આ આખી કામગીરી સમજાવતાં સમકિત યુવક મંડળના પીયૂષ શાહ કહે છે, ‘અમે ટોટલ યુવાનોને તેમના કૌશલ્ય અને ઉંમરના આધારે Aથી H એમ ૮ ટીમમાં વહેંચી દઈએ છીએ. એ દરેક ટીમમાં લગભગ ૪૫ યુવાનો હોય છે અને એક કો-ઑર્ડિનેટર હોય. ટીમ-A તળેટીથી લઈને ૧૨૦૦ પગથિયાં સુધી કાર્યરત રહે. ટીમ-B ૧૨૦૦થી ૨૪૦૦ અને ટીમ-C બાકીનાં પગથિયાંનો વિસ્તાર કવર કરે. દરેક ટીમના અડધા સભ્યો પગથિયાંની ડાબી બાજુએ અને અડધા જમણી બાજુએ જાય. સીડીથી લગભગ બેથી ત્રણ કિલોમીટર દૂર સુધી જઈ તેઓ ગિરિરાજ પર પડેલું નિર્માલ્ય લઈ આવે. એ પછી દરેક પ્રકારનો કચરો સૅગ્રિગેટ કરવામાં આવે, ઉપરથી નીચેનો કચરો ભેગો કરવામાં આવે અને અંતે બધો કચરો નીચે તળેટીમાં લવાય. એ ઉપરાંત એવા યુવાનો જેમને ટ્રેકિંગ, પર્વતારોહણનો અનુભવ હોય તેઓ પ્રોફેશનલ ટ્રેકરો સાથે ગિરિરાજના ઉપરના ભાગે આવેલી રામપોળ પાસે અને રાયણ પગલા પાછળની ઊંડી ખીણમાં કમરે દોરડાં બાંધીને ઊતરે અને ત્યાંથી પણ ઝીણા-ઝીણા ગુટકાનાં ખાલી પાઉચ સહિત થેલીઓ, બૉટલો વગેરે કચરો વીણીને પોતાની સાથે લઈ આવે.’
૧૨થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન યોજાયેલા ગિરિરાજના આ શુદ્ધીકરણમાં ૭૦૦૦ કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો હતો. હવે પ્રશ્ન એ થાય છે કે પર્વત ચડતાં પૂર્વે તળેટીમાં જ બૅગનું ચેકિંગ થાય છે, પ્લાસ્ટિકની થેલી આદિ વસ્તુઓ કઢાવી નખાય છે તો વર્ષ દરમ્યાન આટલોબધો કચરો થાય છે કઈ રીતે? એના જવાબમાં નીરવ શાહ કહે છે, ‘આપણી બેદરકારીથી અને સમજણના અભાવે. દરેક યાત્રાળુને શત્રુંજય તીર્થરાજ પ્રત્યે ભાવ હોય. ભગવાન, જિનાલય પ્રત્યે પણ અસીમ સ્નેહ હોય એટલે સાથિયા પર મૂકવા નૈવેદ્ય લાવ્યા અને બૉક્સ ત્યાં જ મૂકી દીધું. ભગવાનને ધૂપ કર્યું, ધૂપનું પૅકેટ ત્યાં જ મૂકી દીધું. એ રીતે અજાણતાં જ એ પ્રકારનું પૅકિંગ ત્યાં મૂકી દેવાય છે. પેઢી તેમ જ ભાવનગરના પ્રાર્થના જૈન યુવક મંડળના કાર્યકરો ફળ-નૈવેદ્ય વગેરેની ઉત્તમોત્તમ કાર્યવાહી કરે છે તેમ જ ગિરિરાજ પરના મોટી ટૂંક, નવ ટૂંકનાં જિનાલયોનું સમયાંતરે શુદ્ધીકરણ પણ થાય છે છતાં યાત્રાળુ જ્યાંત્યાં મોજાં મૂકી દે, પાણી પીને બૉટલનો ઘા કરે અને ખાસ તો ગંદાં થયેલાં બાળકોનાં ડાયપર પણ ગિરિરાજ પરથી નીચે લાવવાને બદલે પગથિયાંની આજુબાજુ નાખી દે છે. આવી દરેક વસ્તુનો યોગ્ય નિકાલ બહુ મોટો ટાસ્ક છે.’
મંડળની અન્ય ટીમો
સાધુ-સાધ્વીજીને યાત્રા કરાવવી, દરેક યાત્રાળુઓ પાસે પ્રતિજ્ઞાપત્ર કરાવવા, કચરાને સૅગ્રિગેટ કરવા જેવાં અનેક પ્રકારનાં કામ કરે છે. જે ટીમને જે કામ સોંપવામાં આવ્યું હોય એ સિવાય એણે બીજું કશું કરવાનું નહીં અને એ નિયમ દરેક મેમ્બર પાળે છે. ઘરમાં ક્યારેય ઝાડુ ન પકડ્યું હોય એવા ભક્તો ફક્ત તીર્થની ભક્તિરૂપે શ્રદ્ધાથી જોડાય છે આ શુદ્ધીકરણના કાર્યમાં. આ કાર્યક્રમમાં ૫૦-૬૦ જેટલી બહેનો પણ હોય છે જેઓ સાધ્વીજી મહારાજસાહેબની ભક્તિ આદિ કાર્યો કરે છે.


